અમદાવાદ : મુંબઇથી દિલ્હી જતી જેટ એરવેઝની ફલાઇટમાં ધમકીભર્યો પત્ર લખી ભારે આંતક અને ભયનો ઓથાર પેદા કરવાના અમદાવાદના પ્રથમ એન્ટી હાઇજેકીંગ ગુનાના કેસમાં અત્રેની સ્પેશ્યલ એનઆઇએ કોર્ટે આરોપી બિરજુ સલ્લાને દોષિત ઠરાવ્યો હતો અને તેને આ કેસમાં જન્મટીપની આકરી સજા ફટકારતો બહુ મહત્વનો અને ઐતિહાસિક કહી શકાય તેવો ચુકાદો જાહેર કર્યો હતો. કોર્ટે આરોપી બિરજુ સલ્લાને આજીવન કેદની સજાની સાથે સાથે રૂ.પાંચ કરોડનો દંડ પણ ફટકાર્યો હતો. આ સિવાય કોર્ટે કો-પાઇલટને રૂ.એક-એક લાખનું વળતર અને એર હોસ્ટેસને રૂ.૫૦-૫૦ હજારનું વળતર તથા તમામ પેસેન્જરને રૂ.૨૫ હજારનો વળતર ચુકવવાનો પણ બહુ મહત્વનો આદેશ કર્યો હતો. સ્પેશ્યલ એનઆઇએ કોર્ટનો ચુકાદો જાતાં પ્લેન હાઇજેકીંગનો ધમકીભર્યો પત્ર લખવાનું બિરજુ સલ્લાને બહુ ભારે પડી ગયુ તેવી ચર્ચાએ પણ કોર્ટ પ્રાંગણમાં જાર પકડયું હતું.
મુંબઈથી દિલ્હી જતી જેટ એરવેઝની ફ્લાઈટમાં મળેલા ધમકીભર્યા પત્ર મામલે મુંબઈના બિઝનેસમેન બિરજુ સલ્લા સામે એન્ટિ હાઈજેકીંગ એક્ટ હેઠળ ૨૦૧૭માં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. ૨૦૧૬ જુલાઈથી અમલમાં આવેલા આ કાયદા હેઠળ દેશભરમાં અમદાવાદમાં આ પહેલો ગુનો નોંધાયો હતો. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી(એનઆઇએ)ની અમદાવાદ સ્થિત સ્પેશ્યલ કોર્ટે પ્લેન હાઈજેકીંગના નવા કાયદા હેઠળ દેશમાં સૌ પ્રથમ સજા બિરજુ સલ્લાને જન્મટીપની સજા ફટકારતાં ભારે ચકચાર મચી ગઇ હતી. એનઆઈએ સ્પેશ્યલ કોર્ટના જજ એમ.કે.દવેએ સલ્લાને દોષિત ઠેરવી આજીવન કેદની સજા સંભળાવી હતી. ગત તા.૨૨ જાન્યુઆરી,૨૦૧૮ના રોજ સલ્લા સામે એનઆઇએ દ્વારા એન્ટિ હાઈજેકીંગ એક્ટ હેઠળ ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યું હતું. સલ્લાએ મુંબઈથી દિલ્હી જતી ફ્લાઈટને હાઈજેક કરવાની ધમકી આપી હતી, અને તેના કારણે પ્લેનને અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડીંગ કરવાની ફરજ પડી હતી. સલ્લાએ ધમકીભર્યો પત્ર પ્લેનના વોશરૂમમાં સંતાડ્યો હતો, જે સ્ટાફને હાથ લાગ્યો હતો.
આ પત્રમાં જણાવાયું હતું કે, પ્લેનના કાર્ગો એરિયામાં બોમ્બ છે, અને તેમાં અપહરણકારો પણ સવાર છે. પત્રને પગલે પ્લેનમાં અને એરપોર્ટ ઓથોરીટી સહિત તપાસનીશ એજન્સીઓમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાઇ ગયો હતો. બાદમાં સમગ્ર મામલાની તપાસમાં ચોંકાવનારી હકીકત સામે આવી હતી કે, મુંબઈથી બિઝનેસ ક્લાસમાં સવાર થયેલા બિરજુ સલ્લાએ ઈંગ્લીશ અને ઉર્દુમાં એક નોટ બનાવી હતી, અને તેને ઈરાદાપૂર્વક પ્લેનના ટોઈલેટના ટિશ્યુ પેપર બોક્સમાં મૂકી દીધી હતી. સલ્લાનો લખેલો આ પત્ર મળતાં જ પ્લેનમાં સવાર પેસેન્જરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. એનઆઇએએ ચાર્જશીટમાં દાવો કર્યો હતો કે, સલ્લાની આ હરકતથી એરલાઈનને બદનામ કરી તેને બંધ કરાવવા માગતો હતો, અને આમ કરી તે આ એરલાઈનમાં કામ કરતી પોતાની એક ફ્રેન્ડને પાઠ ભણાવવા માગતો હતો. ૨૦૧૬માં પ્લેન હાઈજેકીંગને લગતો કાયદો ખૂબ જ કડક બનાવાયો છે. પ્લેન હાઈજેક કરવાની ધમકી આપવી પણ કડક સજાપાત્ર ગુનો છે, જેમાં આજીવન કેદની સજા થઈ શકે છે. કોર્ટે એનઆઇએ તરફથી કરાયેલી દલીલો ગ્રાહ્ય રાખી ઉપરોકત ઐતિહાસિક અને મહત્વનો ચુકાદો જાહેર કર્યો હતો.