પટણા : બિહારની રાજનીતિમાં અનેક વર્ષો સુધી રાજ કરનાર પાર્ટી રાષ્ટ્રીય જનતા દળની હાલત લોકસભા ચૂંટણી બાદ ખુબ જ ખરાબ થઇ ગઇ છે. લોકસભાની ચૂંટણીમાં પાર્ટીના સુપડા સાફ થઇ ગયા છે. જાતિ સમીકરણોને ધ્યાનમાં લઇને રાજ્યની સત્તા ઉપર ૧૫ વર્ષ સુધી રહેનાર તથા કેન્દ્રમાં પણ કિંગમેકરની ભૂમિકા અદા કરનાર પાર્ટી આ ચૂંટણીમાં કોઇપણ જગ્યાએ દેખાઈ નથી. આ વખતે એક પણ સીટ આરજેડીને હાથ લાગી નથી. આરજેડીને આ પ્રદર્શન બાદ બિહારની રાજનીતિમાં પાર્ટીમાં મોટા ફેરફારના સંકેત દેખાઈ રહ્યા છે. ચૂંટણી પરિણામ ઉપર ધ્યાન કરવામાં આવે તો આરજેડીની વોટબેંક ગણાતી મુસ્લિમ-યાદવ સમીકરણોને પણ એનડીએએ તોડી પાડ્યા છે.
આરજેડી જા પોતાની વોટબેંકને જાળવવામાં સફળ રહી હોત તો ઉજિયારપુરમાં એનડીએના ઉમેદવાર નિત્યાનંદ રાય ૨.૭૭ લાખ મતોથી ન જીત્યા હોત. જાણકાર પંડિતોનું કહેવું છે કે, બિહારમાં હવે ત્રિકોણીય સ્પર્ધા દેખાઈ રહી નથી. આરજેડીને પોતાની જાતિવાદી રણનીતિને બદલવાની ફરજ પડશે. આરજેડીના હિસ્સામાં પહેલા ૩૦થી ૩૨ ટકા સુધીના મત આવતા હતા પરંતુ આ વખતે એનડીએ દ્વારા બાજી મારી લેવામાં આવી છે. રાજકીય નિષ્ણાતોનું કહેવું છે કે, આરજેડી પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવ ઘાસચારા કૌભાંડના સંદર્ભમાં જેલ ભેગા થયા બાદ તેમના પુત્ર તેજસ્વીનું પાર્ટી ઉપર પ્રભુત્વ થઇ ગયું હતું જ્યારે અનેક અનુભવી નેતા ફેંકાઈ ગયા હતા. હાલના સમયમાં આરજેડી માટે આત્મમંથનનો સમય છે. આરજેડીને શૂન્યથી આગળ વધવું પડશે.
એક વિઝન સાથે પ્રજામાં જવાની જરૂર રહેશે. રણનીતિમાં ચુક ક્યાં થઇ છે તે જાણવાની જરૂર પડશે. જાણકાર લોકોનું કહેવું છે કે, આરજેડી હંમેશા જાતિવાદી રણનીતિ અપનાવીને આગળ વધી છે. જાતિઓના નેતાઓને આ વખતે જનતા અસ્વીકાર કરી ચુકી છે. આરજેડીના પૂર્વ કેન્દ્રીયમંત્રી ઉપેન્દ્ર કુશવાહ અને જિતનરામ માંઝીની પાર્ટી હિન્દુસ્તાની અવામ મોરચા, મુકેશ સહાનીની પાર્ટી વિકાસશીલ ઇન્સાન ફેંકાઈ ચુક્યા છે. લોકસભા ચૂંટણીમાં બિહારમાં એનડીએને ૩૯ સીટ પર સફળતા હાંસલ થઇ છે જ્યારે કિશનગંજની સીટ ઉપર કોંગ્રેસના ઉમેદવાર જીતી ગયા છે. મહાગઠબંધનમાં સામેલ આરજેડીનું ખાતુ પણ ખુલ્યું નથી. આંકડા ઉપર નજર કરવામાં આવે તો બિહારની ૨૪૩ વિધાનસભા ક્ષેત્રોમાં માત્ર ૧૮ સીટ પર મહાગઠબંધનના ઉમેદવાર આગળ રહ્યા છે. આરજેડીના સુપડા સાફ થયા છે. વિધાનસભા ચૂંટણી પહેલા પાર્ટીને નવી રણનીતિ સાથે આગળ વધવું પડશે.