નવી દિલ્હી : ઓરિસ્સામાં ગયા મહિને ફોની વાવાઝોડાએ ભારે આતંક મચાવ્યો હતો ત્યારબાદ હવે ગુજરાત ઉપર આવા જ વિનાશક વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. અરબ સાગરમાં સર્જાયેલા ચક્રવાતી તોફાન વાયુ મહારાષ્ટ્રથી ઉત્તરમાં ગુજરાત તરફ વધી રહ્યું છે. હવામાન વિભાગના કહેવા મુજબ વાયુ ૧૩મી જૂનના દિવસે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો ખાસ કરીને પોરબંદર અને કચ્છમાં ત્રાટકવાની શક્યતા છે. હવામાન વિભાગે આગામી ૧૨ કલાકમાં ચક્રવાતી વાવાઝોડુ વધુ તીવ્ર બનીને ગંભીર સ્વરુપ ધારણ કરશે. ગુજરાતના અધિકારીઓ ઓરિસ્સામાં વાવાઝોડા દરમિયાન જે ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે ટેકનિકનો ઉપયોગ કરીને આગળ વધવા માટે તૈયારી કરવામાં આવી છે.
ગૃહમંત્રી અમિત શાહે બેઠક યોજીને તૈયારીઓની સમીક્ષા કરી છે. આઈએમડીના કહેવા મુજબ વાયુ વાવાઝોડુ ૧૩મી જૂનના દિવસે સવારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટકશે. પોરબંદરથી મહુવા, વેરાવળથી દિવ ક્ષેત્રને અસર કરશે. પવનની ગતિ ૧૩૦ કિલોમીટર સુધી જઈ શકે છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે કહ્યું હતું કે, દરિયાકાંઠાના વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળોએ લઇ જવામાં આવી રહ્યા છે. રૂપાણીએ કહ્યું હતું કે, કચ્છથી લઇને દક્ષિણ ગુજરાત સુધી ફેલાયેલા દરિયાકાંઠાને હાઈએલર્ટ ઉપર કરીને નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
ગુજરાતના અધિકારી ઓરિસ્સા સરકારના સંપર્કમાં છે. રૂપાણીએ કહ્યું હતું કે, તમામ કર્મચારીઓની રજા રદ કરી દેવામાં આવી છે. તેમને ડ્યુટી પર તૈનાત કરાયા છે. ૧૩ અને ૧૪મી જૂન અમારા માટે મહત્વની છે. તમામની મદદ માંગવામાં આવી છે. માનવીય નુકસાન ઓછામાં ઓછુ રહે તે માટે પગલા લેવામાં આવી રહ્યા છે. શાહે પણ સ્થિતિની નોંધ લીધી છે. ગુજરાતમાં ૧૧થી વધુ જિલ્લાઓમાં શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ મોકૂફ કરીદેવામાં આવ્યો છે. સાથે સાથે કેબિનેટની બેઠક પણ હાલ પુરતી મોકૂફ કરાઈ છે.