ગીતાદર્શન
“ સહયજ્ઞા: પ્રજા: સૃષ્ટવા પુરા ઉવાચ પ્રજાપતિ:II
અનેન પ્રસવિષ્યાધ્વમ એષ: વ: અસ્તુ ઇષ્ટકામધુફ II ૩/૧૦ II “
અર્થ –
” સૃષ્ટિના આરંભમાં યજ્ઞ સહિત પ્રજાઓને ઉત્પન્ન કરીને બ્રહ્માએ કહ્યું, આ યજ્ઞથી તમે વૃધ્ધિ પામો. આ યજ્ઞ તમારી ઇચ્છિત કામનાઓ પૂર્ણ કરનાર થાઓ. ”
બ્રહ્માજી એ જ્યારે સૃષ્ટિની રચના કરી છે ત્યારે પ્રજાની સાથે તેના કલ્યાણ માટેની પણ વ્યવસ્થા વિચારેલ જ છે. અને એ વિચારણાના ભાગ રૂપ તેમણે પ્રજાની સાથે યજ્ઞ, પૂજા, મંત્રો અને ઉપનિષદો વગેરે પણ ક્રમશ: મૂકેલાં જ છે. આ શ્ર્લોકનું વિસ્તૃત વિવેચન કરીએ તો ;
— જ્યારે સૃષ્ટિ રચાઇ ત્યારે મનુષ્યની/જીવોની સાથે યજ્ઞ હોમ હવન પણ તેના કર્તાએ મૂકેલાં છે,
— આ યજ્ઞો જીવોના કલ્યાણ માટે જ છે.
— માત્ર કલ્યાણ જ નહિ પરંતુ જીવોની વૃધ્ધિ પણ તેની સાથે સંકળાયેલ છે,
— યજ્ઞોથી જીવોને સમૃધ્ધિ પણ મળી શકે છે,
— પૂજન, હોમ, હવન ,ભક્તિ, ભજન વગેરે દ્વારા વ્યક્તિ ઇશ્વર સુધી પહોચી શકે છે,
— એના દ્વારા જીવ પોતે મોક્ષ પણ મેળવી શકે છે. ઇચ્છિત ફળ પણ પ્રાપ્ત કરી શકે છે.
આ ઉપરથી કહી શકાય છે કે સૃષ્ટિના કર્તાએ જીવની ઉત્પત્તિની સાથે તેના મોક્ષ માટેના માર્ગની પણ વ્યવસ્થા કરેલ છે, જરૂર છે માત્ર આપણે તેને ઓળખીને તેનો યોગ્ય રીતે અમલ કરવાની. આ યજ્ઞો પાછા જીવોની ઇચ્છાઓ પણ પરિપૂર્ણ કરી શકશે તેવું વિધાન પણ કરેલ છે. ચાલો આપણે સહુ શાસ્ત્રોમાં નિયત કરેલ પધ્ધતિઓનો અમલ કરીને પ્રભૂના ધ્યાનમાં લાગી જઇએ અને આત્માનું કલ્યાણ કરીએ. અસ્તુ
- અનંત પટેલ