નવી દિલ્હી : લોકસભાની ચૂંટણીના છટ્ઠા તબક્કા માટે આજે સઘન સુરક્ષા વચ્ચે ૬૧ ટકાથી વધુ મતદાન થયું હતું. આની સાથે જ છ તબક્કાની ચૂંટણી પૂર્ણ થઈ ચુકી છે. હવે માત્ર એક તબક્કામાં મતદાન બાકી છે. ત્યારબાદ ચૂંટણી પરિણામ જાહેર કરવામાં આવશે. અગાઉના પાંચ તબક્કાની જેમ જ છઠ્ઠા તબક્કામાં પણ બંગાળમાં હિંસા વચ્ચે ૮૦ ટકાથી વધુ મતદાન થયું હતું. રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં પ્રમાણમાં ઓછુ મતદાન થયું હતું. ઉત્તર પ્રદેશમાં પણ ઓછુ મતદાન નોંધાયું હતું. કેટલીક જગ્યાએ ૫૫થી ૬૦ ટકા વચ્ચે મતદાન થતા ભાજપ અને કોંગ્રેસ સહિત રાજકીય પક્ષોમાં ઉત્તેજના ફેલાઈ ગઈ છે. મોટા ભાગના રાજ્યોમાં આજે સરેરાશ મતદાન થયું હતું. છ વાગ્યા સુધી દિલ્હીમાં ૫૬.૨૭, બિહારમાં ૫૯.૨૯, મધ્ય પ્રદેશમાં ૬૦.૪૦, બંગાળમાં ૮૦.૧૬, હરિયાણામાં ૬૨.૯૫, ઝારખંડમાં ૬૪.૪૭ ટકા થયું હતું.
લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં રાષ્ટ્રીય પાટનગર દિલ્હી અને હરિયાણા સહિત સાત રાજ્યોને આવરી લેતી લોકસભાની ૫૯ સીટ પર આજે મતદાન યોજાયુ હતું. આ તબક્કામાં આશરે ૧૦ કરોડ ૧૬ લાખથી વધુ મતદારો પૈકી ૬૧ ટકાથી વધુ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આજના મતદાનની સાથે જ ચૂંટણી મેદાનમાં રહેલા ૮૩ મહિલા ઉમેદવાર સહિત ૯૭૯ ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયા હતા. છઠ્ઠા તબક્કામાં શાંતિપૂર્ણરીતે અને વ્યવસ્થિત મતદાનની ખાતરી કરવા માટે એક લાખ ૧૩ હજારથી વધારે મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા હતા. સાથે સાથે ત્રિપુરામાં પણ ૧૬૮ મતદાન કેન્દ્ર સ્થાપિત કરવામાં આવ્યા હતા.આજે છઠ્ઠા તબક્કાની ચૂંટણીમાં બિહારમાં આઠ, ઉત્તરપ્રદેશમાં ૧૪ સીટ પર મતદાન થયુ હતું. દિલ્હીની તમામ સાતેય સીટ પર મતદાન થયુ હતું. બંગાળમાં આઠ સીટ પર મતદાન થયું હતું. મધ્યપ્રદેશમાં આઠ સીટ પર મતદાન થયું હતું. આજે ૫૯ સીટ પર મતદાન થયા બાદ લોકસભાની કુલ ૫૪૨ સીટ પૈકી ૪૮૩ સીટ પર મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. ત્યારબાદ લોકસભાની બાકી રહેલી ૫૯ સીટ પર ૧૯મી મેના દિવસે સાતમા અને અંતિમ તબક્કામાં મતદાન થશે. હવે લોકસભાની ચૂંટણીની લાંબી પ્રક્રિયા પણ પૂર્ણ થવા આવી છે.
લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં આજે મતદાનની સાથે જ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ, કેન્દ્રિય પ્રધાન મેનકા ગાંધી, ઉત્તરપ્રદેશ સરકારના પ્રધાન રીટા બહુગુણા તેમજ ભોજપુરી સુપરસ્ટાર દિનેશ લાલ નિરહુઆના ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયા હતા. ઉતરપ્રદેશની વાત કરવામા ંઆવે તો કુલ ૨.૫૩ કરોડ મતદારો નોધાયા હતા. જે પૈકી આજે ખુબ ઓછા મતદારો મતદાન કરવા બહાર નીકળ્યા હતા. ઉત્તર પ્રદેશમાં આશરે ૫૪થી ૫૬ ટકા સુધી મતદાન નોંધાયું હતું. આની સાથે જ ૧૭૭ ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયા હતા. મતદાનને લઇને પંચ દ્વારા તમામ તૈયારી પહેલાથી જ કરી લેવામાં આવી હતી . આવી સ્થિતીમાં કો પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પુરતા પગલા પણ લેવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી માટેના કાર્યક્રમની ચૂંટણી પંચે ૧૦મી માર્ચના દિવસે જાહેરાત કરી દીધી હતી. આની સાથે લોકસભા ચૂંટણી માટેનું રણશિંગુ ફુંકાઈ ગયું હતુ. ચૂંટણી પંચે લોકસભાની કુલ ૫૪૨ સીટો ઉપર સાત મની જાહેરાત કરી હતી જે સાત તબક્કામાં મતદાન યોજાયુ રહ્યું છે તે પૈકી પ્રથમ તબક્કામાં ૧૧મી એપ્રિલના દિવસે અને બીજા તબક્કામાં ૧૮મી એપ્રિલના દિવસે મતદાન થયું હતું. ત્રીજા તબક્કામાં ૨૩મી એપ્રિલના દિવસે મતદાન થયુ હતુ અને ૨૯મી એપ્રિલના દિવસે ચોથા ચોથા તબક્કામાં મતદાન થયુ હતુ.છટ્ઠી મેના દિવસે પાચંમા તબક્કામાં મતદાન થયુ હતુ. હવે ૧૯મી મેના દિવસે સાતમાં તબક્કામાં મતદાન થશે. તમામ તબક્કાની મતગણતરી એક સાથે ૨૩મી મેના દિવસે યોજાશે. આનો મતલબ એ થયો કે, ૧૭મીલોકસભામાં સત્તાની ચાવી કોની પાસે આવશે તે અંગેનો ફેંસલો ૨૩મી મેના દિવસે થશે. પ્રથમ તબક્કામાં ૨૦ રાજ્યોમાં ૯૧ સીટો ઉપર મતદાન થયુ હતુ.
બીજા તબક્કામાં ૧૨ રાજ્યોની ૯૫ સીટ પર મતદાન થયું હતું. ત્રીજા તબક્કામાં ૧૨ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લેતી ૧૧૬ સીટ પર મતદાન થયુ હતુ. છઠ્ઠા તબક્કામાં સાત રાજ્યોની ૫૯ સીટો ઉપર મતદાન પૂર્ણ થયું છે. હવે સાતમા અને અંતિમ તબક્કા માટે આઠ રાજ્યોની ૫૯ સીટ ઉપર મતદાન થશે. અગાઉના પાંચેય તબક્કાની જેમ છઠ્ઠા તબક્કાના મતદાન વેળા પણ તમામ મતદાન મથકો ઉપર વીવીપેટની વ્યવસ્થા કરવામાં આવનાર હતી. આનાથી વોટરો એ બાબતને જાણી શકે છે કે તેમના મત યોગ્ય ઉમેદવારને પડ્યા છે કે કેમ. આ વખતે ઇવીએમની અનેક સ્તર પર સુરક્ષાની ખાતરી કરવામાઆવી હતી. તમામ મતદાન કેન્દ્રો ઉપર આ વખતે સીસીટીવી કેમેરા પહેલાથી જ ગોઠવી દેવામાં આવ્યા હતા. જેના મારફતે મતદાન પર નજર રાખવામાં આવી રહી છે. ચૂંટણી પ્રક્રિયાની વિડિયોગ્રાફી કરવામાં આવી હતી. સામાન્ય ચૂંટણીમાં આ વખતે કુલ ૯૦ કરોડ મતદારો નોંધાયા છે. આ પ્રથમ એવી ચૂંટણી છે .૨૧મી સદીમાં જન્મેલા લોકો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. ૨૦૧૪માં ચૂંટણી દરમિયાન આ સદીમાં જન્મેલા લોકોની વય ૧૮ વર્ષની ન હતી.
લોકસભાની ચૂંટણીને લઇને મતદારોમાં ઉત્સાહ દેખાઇ રહ્યો છે. ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે જુદા જુદા રાજકીય પક્ષોના સ્ટાર પ્રચારકોએ પૂર્ણ તાકાત લગાવી દીધી હતી. દેશના જુદા જુદા ભાગોમાં મતદારોને પ્રભાવિત કરવા રેલી અને રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાને ચુંટણી પ્રચારના છેલ્લા દિવસે હરિયાણા, હિમાચલપ્રદેશ અને પંજાબમાં ઝંઝાવતી ચુંટણી પ્રચાર કર્યો હતો. ભાજપ પ્રમુખ અમિત શાહે હરિયાણામાં ઝંઝાવતી પ્રચાર કર્યો હતો. જ્યારે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ હિમાચલ અને ચંદીગઢમાં રેલીઓ યોજી હતી. કોંગ્રેસના જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધી વાઢેરાએ ઉત્તર પ્રદેશમાં ચુંટણી પ્રચાર કરીને મતદારોને પ્રભાવિત કરવાના પ્રયાસો કર્યા હતા.