અમદાવાદ : ગુજરાતમાં ૨૩મી એપ્રિલના દિવસે યોજાનાર લોકસભા ચૂંટણી માટેના મતદાનને લઇને ચૂંટણી પ્રચાર ચરમસીમા ઉપર છે. ચૂંટણી પ્રચારનો અંત આવશે. લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતની તમામ ૨૬ સીટ પર એક સાથે મતદાન થનાર છે. તમામ સ્ટાર પ્રચારકો દ્વારા ચૂંટણીમાં તમામ તાકાત લગાવી દેવામાં આવી છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પ્રચાર કરવા માટે પહોંચનાર છે. તા. ર૩ એપ્રિલે યોજાનાર લોકસભા ચૂંટણી આડે હવે માત્ર ૭ર કલાક જેટલો સમયગાળો બાકી છે. ત્યારે શહેર અને જિલ્લામાં ચૂંટણીનો માહોલ જામતો ન હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. ભાજપ અનેકોંગ્રેસ દ્વારા વર્ષ ર૦૧૪ની ચૂંટણીમાં જેટલા ચૂંટણી કાર્યાલયો ખોલવામાં આવ્યાં હતાં તેના કરતાં ખૂબ જ ઓછા કાર્યાલય આ ચૂંટણીમાં ખોલાયાં છે. એટલું જ નહી, આ વખતની લોકસભાની ચૂંટણીને લઇ પ્રચાર કાર્યમાં રેલી, સરઘસ સભાની સંખ્યા પણ ઘટી છે.
ઉનાળાની તોબા પોકારતી ગરમી વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે મંદી જેવાં અનેક કારણો અસરકારક માનવામાં આવે છે. મુખ્ય તમામ રાજકીય પક્ષો સવારે ૯-૦૦ કલાક સુધીમાં તેમના કમિટેડ વોટ મતપેટીમાં પડી જાય તેવું પ્લાનિંગ કરી રહ્યા છે. હવે મતદાન પૂરું થવાના ૪૮ કલાક પહેલાં એટલે કે આવતીકાલે રવિવારે સાંજે પાંચ વાગ્યે પ્રચાર અને પ્રસાર બંધ થઇ જશે. ચૂંટણી નિયમો મુજબ, આવતીકાલે સાંજે બહારગામથી આવેલા મહાનુભાવોએ મત વિસ્તાર છોડી દેવો પડશે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન સંબંધિત તૈયારીઓને આખરી ઓપ અપાઇ ગયો છે. અતિ સંવેદનશીલ અને સંવેદનશીલ મતદાન મથક પર સીસી ટીવી કેમેરા દ્વારા તમામ હિલચાલ પર સતત નજર રખાશે. સોમવારે સવારે તમામ મતદાન મથકો પર ઇવીએમ અને વીવીપેટ મશીનની ફાળવણી કરી દેવાશે. ક્વિક રિસ્પોન્સ ટીમ સ્ટેન્ડ ટુ રહેશે. અંતિમ તબક્કાનો પ્રચાર પણ શુષ્ક છે. સવારે ૯-૦૦ વાગ્યે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વાર ગુજરાતના પ્રવાસે છે. તેઓ પાટણ ખાતે જાહેરસભાને સંબોધન કરશે.
ઉત્તર ગુજરાતની પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા બેઠક કબજે કરવા ભાજપ કમર કસી રહ્યું છે. આવતીકાલે દિગ્ગજોનો પ્રચાર પૂરો થશે. ર૪ એપ્રિલના રોજ ચૂંટણી ફરજ પરના અધિકારીઓ અને કર્મચારીઓ મતદાન પૂરું થયા બાદ રિસિવિંગ સેન્ટર પર મોડી રાત્રે અથવા દૂરનાં મથકોથી અંતર વધુ હોય તો બીજા દિવસે વહેલી સવારે મતદાન સામગ્રી પરત કરવા પહોંચે છે. તેમની ફરજના લાંબા ગાળાને ધ્યાનમાં રાખીને ર૪ એપ્રિલ મતદાનના બીજા દિવસે ચૂંટણી ફરજ પરના કર્મીઓને ફરજ પર ગણીને રજા આપવામાં આવશે. તેવું રાજ્યના અધિક મુખ્ય ચૂંટણી અધિકારીએ જાહેર કર્યું છે. ચૂંટણી તંત્ર દ્વારા તા.૨૩મી એપ્રિલના મંગળવારના મતદાનને લઇ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઇ છે સાંજે લોકસભા ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થયા બાદ ઉમેદવારો અને તેમના સમર્થકો-ટેકેદારો છેલ્લી ઘડીના પ્રયાસોમાં ડોર ટુ ડોર અને મરણિયો પ્રચાર હાથ ધરશે.