અમદાવાદ :ચક્રવાતી તોફાન વાયુ દિશા બદલીને ગુજરાતના કચ્છમાં પહોંચી શકે છે તેવા અહેવાલ મોડી સાંજે જારી કરવામાં આવતા ફરી એકવાર ચિંતા વધી ગઈ છે. જેની અસર ગુજરાતના પોરબંદર અને દ્વારકામાં પણ થશે. આગામી ૪૮ કલાક દરમિયાન તેના પશ્ચિમ તરફ વધવાના સંકેત છે. ત્યારબાદ તે ફરીથી ઉત્તરપૂર્વની દિશામાં આગળ વધી શકે છે. આને લઇને ગુજરાત રાજ્ય વહીવટીતંત્ર પહેલાથી જ એલર્ટ ઉપર છે.
ગઇકાલે એવા રાહતના સમાચાર આવ્યા હતા કે, વાયુની અસર સમગ્ર રાજ્ય પર નહીં બલ્કે દરિયાકાંઠાના વિસ્તારોમાં જાવા મળશે. કોઇપણ ઘટનાને રોકવા માટે એનડીઆરએફની ૫૨, એસડીઆરએફની નવ, એસઆરપીની ૧૪ કંપનીઓ તૈનાત કરવામાં આવી હતી. રાજ્ય સરકારની સાથે મળીને કેન્દ્ર સરકાર પણ કામ કરી રહીછે. ૨૪ કલાક ખુબ મહત્વપૂર્ણ હોવાની વાત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી છે.
રૂપાણીએ કહ્યું હતું કે, હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત ઉપર ખતરો બનીને આવી રહેલા ચક્રવાત હવે ઓમાન તરફ છે પરંતુ હજુ પણ આગામી ૨૪ કલાક મહત્વપૂર્ણ રહી શકે છે. સ્થાનિક વહીવટીતંત્ર અને એનડીઆરએફની ટીમો હાઈએલર્ટ ઉપર રહી શકે છે. પ્રભાવિત ૧૦ જિલ્લાઓની સ્કુલો અને કોલેજો આજે શુક્રવારના દિવસે પણ બંધ રહી હતી. ૮૦થી વધુ ટ્રેનો રદ કરવામાં આવી ચુકી છે. સાત મુખ્ય લાઇનની ટ્રેનો રદ રાખવામાં આવી છે. પાંચ ટ્રેનો નાની અવધિ માટે આંશિકરીતે બંધ કરવામાં આવી છે.
વાયુ ગુજરાતના દ્વારકા તરફ વધી રહ્યું છે જેની અસર પોરબંદર અને આસપાસના વિસ્તારોમાં જોવા મળી રહી છે. તોફાનના ખતરાને ધ્યાનમાં લઇને ટ્રેનોને હજુ રદ રાખવામાં આવી છે. ચક્રવાતી તોફાન વાયુના પરિણામ સ્વરુપે જ ગોવામાં મોનસુનની એન્ટ્રીમાં વિલંબની Âસ્થતિ છે. દિવ, સોમનાથ, જૂનાગઢ અને દ્વારકાના ક્ષેત્રોને અસર થઇ શકે છે.