નવીદિલ્હી : ૧૨ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લેતી લોકસભાની ૧૧૬ બેઠકો પર ત્રીજા તબક્કાની ચૂંટણી માટે આજે મતદાન યોજાનાર છે. કરોડો મતદારો ચૂંટણી મેદાનમાં રહેલા ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરવા માટે સજ્જ દેખાઇ રહ્યા છે. આવતીકાલે ત્રીજા તબક્કાના મતદાનની સાથે જ ૩૦૨ સીટ પર લોકસભાની ચૂંટણી માટેની પ્રક્રિયા પૂર્ણ થઇ જશે. હજુ સુધી બે તબક્કામાં કુલ ૧૮૬ સીટ પર મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઇ ચુકી છે. ઉંચા મતદાનની ખાતરી કરવા માટેના તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા હોવા છતાં અપેક્ષા મુજબનુ મતદાન હજુ સુધી થયુ નથી.
ત્રીજા તબક્કામાં ઉત્તરપ્રદેશની ૧૦ સીટ પર મતદાન થનાર છે. મુખ્ય સ્પર્ધા ભાજપ અને ગઠબંધન વચ્ચે છે. ઉત્તરપ્રદેશમાં ત્રીજા તબક્કામાં ૯૫.૫ લાખ પુરૂષ મતદારો છે. જ્યારે ૮૦.૯ લાખ મહિલા મતદારો છે. કુલ એક કરોડ ૭૬ લાખ મતદારો કુલ ૧૨૦ ઉમેદવારોના ભાગ્યનો ફેંસલો કરવા જઇ રહ્યા છે. બિહારમાં પાંચ સીટ પર મતદાન યોજાનાર છે. પાંચ સીટ પર ૮૨ ઉમેદવારો મેદાનમાં છે. કુલ ૮૮.૩૧ લાખ મતદારો છે. કર્ણાટકમાં કુલ ૧૪ સીટ પર ૨૩૭ ઉમેદવારો મેદાનમાં છે. રવિવારના દિવસે ત્રીજા તબક્કા માટે ચુંટણી પ્રચારનો અંત આવ્યા બાદ હવે ઘરે ઘરે જઈને પ્રચારની શરૂઆત થઇ હતી. આજે ત્રીજા તબક્કામાં ગુજરાતમાં પણ તમામ ૨૬ બેઠક પર મતદાન યોજાનાર છે. તમામ ઉમેદવારોના ભાવિ ૨૩મી એપ્રિલના દિવસે મતદાન બાદ સીલ થશે. ૧૧૬ બેઠકો, ૧૩ રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આવેલી છે.
ત્રીજા તબક્કામાં જ્યાં મતદાન યોજાનાર છે તેમાં ગુજરાતમાં તમામ ૨૬, કેરળમાં ૨૦, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ૧૪-૧૪ ઉત્તરપ્રદેશમાં ૧૦, છત્તીસગઢમાં સાત બેઠકો પર મતદાન થશે. જમ્મુ-કાશ્મીરમાં એક બેઠક ઉપર મતદાન થશે.મંગળવારના દિવસે યોજાનાર ૧૧૬ સીટ પરના મતદાનને લઈને અભૂતપૂર્વ તૈયારીઓ કરી લેવામાં આવી છે. હજુ સુધી બે તબક્કામાં મતદાન થઈ ચુક્યું છે. ૧૮૬ બેઠક પર મતદાન થયું છે. ૧૧મી એપ્રિલના દિવસે પ્રથમ તબક્કામાં અને ૧૮મી એપ્રિલના દિવસે બીજા તબક્કામાં મતદાન થયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી માટેના કાર્યક્રમની ચૂંટણી પંચે ૧૦મી માર્ચના દિવસે જાહેરાત કરી દીધી હતી.
