“ તારા મિલનમાં તારા વિરહની ગઝલ કહી,
એ તારો ભ્રમ હતો કે હું તારો નથી રહ્યો; “
— હરીન્દ્રદવે
ગઝલ શબ્દનો અર્થ થાય છે કોઇ સુંદર યુવતી સાથે વાર્તાલાપ. અહીંયાં આ વાર્તાલાપમાં મહદ અંશે પ્રેમાલાપ જ હોય છે. શાયર કહે છે કે તારા મિલનમાં તારા વિરહની ગઝલ કહી. પ્રેમી તેની પ્રેમિકાને કહે છે કે મને તારો વિરહ – વિયોગ અસહ્ય થઇ પડ્યો હતો તેથી તેના દુ:ખમાં તારી અનુપસ્થિતિમાં મારા હ્રદયમાંથી વેદના શબ્દરૂપે અવતરી છે ને ગઝલ બની ગઇ બની ગઇ છે જે હવે તારુ મિલન થયું છે ત્યારે તને સંભળાવું છું.
આમ કરવાથી તને ખ્યાલ આવશે કે તારા વિયોગમાં હું કેટલો બેચેન બની ગયો હતો, મારું જીવવું કેટલું દુષ્કર બની ગયું હતું એ પણ તને મારી ગઝલ સાંભળવાથી જ સમજાશે. અને એ સાંભળ્યા પછી તને પોતાને સમજાશે કે હું તારો નથી રહ્યો એમ માનીને તું ચાલી ગયેલી એ તારો નિર્ણય તદ્દન ખોટો હતો. હું તારો ન હોઉં એવું બની શકે જ નહિ અને જો કદાચ તેં એવું માન્યુ હોય તો એ તારા ભ્રમને કારણે જ બને શકે. કદાચ આમાં તો તારા મારી પ્રત્યેના પ્રેમની એટલી કચાશ કહેવાય …. મને પણ પ્રશ્ન થાય છે કે હું તારો નથી રહ્યો એવું તું કેવી રીતે વિચારી શકે ?
ખરેખર શાયર શ્રી હરીન્દ્રદવે એ આ શેરમાંપ્રેમીઓના વિરહ અને મિલનની ખૂબ જ હ્રદયંગમ વાત કરી છે. દરેક સાચા પ્રેમીને આ શેર માટે કવિને સલામ કરવાનું મન અવશ્ય થશે જ.