અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટની લાલ આંખના કારણે અમદાવાદ મ્યુનિસિપલ સત્તાવાળાઓએ ટ્રાફિક નિયમનના ભાગરૂપે શહેરભરના ટીપી રોડ પરના દબાણને ખુલ્લા કરવાની ઉગ્ર ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં ટ્રાફિક પોલીસનો સહકાર મેળવીને સત્તાવાળાઓએ દબાણકર્તાઓને દોડતા કર્યા હતા. જો કે, તાજેતરમાં ચૂંટણીના વાતાવરણ અને માહોલ વચ્ચે ચૂંટણીનો ગરમાવો આવતા ઓપરેશન જાણે ડિમોલિશન ઠપ્પ બન્યુ છે. બીજી તરફ શહેરની કુલ ૪પ ટીપી સ્કીમમાં પ૦ ટકાથી લઇને છેક ૮૦ ટકા સુધીના રોડ ખોલવાના બાકી છે, જેને લઇ શહેરના અનેક રોડ-રસ્તાઓ પર હજુ પણ ૮૦ ટકા દબાણોની સ્થિતિ પ્રવર્તી રહી છે. શહેરના ઘણા વિસ્તારોમાં કેટલીકવાર હયાત મિલકતો પર રોડ મુકાતો હોઇ કોર્ટ કેસ થવાથી વર્ષો સુધી રોડ ખુલતા નથી.
આમ અમ્યુકો તંત્ર પાસે ટીપી સ્કીમના રોડ ખોલવા માટે નિશ્ચિત પોલિસી જ નથી. શહેરની કુલ ૪પ ટીપી સ્કીમ એવી છે કે, જેમાં પ૦ ટકાથી લઇને ૮૦ ટકા રોડ હજુ સુધી ખુલ્લા કરાયા નથી. આનું મુખ્ય કારણ અનધિકૃત દબાણ છે. મોટાપાયે આવા રસ્તાઓ પર ગેરકાયદે અને અનઅધિકૃત બાંધકામો અને દબાણો થઇ ગયા છે. સરખેજ-મકરબા ટીપી ૮૮ અને સરખેજ-મકરબા ટીપી ૮૯માં ૮૦ ટકા રોડ ખોલાયા નથી, સરખેજ-મકરબા ટીપી ર૦૪ અને જગતપુર-છારોડી ટીપી ૬પમાં ૬૦ ટકા, થલતેજ ટીપી ર૧પમાં ૬૦ ટકા, થલતેજ ટીપી પ૩ (અ) અને થલતેજ ટીપી ૩પમાં પ૦ ટકા, નરોડા-હંસપુરા ટીપી ૭૦, ૭૧, ૭પ, ૧૦૯માં પ૦ ટકા, ન્યૂ મણિનગર ટીપી ૧૦૭-૧૦૮માં પ૦ ટકા, ગેરતપુર ટીપી ૯પમાં પ૦ ટકા, વિંઝોલ ટીપી ૭ર, ૭૩, ૭૪, ૭૬, ૭૮, ૯ર, ૯૩, ૯૪ અને ૧ર૯માં પ૦ ટકા, રાણીપ ટીપી ૬૬ અને ૬૦(અ)માં પ૦ ટકા, નારોલ-શાહવાડી ટીપી પ૯, ૬૦, ૬૧ અને ૬રમાં પ૦ ટકા, વટવા ટીપી ૭૯, ૧ર૮માં પ૦ ટકા, નારોલ-શાહવાડી ટીપી પ૯, ૬૦, ૬૧ અને ૬રમાં પ૦ ટકા રસ્તા ખોલાયા નથી. આમ, શહેરની ૪૫ જેટલી ટીપી સ્કીમોમાં રોડ-રસ્તાઓ ખુલ્લા કરવાના બાકી હોઇ અમ્યુકો તંત્ર માટે પણ આ એક પડકાર સમાન મુદ્દો છે, જેને ઉકેલવા તંત્રએ ભારે જહેમત સાથે કવાયત હાથ ધરવી પડશે તે નક્કી છે.