ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે આવતીકાલે ૨૩મી એપ્રિલના દિવસે તમામ ૨૬ સીટ પર એક સાથે મતદાન થનાર છે ત્યારે આ વખતે વર્ષ ૨૦૧૪ની ચૂંટણીની જેમ ભારતીય જનતા પાર્ટી તમામ ૨૬ સીટ પર જીત મેળવી શકશે કે કેમ તેની ચર્ચા રાજકીય પંડિતોમાં ચાલી રહી છે. જો કે મોટા ભાગના રાજકીય નિષ્ણાંતો કહે છે કે આ વખતે તમામ ૨૬ સીટ પર ભારતીય જનતા પાર્ટી જીત મેળવી શકે તેવી શક્યતા ઓછી છે. ગુજરાત ભારતીય જનતા પાર્ટીના ગઢ તરીકે છે. જો કે વર્ષ ૨૦૧૯ના પરિણામને લઇને ગુજરાત પર નજર રહેનાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહના વતન રાજ્ય હોવાના કારણે આના પર ખાસ નજર રહેનાર છે. વર્ષ ૧૯૯૮માં ભારતીય જનતા પાર્ટીએ ૨૬ સીટ પૈકી ૧૯ સીટ ભાજપે જીતી હતી.
જ્યારે વર્ષ ૧૯૯૯માં ભાજપે ૨૦ સીટ જીતી હતી. જોકે ૨૦૦૨માં ગોધરા રમખાણ બાદ સમીકરણ બદલાયા હતા જેથી વર્ષ ૨૦૦૪માં ભારતીય જનતા પાર્ટીને ૧૪ સીટ મળી હતી. જ્યારે કોંગ્રેસને ૧૨ સીટ મળી હતી. ૨૦૦૯માં સીમાંકન બાદ કોઇ ખાસ અસર દેખાઇ ન હતી. ભાજપે એ વખતે ૧૫ સીટો જીતી લીધી હતી. જો કે વખતે મોદી ગુજરાતમાં જીત મેળવતા રહ્યા હતા. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં મોદી લહેર દેશભરમાં જોવા મળી હતી. જેમાં ગુજરાતની તમામ ૨૬ સીટ ભારતીય જનતા પાર્ટીએ જીતી લીધી હતી. વર્ષ ૨૦૧૭માં વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ જોરદાર વાપસી કરી હતી. ભાજપે મોદીના નામ પર મત માંગ્યા છે. આ વખતે પણ સ્થાનિક મુદ્દા અને ચહેરા એટલા મહત્વપૂર્ણ દેખાઇ રહ્યા નથી. જો કે વર્ષ ૨૦૧૭ વિધાનસભાની અસર દેખાઇ રહી છે. જેના કારણે ભારતીય જનતા પાર્ટીને નુકસાન થઇ શકે છે. મતદારો ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં નાખુશ છે.
જેનો લાભ કોંગ્રેસ પાર્ટી ઉઠાવી શકે છે. શહેરી વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટી ખુબ મજબુત છે પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં તેની સ્થિતી નબળી બની છે. ગાંધીનગર, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીની સ્થિતી ખુબ મજબુત છે. જા કે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને આદિવાસી વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટીને નુકસાન થઇ શકે છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાઠા, પાટણ અને સાબરકાઠામાં કોંગ્રેસ ટક્કર આપી શકે છે. મહેસાણામાં નજીકની સ્પર્ધા રહી શકે છે.
મહેસાણામાં પટેલ સમુદાયના લોકો હવે તમામ ભારતીય જનતા પાર્ટી સાથે દેખાતા નથી. કોંગ્રેસ તરફ પણ મતદારો વધ્યા છે. ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં ખેડુતની સમસ્યા, પાણીની સમસ્યા મુખ્ય મુદ્દા બનેલા છે. છોટા ઉદયપુર, પંચમહાલ, ડાંગ જિલ્લામાં મતદારો ખેતરોમાં પાણીની સમસ્યાને લઇને હોબાળો કરી રહ્યા છે. સિંચાઇના પાણીને લઇને પણ હોબાળો કરવામાં આવી રહ્યો છે. આ તમામ બાબતોને જાતા કોંગ્રેસ કેટલીક બેઠકો પર ટક્કર આપી શકે છે. તમામ સીટો વર્ષ ૨૦૧૪ની જેમ જીતવા માટેની બાબત ભારતીય જતા પાર્ટી માટે સરળ નથી. જા કે ભારતીય જનતા પાર્ટીએ આના માટે તાકાત લગાવી દીધી છે.