દિવ્યા સાસરે ગયાના થોડા જ દિવસોમાં કંટાળી ગઇ હતી, એનો પતિ સૂરજ એને ભરપૂર પ્રેમ આપતો હતો. એનાં સાસુ સસરા તે પરણીને ગઇ તેના એકાદ માસ પછી તેની સાથે થોડાં અતડાં બની ગયાં હોય એવું તેને લાગતું હતું. આને લીધે તે બેહદ પરેશાન રહેવા લાગી હતી. તેની નણંદ તેમ જ તેની બે જેઠાણીઓ પણ કદાચ તેનાથી થોડી સાવધ રહેવા લાગી છે એવું દિવ્યાએ અનુભવ્યું હતુ. એ કશુંક નવું કરવાની કે બીજી કશીક નવી વાત કરતી તો એમાં કોઇ બહુ રસ લેતુ નહિ. એમ થવાથી એ જાણે કે ઘરમાં બધાંથી તિરસ્ક્રુત થઇ રહી છે તેવુ ફીલ કરતી હતી.આ બાબતે તેણે એના પતિ સૂરજને પણ વાત કરી તો સૂરજ પણ એમાં વિશેષ કંઇ કરી શક્યો નહિ. દિવ્યાને તેના તરફ્ની સૌની આવી વર્તણૂક સમજાતી ન હતી. તેની એવી તો ક્યા પ્રકારની ભૂલ થઇ છે એની તે સતત ખોજ કરતી રહી.. તેવામાં બન્યુ એવું કે એમની સોસાયટીમાં એક ગુરુમાની પધરામણી થઇ. સૌ બહેનો એમના દર્શને ગઇ. દિવ્યા પણ એનાં સાસુ તેમ જ જેઠાણી વગેરેની સાથે દર્શને ગઇ. ગુરુમાનો ચહેરો ખૂબ જ સૌમ્ય પણ પ્રભાવક હતો . દરેક બહેન એમને વંદન કરતી હતી ને કશું પૂછવુ હોય કે માર્ગદર્શન જોઇતું હોય તો એની પણ ચર્ચા થતી હતી. દિવ્યાને પણ આ ગુરુમાને પોતાની સમસ્યા પૂછવાનું મન થયું. તેણે જે બેનના ઘેર ગુરુમાની પધરામણી થઇ હતી એમને આ માટે વાત કરીને રાત્રે દસેક મિનિટ માટે ગુરુમાને મળવાની વ્યવસ્થા કરાવી . રાત્રે એણે ગુરુમા સમક્ષ પોતાની મૂંઝવણ રજૂ કરી તો ગુરુ માએ એને એટલી શિખામણ આપી કે
” જો પરીક્ષામાં છોકરાઓ જે અઘરો સવાલ કે દાખલો હોય છે તેને લગભગ છોડી જ દેવાનું વલણ ધરાવે છે ને ?? તું જ બોલ તારે પરીક્ષા હોય ને એમાં જો ન સમજાય એવો અઘરો દાખલો હોય તો તું શું કરશે ?? .. કહેવાનો મતલબ એટલો જ છે કે તને પરણે હજી છ માસ પણ થયા નથી ને જો તારાં સાસુ વગેરે તારાથી આવું કરતાં હોય તો એનું એક કારણ મને એવું લાગે છે કે એ પણ તને કદાચ અઘરો દાખલો તો નથી ગણતાં ને ?? તરે તારી વર્તણૂંક એકદમ સરળ અને સાદી જ રાખવાની છે. તું એમને મોટી સમસ્યા લાગે એવું કશું ન કરતી… જા મારા તને આશીર્વાદ છે, બધુ સારું થઇ જશે… ”
દિવ્યા ગુરુમાને ફરીથી પગે લાગી મનમાં કશો સંકલ્પ કરીને ઘેર આવી ગઇ.તે રાત્રે તેના મનમાં ગુરુમાના શબ્દો પડઘાતા જ રહ્યા…
— તારે એકદમ સાદુ જીવન જીવવાનું છે,
— ઘરના દરેક સભ્યની વાત શાંતિથી સાંભળવાની છે,
— વાત વાતમાં દરેકને જવાબ આપવો જરૂરી નથી,
— કોઇ અહીં તારુ દુશ્મન નથી,
— જે બાબત ન સમજાય તે સાસુ કે જેઠાણીને બીજી વખત શાંતિથી પૂછી શકાય,
— તારે ગણિતનો અઘરો દાખલો બનવાનું નથી.
વધુ વિચારતાં તેને ગુરુમાની વાત સાચી લાગી .તે પોતે બિનજરૂરી રીતે ઘરની વાતોમાં દલીલો કર્યા કરતી હતી ને કોઇ પૂછે કે ન પૂછે તો પણ પોતાનો અભિપ્રાય ઝીકે જ રાખતી હતી.
” અરે રે પણ તને ક્યાં કોઇએ પૂછ્યુ છે ? તારે હજુ બહુ લાંબી મજલ કાપવાની છે. તેલ જો તેલની ધાર જો .. હજી તો તારે આ બધાં જોડેથી ઘણું બધુ શીખવાનું છે…” દિવ્યા કદાચ પોતાની જાત સાથે વાતો કરતી કરતી ક્યારે ઉંઘી ગઇ એની ય તેને ખબર પડી નહિ.
બસ જાણે કે કશો ક ચમત્કાર થયો કે શું ??? ગુરુમાના ગયા પછીના બીજા દિવસથી થી દિવ્યાના ઘરમાં વધારે શાંતિ જળવાતી હોય તેવું પડોશીઓએ અનુભવ્યું. તેને તેની વર્તણૂકમાં એવો ફેરફાર કરી દીધો કે બધાં ફરીથી તેની કાળજી લેતાં હોય એવું તેણે અનુભવ્યુ પણ ખરુ…
આમાં એણે શું ફેરફાર કર્યો હતો ખબર છે ?? અરે ભઇ એ ગણિતનો અઘરો દાખલો બની ગઇ હતી તેમાં બદલાવ લાવીને સહેલો દાખલો બની ગઇ હતી… અને તમે જાણો છો કે સહેલા દાખલા તો સૌને ગમે છે ને ??
- અનંત પટેલ