અમદાવાદ : ગુજરાતમાં વાયુ વાવાઝોડાની અસર હેઠળ સાવચેતીના પગલારૂપે તમામ પગલા લેવામાં આવ્યા છે. જેના ભાગરૂપે ગુજરાતમાં ૯૮ ટ્રેનો રદ કરવામા ંઆવી છે. જે પૈકી ૭૦ ટ્રેનો સંપૂર્ણપણે રદ કરાઇ છે. જ્યારે ૨૮ ટ્રેનોને આંશિક રીતે રદ કરવામાં આવી છે. શુક્રવાર સુધી ટ્રેનો રદ રહેશે. વાવાઝોડાની તીવ્રતાને જોઇને સૌરાષ્ટ્ર તરફ જતી અનેક ટ્રેનોને રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ચક્રવાતની ચેતવણીને ધ્યાનમાં રાખીને, ટ્રેન મુસાફરો માટે વિવિધ સલામતી અને સલામતીની સાવચેતી પશ્ચિમ રેલવે દ્વારા વેરાવળ, ઓખા, પોરબંદર, ભાવનગર, ભુજ અને ગાંધીધામ તરફની તમામ પેસેન્જર અને મેઈલ-એક્સપ્રેસ ટ્રેનો રદ કરવામાં આવી છે. કેન્સલ કરવામાં આવેલી ટ્રેનોમાં ૫૨૯૩૩ વેરાવળ-અમરેલી, ૫૨૯૪૯ વેરાવળ-દેલવાડા, ૫૨૯૩૦ અમરેલી-વેરાવળ, ૫૨૯૫૧ દેલવાડા-જૂનાગઢ, ૫૨૯૫૬ જૂનાગઢ- દેલવાડા, ૫૨૯૫૫ અમરેલી-જૂનાગઢ, ૫૨૯૫૨ જૂનાગઢ-દેલવાડા, ૫૨૯૪૬ અમરેલી-વેરાવળ, ૫૨૯૨૯ વેરાવળ-અમરેલી, ૫૨૯૫૦ દેલવાડા-વેરાવળ સહિતની ટ્રેનોનો સમાવેશ થાય છે. વાવાઝોડાને ધ્યાનમાં રાખીને ૬થી ૧૦ કોચ ધરાવતી ખાસ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. જેને એક સલામત સ્થાન પર રાખવામાં આવશે.
જે તાત્કાલિક સ્થળાંતર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવશે.સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં વાયુ વાવાઝોડુ ત્રાટકવાની દહેશત અને આજે તેની આગોતરી અસરને પગલે દોડતા થયેલા સરકારી તંત્ર અને એરપોર્ટ ઓથોરીટી દ્વારા સૌરાષ્ટ્રના તમામ એરપોર્ટ બે દિવસ પૂરતા બંધ રાખવાનો બહુ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને પગલે સૌરાષ્ટ્રના જામનગર, દીવ, કંડલા, પોરબંદર, રાજકોટ સહિતના એરપોર્ટ બે દિવસ માટે હવે બંધ રહશે.