અમદાવાદ : લોકસભાની ચૂંટણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુનામી વચ્ચે દેશભરમાં ઘણા એવા રાજયો હતા કે, જયાં કોંગ્રેસ પોતાનું ખાતુ પણ ખોલી શકી ન હતી. ગુજરાતમાં પણ ભાજપે ૨૦૧૪ની લોકસભા ચૂંટણી જેમ આ વખતે પણ તમામ ૨૬ બેઠકો ફરી એકવાર કબ્જે કરી નવો રેકોર્ડ સર્જયો હતો. મોદી સુનામી વચ્ચે કોંગ્રેસના દિગ્ગજાના સૂપડા સાફ થઇ ગયા હતા. સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં ભાજપના વિજયોત્સવ અને જીતના જશ્નનો માહોલ છવાયો હતો પરંતુ ગુજરાતમાં ભાજપ દ્વારા તેની ધમાકેદાર અને જારદાર ઉજવણી કરવામાં આવી હતી કારણ કે, મોદી અને અમિત શાહ બંને મૂળ ગુજરાતના છે અને ભાજપના આ બંને નેતાઓએ ફરી એકવાર તેમની રાજકીય તાકાત પુરવાર કરી બતાવી હતી. ગુજરાતમાં ભાજપે ફરી એકવાર કલીન સ્વીપ કરી તમામ ૨૬ બેઠકો જીતી લેતાં કોંગ્રેસની છાવણીમાં તો સન્નાટો અને આઘાતની લાગણી છવાયા હતા.
કોંગ્રેસને સમ ખાવા પૂરતીય એક બેઠક મળી શકી ન હતી. કોંગ્રેસના ભરતસિંહ સોલંકી, પરેશ ધાનાણી, લલિત વસોયા, સી.જે.ચાવડા, તુષાર ચૌધરી, બાબુ કટારા, પરથી ભટોળ સહિતના અનેક દિગ્ગજા મોદી સુનામીના કારણે કારમી હાર પામી પછડાયા હતા. ગુજરાત લોકસભાની ૨૬ બેઠકોની ચૂંટણી માટે કુલ ૩૭૧ ઉમેદવારો મેદાનમાં હતા અને ગુજરાતની જનતાએ ૬૪ ટકા જેટલું ઉંચુ મતદાન કરીને રાજયનો બાવન વર્ષ જૂનો મતદાનની ટકાવારીનો રેકોર્ડ તોડયો હતો. આજે વહેલી સવારે આઠ વાગ્યાથી અમદાવાદ સહિત રાજયભરમાં ભારે ઉત્તેજના અને ઉત્સુકતાભર્યા વાતાવરણ વચ્ચે મતગણતરીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.
શરૂઆતના તબક્કેથી જ મોટાભાગની બેઠકો પર ભાજપના ઉમેદવારો સતત આગળ હતા..કોંગ્રેસ કયાંક કયાંક થોડા રાઉન્ડ સુધી ટક્કર આપતી જાવા મળી હતી પરંતુ બપોર સુધીમાં તો, સ્થિતિ સ્પષ્ટ થઇ ગઇ હતી અને ભાજપના ઉમેદવારોની જીત વચ્ચે કોંગ્રેસના સૂપડા સાફ થઇ ગયા અને ભાજપે ફરી એકવાર ગુજરાતની તમામ ૨૬ લોકસભા બેઠકો કબ્જે કરી ભગવો અને કમળ લહેરાવી દીધા હતા. તો, ગુજરાતની ૨૬ લોકસભા બેઠકોની ચૂંટણીની સાથે સાથે વિધાનસભાની ચાર બેઠકોની પેટા ચૂંટણી પણ યોજાઇ હતી અને તેની પણ આજે મતગણતરી હતી, તો વિધાનસભા પેટા ચૂંટણીમાં પણ કોંગ્રસનો સફાયો થઇ ગયો હતો. ભાજપે તેના ૨૬ સાંસદમાંથી ૧૦ની ટિકિટ કાપી હતી અને ૧૬ ને રિપીટ કર્યા હતા. તો બીજી તરફ કોંગ્રેસે આઠ વર્તમાન ધારાસભ્યોને લોકસભાની ટિકિટ આપી હતી. જ્યારે ભાજપે મંત્રી પરબત પટેલ સહિત ચાર ધારાસભ્યોને ટિકિટ આપી હતી.
આ લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપે ૨૫ ટકા મહિલાને તો કોંગ્રેસે માત્ર એક મહિલાને ટિકિટ આપી હતી. ભાજપે ૨૬ બેઠકોમાંથી ૩૩ ટકાને બદલે માત્ર ૨૫ ટકા એટલે કે ૬ મહિલાઓને ટિકિટ આપી હતી. જેમાં ભારતીબેન શિયાળ(ભાવનગર), પૂનમ માડમ(જામનગર), રંજનબેન ભટ્ટ(વડોદરા), દર્શના જરદોશ(સુરત), ગીતાબેન રાઠવા(છોટા ઉદેપુર) અને શારદાબેન પટેલ( મહેસાણા) તો બીજી બાજુ કોંગ્રેસે સમ ખાવા પુરતી માત્ર એક મહિલા ગીતા પટેલ(અમદાવાદ પૂર્વ)ને ટિકિટ આપી તેનો સમાવેશ થતો હતો. તો, લોકસભા ચૂંટણીની સાથે સાથે માણાવદર, જામનગર ગ્રામ્ય, ધ્રાંગધ્રા અને ઉંઝા વિધાનસભાની યોજાયેલી પેટાચૂંટણીની પણ મતગણતરી હાથ ધરાઇ હતી. આ ચાર વિધાનસભા બેઠકો પર ભાજપે બે પાટીદાર, એક આહિર અને એક કોળીને તથા કોંગ્રેસે ચાર પાટીદારને ટિકિટ આપી હતી. જેમાં ભાજપે કોંગ્રેસમાંથી આવેલા કેબિનેટ મંત્રી જવાહર ચાવડા, રાઘવજી પટેલ, આશા પટેલ અને પરસોત્તમ સાબરિયાને ટિકિટ આપી છે. જ્યારે જામનગર ગ્રામ્ય બેઠક પરથી વલ્લભ ધારવિયાની ટિકિટ કાપી હતી. વિધાનસભા પેટાચૂંટણીના પરિણામોમાં પણ ભાજપનો જ ભગવો લહેરાય તેવી સ્થિતિ બની છે. આમ, ગુજરાતની જનતાએ આ ચૂંટણીમાં રેકોર્ડબ્રેક ૬૪ ટકા જેટલું ઉંચુ મતદાન કરી ફરી એકવાર દેશનું શાસન ભાજપ અને મોદીના હાથમાં સોંપવાનો જનાદેશ આપ્યો અને ઇતિહાસ રચ્યો છે.