અમદાવાદ : ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે પણ હવે તખ્તો ગોઠવાઇ ગયો છે. આવતીકાલે લોકસભાની ચુંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતની તમામ ૨૬ બેઠક પર મતદાન થશે. ગુજરાતમાં કુલ ૪,૫૧,૨૫,૬૮૦ મતદારો મતાધિકારનો ઉપયોગ કરવા ઉત્સુક દેખાઈ રહ્યા છે. ગુજરાત લોકસભાની ૨૬ બેઠકો માટે કુલ ૩૭૧ ઉમદેદવારો મેદાનમાં છે.લોકસભાની ચૂંટણીની સાથે સાથે વિધાનસભાની ચાર બેઠકો માટેની પેટાચૂંટણી માટે પણ આવતીકાલે મતદાન યોજાનાર છે. પેટાચૂંટણીમાં ૪૫ ઉમેદવારો ભાગ્ય અજમાવી રહ્યા છે.
ગુજરાતમાં કુલ મતદારો પૈકી પુરૂષ મતદારોની સંખ્યા ૨,૩૪,૨૮,૧૧૯ અને મહિલા મતદારોની સંખ્યા ૨,૧૬,૯૬,૫૭૧ છે જ્યારે ત્રીજા જાતિના મતદારોની સંખ્યા ૯૯૦ છે. પ્રથમ વખત મતદાન કરનાર મતદારોની સંખ્યા ૧૧,૦૬,૮૫૫ છે.ચૂંટણી પ્રચારનો રવિવારના દિવસે અં આવે તે પહેલા અમદાવાદ શહેર સહિત રાજયભરમાં ભાજપ-કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોના ઉમેદવારોએ અંતિમ તબક્કાનો પ્રચાર પૂર્ણ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાટણ, બનાસકાંઠામાં જાહેરસભા સંબોધી હતી .
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સાણંદમાં વિશાળ રોડ શો યોજી છેલ્લા તબક્કાનો પ્રચાર કર્યો હતો. કોંગ્રેસના સ્ટાર પ્રચારકોમાં ફિલ્મસ્ટાર અમિષા પટેલ, અશોક ગેહલોત, ગુજરાતના પ્રભારી રાજીવ સાતવ, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, હાર્દિક પટેલ સહિતના નેતાઓએ પણ અંતિમ તબક્કાના પ્રચારમાં જોર લગાવી દીધુ હતું.
ભાજપ અને કોંગ્રેસ દ્વારા વર્ષ ર૦૧૪ની ચૂંટણીમાં જેટલા ચૂંટણી કાર્યાલયો ખોલવામાં આવ્યાં હતાં તેના કરતાં ખૂબ જ ઓછા કાર્યાલય આ ચૂંટણીમાં ખોલવામાં આવ્યા હતા. એટલું જ નહી આ વખતની લોકસભાની ચૂંટણીને લઇ પ્રચાર કાર્યમાં રેલી, સરઘસ સભાની સંખ્યા પણ ઘટી હતી. છેલ્લી ચૂંટણીમાં મોદ લહેર વચ્ચ ભારતીય જનતા પાર્ટી લોકસભાની ૨૬ બેઠકો પૈકીની ૨૬ સીટ જીતી લીધી હતી.