મુંબઇ : શેરબજારમાં આજે ઉથલપાથલના સત્ર વચ્ચે કારોબારના અંતે તેજી જામી હતી. આજે સતત ત્રીજા સેશનમાં બેંચમાર્ક ઇન્ડેક્સ નવી ઉંચી સપાટી સાથે બંધ રહ્યો હતો. નજીવા ઉછાળા સાથે શેરબજારમાં તેજી રહેતા કારોબારી આશાવાદી દેખાયા હતા. એમ માનવામાં આવી રહ્યું હતું કે, આજે દિવસના અંતે શેરબજારમાં ફ્લેટ સ્થિતિ રહેશે અથવા તો મંદી રહેશે પરંતુ અંતે તેજી સાથે કારોબાર થયો હતો. બીએસઈ સેંસેક્સ ૬૬ પોઇન્ટ ઉછળીને ૩૯૭૫૦ની સપાટીએ રહ્યો હતો. યશ બેંક, કોલ ઇન્ડિયા, ઇન્ફોસીસ, પાવરગ્રીડ, વેદાંતાના શેરમાં સૌથી મોટો ઉછાળો નોંધાયો હતો.
બીએસઈ ૩૦ શેર પૈકી ૧૭ શેરમાં મંદી રહી હતી. આવી જ રીતે બ્રોડર ઇન્ડેક્સ નિફ્ટીમાં ચાર પોઇન્ટનો નજીવો સુધારો થતાં તેની સપાટી ૧૧૯૨૯ રહી હતી. માર્કેટ બ્રીડ્થ તેજીમાં રહી હતી. ખરીદીનો માહોલ જામ્યો હતો. ૯૬૧ શેરમાં તેજી અને ૭૯૩ શેરમાં મંદી રહી હતી. સાત નિફ્ટી સેક્ટરલ ઇન્ડેક્સમાં મંદીનો માહોલ રહ્યો હતો. નિફ્ટી પીએસયુ બેંકમાં સૌથી વધુ ૦.૭ ટકાનો ઘટાડો રહ્યો હતો. નિફ્ટી મિડિયા અને નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં ક્રમશઃ ૨ ટકા અને ૧.૩ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. બ્રોડર માર્કેટમાં મિડકેપ ઇન્ડેક્સમાં ૧૩ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૫૧૨૭ રહી હતી જ્યારે બીએસઈ સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૬૧ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૫૦૨૦ રહી હતી. ઉડ્ડયન કંપનીના શેરમાં મુખ્ય ધ્યાન કેન્દ્રિત રહ્યું હતું. ઇન્ડિગોના ઓપરેટર ઇન્ટર ગ્લોબ એવિએશનના શેરમાં ત્રણ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.
નેટકો ફાર્માના શેરમાં આઠ ટકા સુધીનો ઉલ્લેખનીય ઘટાડો શરૂઆતી કારોબારમાં જોવા મળ્યો હતો. સેંસેક્સ અને નિફ્ટી બંને નજીવા ઉછાળા સાથે રેકોર્ડ ઉંચી સપાટીએ બંધ રહ્યા હતા. શેરબજારમાં હાલ જુદા જુદા પરિબળોની અસર રહેનાર છે. ગઇકાલે કારોબારના અંતે બ્રોડર નિફ્ટી ૮૧ પોઇન્ટ ઉછળીને ૧૧૯૨૫ની ઉંચી સપાટીએ રહ્યો હતો. બજેટ ઉપરાંત શેરબજારમાં હવે મોનસુનની ચાલ, આરબીઆઈની પોલિસી સમીક્ષા, લિક્વિડીટી વધારવાના વિકલ્પો, ક્રૂડ ઓઇલની કિંમતો અને કારોબારીઓને વધુ રાહત આપવા સહિતના પાસાઓ ઉપર નજર રહેશે. છેલ્લા એક સપ્તાહમાં સેંસેક્સ અને નિફ્ટીમાં ચાર ટકાનો વધારો થઇ ચુક્યો છે જે ૨૦૧૯માં હજુ સુધીનો સૌથી મોટો સાપ્તાહિક ઉછાળો છે.
એશિયન બજારની વચ્ચે પણ આ તમામમાં તેજી નવી આશા જગાવે છે. જાણકાર લોકોનું કહેવું છે કે, નિફ્ટી ૧૨૫૦૦ની સપાટી સુધી પહોંચી શકે છે. આના માટે પણ મોદીના નેતૃત્વમાં ગઠબંધન સરકારની પ્રચંડ બહુમતિને જવાબદાર ગણવામાં આવે છે. યુટીઆઈ એસેટ મેનેજમેન્ટમાં ઇક્વિટી હેડનું કહેવું છે કે, એનડીએ સરકારની આ શાનદાર જીતથી તેજીનો માહોલ રહી શકે છે. શેરબજારમાં હાલમાં તેજી રહેવા માટે જે સૌથી મહત્વપૂર્ણ કારણ જવાબદાર છે તેમાં એનડીએ સરકારની બીજી અવધિ છે. એનડીએ સરકારની પ્રચંડ બહુમતિ સાથે વાપસી થઇ છે.