આની સાથે લોકસભા ચૂંટણી માટેનું રણશિંગુ ફુંકાઈ ગયું હતુ. ચૂંટણી પંચે લોકસભાની કુલ ૫૪૩ સીટો ઉપર સાત તબક્કામાં ચૂંટણી માટેના કાર્યક્રમની જાહેરાત કરી હતી જે સાત તબક્કામાં મતદાન યોજાનાર છે તે પૈકી પ્રથમ તબક્કામાં ૧૧મી એપ્રિલના દિવસે અને બીજા તબક્કામાં ૧૮મી એપ્રિલના દિવસે મતદાન થયું હતું. હવે ત્રીજા તબક્કામાં આવતીકાલે મતદાન થનાર છે. ચોથા તબક્કામાં ૨૯મી એપ્રિલના દિવસે મતદાન યોજાશે જ્યારે પાંચમાં તબક્કામાં છઠ્ઠી મે, છઠ્ઠા તબક્કામાં ૧૨મી મે અને ૧૯મી મેના દિવસે સાતમાં તબક્કામાં મતદાન થશે.તમામ તબક્કાની મતગણતરી એક સાથે ૨૩મી મેના દિવસે યોજાશે. આનો મતલબ એ થયો કે, ૧૭મીલોકસભામાં સત્તાની ચાવી કોની પાસે આવશે તે અંગેનો ફેંસલો ૨૩મી મેના દિવસે થશે. પ્રથમ તબક્કામાં ૨૦ રાજ્યોમાં ૯૧ સીટો ઉપર મતદાન થયુ હતુ. બીજા તબક્કામાં ૧૨ રાજ્યોની ૯૫ સીટ પર મતદાન થયું હતું.
ચોથા તબક્કામાં નવ રાજ્યોમાં મતદાન થનાર છે. પાંચમાં તબક્કામાં સાત રાજ્યોની ૫૧ સીટો ઉપર મતદાન યોજાનાર છે. છઠ્ઠા તબક્કામાં સાત રાજ્યોની ૫૯ સીટો ઉપર મતદાન થશે જ્યારે સાતમા અને અંતિમ તબક્કા માટે આઠ રાજ્યોની ૫૯ સીટ ઉપર મતદાન થશે. આ વખતે તમામ મતદાન મથકો ઉપર વીવીપેટની વ્યવસ્થા કરવામાં આવી છે. આનાથી વોટરો એ બાબતને જાણી શકે છે કે તેમના મત યોગ્ય ઉમેદવારને પડ્યા છે કે કેમ. આ વખતે ઇવીએમની અનેક સ્તર પર સુરક્ષાની ખાતરી કરવામાઆવી છે.તમામ મતદાન કેન્દ્રો ઉપર આ વખતે સીસીટીવી કેમેરા પહેલાથી જ ગોઠવી દેવામાં આવ્યા છે. જેના મારફતે મતદાન પર નજર રાખવામાં આવી રહી છે. ચૂંટણી પ્રક્રિયાની વિડિયોગ્રાફી કરવામાં આવી રહી છે. સામાન્ય ચૂંટણીમાં આ વખતે કુલ ૯૦ કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. રસપ્રદ બાબત એ છે કે, આ પ્રથમ એવી ચૂંટણી છે જ્યારે ૨૧મી સદીમાં જન્મેલા લોકો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. ૨૦૧૪માં ચૂંટણી દરમિયાન આ સદીમાં જન્મેલા લોકોની વય ૧૮ વર્ષની ન હતી. લોકસભાની ચૂંટણીને લઇને મતદારોમાં ભારે ઉત્સાહ દેખાઇ રહ્યો છે. કરોડો મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરવા માટે સજ્જ દેખાઇ રહ્યા છે.
ત્રીજા તબક્કા માટે ચૂંટણી પહેલા પ્રચારમાં ભાજપ તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાજનાથ સિંહ, તેમજ કેન્દ્રિય પ્રધાનોએ જવાબદારી સંભાળી હતી. કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધીએ તમામ તાકાત લગાવી દીધી હતી.ઓરિસ્સ્માં લોકસભાની છ સીટ પર અને ૪૨ વિધાનસભા સીટ પર પણ મતદાન યોજાનાર છે. ત્રીજા તબક્કાની ચૂંટણીમાં રાષ્ટ્રીય પક્ષોના ૩૧૬, ક્ષેત્રિય પક્ષોના ૭૬, રજિસ્ટર્ડ બિનમાન્યતાપ્રાપ્ત રાષ્ટ્રીય પક્ષોના ૪૯૬ અને ૭૨૪ અપક્ષ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. કરોડપતિ ઉમેદવારોની સંખ્યા ૩૯૨ છે. ૧૬૦ ઉમેદવારની સંપત્તિ પાંચ કરોડથી વધારે છે. આ તબક્કામાં ગુજરાતની તમામ ૨૬, કેરળની તમામ ૨૦ બેઠકો માટે મતદાન થશે. વિવિધ રાજ્યોમાં મતદારો ભારે ઉત્સાહિત થયેલા છે.