આણંદ: દુ:ખ-દર્દ, સંતાપ અને તણાવથી ભરેલી જિંદગીમાં જીવનમાં સારી રીતે જીવવા માટે વાણી, વર્તન, વ્યવહાર આચરણ કેવું હોવું જોઇએ એ બધું જ હજારો વર્ષ પહેલાં ઋષિ મુનિઓ, ઉપનિષદો, વેદો અને સ્મૃતિ ગ્રંથો સ્વરૂપે સમગ્ર દુનિયાને સુંદર ભેટ આપી છે. સાથોસાથ ચાણકયનીતિ, ભર્તુહરી અને વિદૂર નીતિ સત્વશીલ જીવન માટે આદર્શ જીવનશૈલી માટે પ્રેરણાસ્ત્રોત સમાન છે તેમ ત્રણ-ત્રણ વિશ્વ વિદ્યાલયોના કુલપતિ ડૉ. નરેશ વેદએ કહ્યું હતું.
વલ્લભવિદ્યાનગર ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી અને વિનયન વાણિજય કોલેજ, સોજિત્રાના સંયુકત ઉપક્રમે યોજાયેલ સંસ્કૃત વાડ્યમ આચાર-નીતિ-દર્શનમ રાષ્ટ્રીય સંગોષ્ઠિને કુલપતિ ડૉ. નરેશ વેદે ખૂલ્લી મૂકી ત્યારે આચાર્ય ડૉ. અર્ચના ત્રિવેદી, વેદ-પુરાણોના આરાધ્યકો અને સંસ્કૃતના વિદ્યાર્થી યુવક-યુવતીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ડૉ. વેદે આપણા આચાર્યો, ઋષિ મુનિઓએ આદર્શ જીવન માટે સુંદર વ્યાકરણ તૈયાર કરીને ભેટ આપ્યું છે. આધિ-વ્યાધિ અને ઉપાધિમાં જીવતી દુનિયા માટે સુખ અને સંતોષની પ્રાપ્તિ માટે ભટકતી દુનિયા અને આજની પેઢીના યુવાનોએ જીવનને શ્રેષ્ઠ બનાવવા ઉપનિષદોનો અભ્યાસ કરવો જ રહ્યો તેમ જણાવી ઉપનિષદો જ્ઞાનનો સંદેશો આપે છે. વેદ-ઋગવેદ અને સ્મૃતિગ્રંથોને આપણે જેટલા સ્વીકાર્યા છે એના કરતાં વધુ વિદેશી ચિંતકોએ સ્વીકારીને તેને માથે મૂકીને ગ્રંથોનું સ્ન્માન કર્યું છે તેમ તેમણે ઉમેર્યું હતું.
પ્રો. જે.પી.એન.ત્રિવેદીએ જયારે પૃથ્વી પર શિક્ષણ ન હતું, કશું જ ન હતું ત્યારે આપણા પૂર્વજોએ સત્વશિલ જીવન માટે પ્રેરણા આપતા ગ્રંથો આપણા માટે મૂકતાં ગયા છે તેમ જણાવી નરસિંહ મહેતા, તુલસીદાસ, ગુરૂનાનક, કબીર, હેમચંદ્રાચાર્યજી એ આપણા સમાજને ઊર્જા આપનારા સૌથી મોટ ઊર્જા સ્ત્રોત હતા તેમ કહ્યું હતું.
ડૉ. નિરંજન પટેલે અત્યારના સમયે માનવ સમાજ અસ્તિત્વ માટે ઝઝૂમી રહ્યો છે. પોતાની સામેની સમસ્યાઓ ઉકેલી શકતો નથી ત્યારે પુરાણો-ગ્રંથોમાં સરળ ઉકેલો આપણી પાસે તૈયાર પડ્યા હોવા છતાં તેનો ઉપયોગ કરવાનો આપણી પાસે સમય નથી તે પ્રતિ નુકચેતની કરી ભારતના પુરાણો અને ગ્રંથો વિશ્વ ગુરૂની સમકક્ષ છે. વિશ્વના અન્ય ગ્રંથો આપણા શાસ્ત્રો સામે વામણા છે તેમ જણાવી સંસ્કૃતના પ્રત્યેક શ્લોકમાં આચાર, નીતિ અને દર્શનનું જ્ઞાન મળે છે તેમ કહ્યું હતું.
ડૉ. બાલકૃષ્ણ શર્માએ દુ:ખ-દર્દ, પીડા તેમજ સમસ્યાઓથી ભરેલી દુનિયામાં સુખ અને શાંતી મેળવવાનો માર્ગ શાસ્ત્રોમાં છે. ઋષિઓ દ્વારા બતાવાયેલા માર્ગેજ ઉત્થાન થઇ શકે છે તેમ જણાવ્યું હતું. તેમણે ગુજરાતની ભૂમિ ઉપર કપિલ ઋષિ, ગૌતમ ઋષિ, ભૃગુ ઋષિ, હેમચંદ્રાચાર્યજીની ભૂમિ છે. એમને સમજવા અને જીવનમાં ઉતારવા એ જ માત્ર સુખનો માર્ગ છે. સોજિત્રા કોલેજના પ્રાચાર્ય અને સંગોષ્ઠિના આયોજક ડૉ. અર્ચના ત્રિવેદીએ પણ પોતાના વિચારો રજૂ કર્યા હતા.
આ રાષ્ટ્રીય સંગોષ્ઠિમાં પ્રો.કમલેશ ચોકસી, પ્રો. મોલિયા, મહાપાત્ર પ્રો.અજયસિંહ ચૌહાણ, ડૉ. ભાવપ્રકાશ ગાંધી, પ્રો.રવિન્દ્ર પંડા, ડૉ. રામપ્રકાશ શુકલ, ડૉ. ગોપાલ શર્મા, ડૉ. હેમાબેન સોલંકીએએ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું. જયારે જુદી જુદી વિશ્વ વિદ્યાલયના અધ્યાપકો-વિદ્યાર્થીઓએ પોતાના શોધ પત્રો રજૂ કર્યાં હતા.
પ્રારંભમાં સોજિત્રા કોલેજના આચાર્યા ડૉ. અર્ચના ત્રિવેદીએ અને તેમની ટીમે સૌનું સ્વાગત કર્યું હતું જયારે ડૉ. વિજય પટેલે આભારવિધિ કરી હતી.