અમદાવાદ : અમૂલડેરી દ્વારા તા.૧૧મી મેથી દૂધ ઉત્પાદકોને દૂધના ખરીદ ભાવમાં કિલો ફેટે રૂ. ૧૦નો વધારો કરાયો છે. આથી હવે દૂધ ઉત્પાદકોને પ્રતિ કિલોફેટે રૂ. ૬૪૦ના ભાવે નાણાં ચૂકવાશે. આમ ઉપરોકત નિર્ણયને લીધે અમૂલ ડેરી સાથે સંકળાયેલા ૭ લાખ પશુપાલકોને ફાયદો થશે. ઉનાળામાં ગરમીને કારણે દૂધનું ઉત્પાદન ઘટ્યું છે. જ્યારે બીજી તરફ ઘાસચારો, દાણ સહિતના ભાવમાં કરાયેલા વધારાને કારણે પશુપાલકોનું આર્થિક ભારણ વધશે, જેના કારણે પશુપાલકોમાં થોડી નારાજગીના લાગણી ફેલાવા પામી છે.
તાજેતરના મહત્વના નિર્ણયને લઇ અમૂલ ડેરીના ચેરમેન રામસિંહ પરમારે જણાવ્યું હતું કે, ઉનાળામાં ઘાસચારો, પાણી અને પશુદાણ મોંઘુ હોવાને કારણે પશુપાલકોને આર્થિક મુશ્કેલી વધી રહી છે. તેમને ભાવોમાં પોષાતું નથી. આથી અમૂલ ડેરી દ્વારા દૂધના ખરીદભાવમાં પ્રતિ કિલો ફેટ રૂ.૧૦નો વધારો કરાયો છે. હવેથી રૂ.૬૪૦ના ભાવે પશુપાલકોને નાણાંની ચૂકવણી કરવામાં આવશે. આથી ખેડા-આણંદ અને મહિસાગર જિલ્લાના પશુપાલકોને ફાયદો થવાનો છે.
બીજીબાજુ, ઉનાળાની ગરમીમાં દૂધની આવકમાં દૈનિક ૫ લાખ લીટરનો ઘટાડો નોંધાયો છે. ખાસ કરીને, શિયાળામા઼ અમૂલડેરીની દૂધની દૈનિક આવક ૩૦ લાખ લિટર હતી. જે ઉનાળામાં ગરમી વધવાને કારણે ઘટીને હવે દૂધની દૈનિક આવક ઘટીને ૨૫ લાખ લિટર થઇ ગઇ છે. જ્યારે દૂધની આવક પણ ઘટી રહી હોવાથી દૂધના ખરીદ ભાવમાં વધારો કરવાની ફરજ પડી છે. અમૂલ ડેરીની સામાન્ય સભા આગામી તા.૨૫મી મેને શનિવારે યોજાશે. જેમાં અમૂલડેરીના હિસાબો ઓડિટ થઇને આવ્યાં હોવાથી રજુ થવાના છે. જેની પર પણ સહકાર ક્ષેત્રના આગેવાનોની નજર મંડાઇ છે.