અમદાવાદ : જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી તે નીટનું આયોજન આવતીકાલે કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સુકતા અને ઉત્તેજના છવાયેલી છે. તમામ વિદ્યાર્થીઓ તૈયારીમાં લાગેલા છે. સઘન આયોજન વચ્ચે આ પરીક્ષા આવતીકાલે લેવાશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા મેડિકલ-ડેન્ટલ સહિતના પાંચ કોર્સ માટે લેવાનારી નીટ પરીક્ષા આવતીકાલે તા.૫મી મે, રવિવારના રોજ યોજાનાર છે ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં સ્વાભાવિક ઉત્તજેના છવાયેલી છે. વિદ્યાર્થીઓ પરીક્ષાની છેલ્લી ઘડીની તૈયારીમાં જોતરાયા છે.
તો બીજીબાજુ, તંત્ર દ્વારા આવતીકાલે નીટની પરીક્ષા દરમ્યાન વિદ્યાર્થીઓને કોઇ અગવડ ના પડે ખાસ કરીને પરીક્ષા કેન્દ્રો પર ઉનાળાની ગરમીને લઇ પાણી, છાશ, આરોગ્ય વિષયક સેવા સહિતની સુવિધાઓને લઇ સજ્જ બન્યું છે. આવતીકાલે અમદાવાદ શહેર સહિત ગુજરાતમાં ૭૫ હજારથી વધુ વિદ્યાર્થી પરીક્ષા આપનાર છે જે તેની સાથે સ્પર્ધા પણ વધશે. આ વર્ષે ગુજરાતી મીડિયમના ૩૯ હજાર વિદ્યાર્થીઓ નીટ માટે નોંધાયા છે. ગુજરાતમાં નીટ પરીક્ષા માટે કુલ ૧૪૨ સેન્ટરની ફાળવણી થઇ છે.
આવતીકાલે તા.૫મી મેના રોજ બપોરે ૨-૦૦ થી ૫-૦૦ ના સમય દરમિયાન પરીક્ષા લેવાશે. અગાઉ આ સમય સવારનો હતો, પરંતુ સેન્ટર દૂર હોય અને વિદ્યાર્થીને પહોંચવામાં મોડું થાય તેવી ગણતરીને ધ્યાને લઇને પરીક્ષાનો સમય બપોરનો કરાયો છે.
આ વર્ષે સારી એવી સંખ્યામાં રિપિટર પરીક્ષા આપી રહ્યા છે. ગત વર્ષે તા.૬ મેના રોજ નીટની પરીક્ષા લેવાઇ હતી, જેમાં ગુજરાતના ૩૨,૬૨૫ વિદ્યાર્થી ક્વોલિફાય થયા હતા, જેમાં સાત વિદ્યાર્થી ટોપર હતી. સમગ્ર દેશમાં ગત વર્ષે ૧૨,૬૯,૯૨૨ વિદ્યાર્થીઓએ નીટ આપી હતી તે પૈકી ૭,૧૪,૫૬૨ વિદ્યાર્થી ક્વોલિફાય થયા હતા.