અમદાવાદ : ગુજરાત સહિત દેશભરની લોકસભા ચૂંટણીના પરિણામોમાં આજે ભાજપ અને એનડીએની ભવ્ય અને ઐતિહાસિક જીતના ઘેરા પ્રત્યાઘાત ગુજરાત સહિત દેશના રાજકારણમાં પડયા હતા. ગુજરાતમાં તમામ ૨૬ લોકસભા બેઠકો ભાજપે ફરી એકવાર જીતી લેતાં ભાજપના ગાંધીનગર Âસ્થત કાર્યાલય કમલમ ખાતે ભવ્ય વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. ભાજપના હજારો કાર્યકરો કમલમ્ ખાતે ઉમટયા હતા અને તેઓએ ઢોલ-નગારા અને ત્રાંસા વગાડવાની સાથે સાથે શંખ ફુંકી, ફટાકડા ફોડી, આતીશબાજી કરી, મીઠાઇ ખવડાવી ભાજપની જીતનો જારદાર જશ્ન મનાવ્યો હતો.
તો બીજીબાજુ, કોંગ્રેસના કાર્યાલયમાં કારમી હારને લઇ કાગડા ઉડતા હતા. ભાજપના વિજયોત્સવ પ્રસંગે ખુદ રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, પરસોત્તમ રૂપાલા સહિતના અનેક આગેવાનો અને નેતાઓ હાજર રહ્યા હતા અને વિજયોત્સવમાં સહભાગી બન્યા હતા. કમલમ્ સહિત અમદાવાદ અને રાજયભરના વિવિધ જિલ્લા-તાલુકા કક્ષાએ પણ ભાજપના કાર્યકરો અને સ્થાનિક આગેવાનો દ્વારા ભવ્યાતિભવ્ય રીતે વિજયોત્સવ અને જીતનો જશ્ન મનાવાયા હતા. ભાજપના ભવ્ય વિજય પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, આ જીત માત્ર ભાજપની જીત નથી પરંતુ સમગ્ર ભારતના દેશવાસીઓની જીત છે. વડાપ્રધાન મોદીના કારણે આ જીત મળી છે, તેમને હું નમન કરુ છું. ભાજપની જીતના પરિણામો સ્પષ્ટ થતાં જ ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે સીએમ રૂપાણી સાથે ભાજપના અન્ય દિગ્ગજ નેતાઓ પણ કમલમ ખાતે આવી ગયા હતા. અહીં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જીતુ વાઘાણીને મીઠાઈ ખવડાવીને શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે, અમિત શાહની ચાણક્ય નીતિ ભાજપની જીત માટે મહત્વપૂર્ણ સાબિત થઈ. તો બીજી તરફ કોંગ્રેસમાં સન્નાટો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના આગેવાનો અને ધારાસભ્યો દ્વારા હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં નથી આવી. કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય પર કાગડા ઉડી રહ્યાં છે. હાર ભાળી જતા કોંગ્રેસના કેટલાક ઉમેદવારો મતગણતરી કેન્દ્ર છોડીને રવાના થવા લાગ્યા હતા. રૂપાણીએ ઉમેર્યું કે, એકઝીટ પોલ બાદ દેશ અને રાજ્યમાં મોદી લહેર જોવા મળી રહી છે. આ જીત માત્ર ભાજપની નહી પરંતુ સમગ્ર દેશવાસીઓની જીત છે. ભારત વિજય ભવઃ નરેન્દ્ર મોદી એક ઈમાનદાર ચોકીદાર દેશભક્ત,નિર્ણાયક, મજબૂત નેતૃત્વ માટે ભારતની જનતાએ ભાજપના કમળને વોટ આપ્યો છે. પીએમ મોદીના કારણે ભાજપને જીત પ્રાપ્ત થઈ છે. આ માટે મોદીજીને નમન કરૂ છું. અમિત શાહ જેમણે સંગઠનો પરિચય કરાવ્યો. કેવી રીતે ચૂંટણી લડાય છે અને કેવી રીતે જીત મેળવાય છે. ત્રણ મહિના પહેલા રાજસ્થાન, કર્ણાટક અન છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર બની હતી.
ત્યારે રાજસ્થાનમાં પણ ભાજપની ૨૫માંથી ૨૫ બેઠક મળી છે. અમિતશાહની ચાણક્યનીતિ ભાજપની જીત માટે મહત્વપૂર્ણ સાબિત થઈ છે. ગુજરાતમાં ભાજપ ૨૬ બેઠક અને વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે અને જીત નિશ્ચિત છે ત્યારે હું ગુજરાતની જનતાનો આભાર માનું છું. જનતાએ ગુજરાતમાં ૨૨ વર્ષ અને હવે કેન્દ્રમાં ૧૦ વર્ષ માટે વિશ્વાસ મુક્યો છે. લાખો કાર્યકરોએ કાળઝાળ ગરમીમાં ચૂંટણીપ્રચાર કર્યો તે બદલ તેમનો પણ આભાર માનું છું. આજે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે વિજયોત્સવની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. ભાજપના ધારાસભ્યો, આગેવાનો અને મોટી સંખ્યામા કાર્યકરો કમલમ ખાતે આવી પહોચ્યા હતા. ઢોલ-નગારા, ગુલાલ, ફટાકડા અને મિઠાઈ ખવડાવી-વહેંચી ઉજવણી કરવામાં આવી હતી. તો બીજીબાજુ, કોંગ્રેસના એલિસબ્રીજ ખાતેના કાર્યાલય ખાતે કાગડા ઉડતા હતા. કોંગ્રેસની છાવણીમાં સન્નાટો, હતાશા અને નિરાશાનો માહોલ છવાયેલો સ્પષ્ટ નજરે પડતો હતો. કોંગી નેતાઓ કે કાર્યકરો શોધ્યાં જડતા ન હતા.