ગમતાનો કરીએ ગુલાલ
” સીધી સાદી વાતને લોકો કદી સમજ્યા નહિ,
સંતના મુખથી સરી તો વાતનો મહિમા થયો;
વાયરામાં મહેંકનું ભળવું અલગ ઘટના બને,
વાસ્તવે તો ફૂલના સંગાથનો મહિમા થયો; “
— શૈલેન રાવલ
કવિશ્રીએ આ બે સરળ શેરમાં સાદી ભાષામાં બહુ ભારે બોધની વાત કરી છે. તમે તમારા દોસ્તો સાથે કોઇ સારુ ઉદાહરણ કે દાખલો કે દ્રષ્ટાંતની વાત કરશો તો એ લોકો એને બહુ ગંભીરતાથી લેશે નહિ, અથવા તો એને હસી મજાકમાં ઉડાવી દે છે . પરંતુ એ જ વાત જો કોઇ જ્ઞાની અથવા તો જેને કથાકાર કહી શકાય તેવા મહાત્મા કે સંતના મોઢેથી સાંભળવા મળશે તો એના એ જ લોકો એને વધારે મહત્વ આપે છે કે એને ખૂબ જ ગંભીરતાથી લે છે. અહીં સમજવાનું એ છે કે ઘણી સામાન્ય કહી શકાય એવી વાત જો કોઇ અસામાન્ય વ્યક્તિ રજૂ કરે તો એ ઘણી જ મહત્વની બની જાય છે.
તેવી જ રીતે તમે કોઇ બગીચાની બહાર કે નજીકમાં અથવા તો એની અંદર બેઠા હોવ ત્યારે આવતી પવનની લહેરખીઓ જો સુગંધથી ભરેલી હોય તો એને કશી વિશિષ્ટ ઘટના તરીકે મૂલવવામાં આવે છે, પરંતુ હકીકત શું હોય છે ? હકીકત તો એવી હોય છે કે એ પવનની સાથે તે બગીચામાં રહેલાં ફૂલોની સુગંધ ભળેલી હોય છે ને એને લીધે તે વાયુ આપણને સુગંધિત લાગે છે. એટલે કે ફૂલનો પવને સંગાથ કર્યો તો એનો મહિમા વધ્યો. સાદી વાત એ છે કે સાદો સંદેશ જો સંતના મુખેથી આવે તો એ મહત્વ ધારણ કરે છે. લોકો તેને ખૂબ વખાણે છે. અને તેનું અનુંકરણ પણ કરવા લાગે છે. પવન પણ જો ફૂલની સુગંધનો સાથ લે તો એનો મહિમા વધી જાય છે. આ બંને શેર દ્વારા કવિ એ બાબત તરફ અંગુલિ નિર્દેષ કરે છે કે જો તમારે મહત્વના બનવું હોય, તમારે જો તમારો મહિમા વધે એવું કશું કરવું હશે તો અન્ય કોઇ ઉત્તમ વ્યક્તિનો સહારો લેવો જ પડશે. એમ કર્યા વિના તમે આગળ પણ નહિ આવી શકો ને તમારે જે કંઇ મેળવવું છે તે પણ કદાચ તમે ન પણ મેળવી શકો.
જીવનમાં તમે કોની સાથે રહો છે કે કોની સાથે દોસ્તી કે સંગત કરો છો તેના પર તમારા ભાવિ જીવનનો આધાર રહે છે એવું પણ કવિ આપણને કહેવા ધારે છે એમ માનવું રહ્યું ને એને અનુંસરવુ જોઇએ તે પણ સ્વીકારવું જ રહ્યું.
અનંત પટેલ