નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શેરબજાર સહિત તમામ બજારોને ચોંકાવી દઈને નિર્મલા સીતારામનને નાણાંમંત્રી તરીકેની જવાબદારી સોંપી દીધી હતી. મોદી સરકાર-૧માં સંરક્ષણ મંત્રી તરીકે રહેલા નિર્મલા સીતારામને રાફેલના મુદ્દા ઉપર પણ જોરદાર વલણ અપનાવ્યું હતું. આ વખતે સીતારામનને વધુ મોટી જવાબદારી સોંપવામાં આવી છે. એશિયાનું ત્રીજુ સૌથી મોટુ અર્થતંત્ર હાલમાં મંદીમાં છે ત્યારે સીતારામને ખુબ મોટી જવાબદારી સોંપવામાં આવી છે. ૫૯ વર્ષીય સીતારામન મોદી કેબિનેટમાં વરિષ્ઠ મહિલા પ્રધાન તરીકે છે. પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી બાદ નાણા મંત્રી તરીકેની જવાબદારી સંભાળનાર નિર્મલા સીતારામન બીજા મહિલા બની ગયા છે. નિર્મલા સીતારામને પોતાની કેરિયરમાં અનેક સિધ્ધિઓ હાસિલ કરી છે.
૧૭મી લોકસભામાં કેન્દ્રિય કેબિનેટમાં ત્રણ મહિલાઓ છે. સીતારામન પહેલા ઈન્દિરા ગાંધી ટુંકાગાળા માટે નાણાંમંત્રી તરીકે રહ્યા હતા. મોદીએ આજે સીતારામનને આ મોટી જવાબદારી સોંપીને તમામને સોંકાવી દીધા છે. એમ માનવામાં આવી રહ્યું હતું કે, પીયુષ ગોયલે ને નાણાંમંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવશે. પરંતુ ગોયલને રેલવે અને વાણિજ્ય ખાતુ સોંપવામાં આવ્યું છે. અમેરિકા સાથે વેપાર સંબંધો સારા રહ્યા નથી ત્યારે ગોયલ અને સીતારામન પાસે સારા સંબંધો કરવાની રહેશે. સીતારામન એવા સમયે નાણાંમંત્રી બન્યા છે જ્યારે સરકાર પર ઉદ્યોગ તરફથી દબાણ લાવવામાં આવી રહ્યું છે. ભારતના ૨.૭ ટ્રિલિયન ડોલરના અર્થતંત્રમાં મંદીને રોકવા માટે પેકેજની માંગ ઉદ્યોગ દ્વારા કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં સીતારામન સામે કેટલાક પડકારો રહેલા છે. ભારતે વિશ્વમાં સૌથી ઝડપથી ઉભરી રહેલા અર્થતંત્ર તરીકેની છાપ ઉભી કરી છે.
જાન્યુઆરી-માર્ચ ત્રિમાસીક ગાળામાં ભારત પાસે અનેક પડકારો રહેલા છે. મોદી-૨ અવધિમાં પ્રથમ ૧૦૦ દિવસ માટે આર્થિક સુધારાઓ મોટા પાયે હાથ ધરવામાં આવનાર છે. બીજી અવધીમાં કારોબાર માટે શ્રમ અને જમીન સુધારા માટેના નિયમોને હળવા કરવામાં આવનાર છે. સરકાર દ્વારા જુદા જુદા પાસા પર વિચારણા કરવામાં આવી રહી છે. સોમવારના દિવસે જ્યારે કારોબારની શરૂઆત થશે ત્યારે નિર્મલા સીતારમનના સંદર્ભમાં શેરબજારમાં પ્રતિક્રિયાઓ મળી શકે છે. ભાજપ સાથે જાડાયા બાદ માત્ર ૧૧ વર્ષમાં તેઓ અહીં પહોંચ્યા છે. નિર્મલાનો જન્મ તમિળનાડુના એક સામાન્ય પરિવારમાં ૧૮મી ઓગસ્ટ ૧૯૫૯ના દિવસે થયો હતો. તેમના પિતા રેલવેમાં નોકરી કરતા હતા. વારંવાર તેમની બદલી થતી હતી.
તમિળનાડુના તિરુચાપલ્લીમાં અભ્યાસ કર્યા બાદ અર્થશાસ્ત્રમાં ગ્રેજ્યુએશન થયા હતા. ટેક્સટાઇલ ટ્રેડમાં પીએચડીમાં રિસર્ચ કરી ચુક્યા છે. લંડનમાં અભ્યાસના ગાળા દરમિયાન અનેક જગ્યાઓએ નોકરી કરી હતી. પતિ સાથે લંડનમાં રોકાણ દરમિયાન સેલ્સ ગર્લ તરીકે કામ કરતા હતા. નિર્મલા સીતારામન ૨૦૦૮માં રાજનીતીકમાં જોડાયા હતા અને ભાજપમા સામેલ થયા હતા. બે વર્ષ બાદ ભાજપના પ્રવક્તા બની ગયા હતા. ૨૬મી મે ૨૦૧૪માં મોદી સરકારના રાજ્યમંત્રી બન્યા હતા. ત્રીજી ડિસેમ્બર ૨૦૧૭ના દિવસે કેબિનેટમાં ફેરફાર કરાયા ત્યારે તેમને સંરક્ષણમંત્રી બનાવવામાં આવ્યા હતા. સાહસી અને જોરદાર સક્રિય નિર્મલા સીતારામનને નાણાં પ્રધાન બનાવી મોદીએ તમામ પંડિતને ફરી ચોંકાવી દીધા.