નવીદિલ્હી : નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯ના નિકાસના આંકડા જારી કરી દેવામાં આવ્યા છે. આ આંકડા મુજબ નિકાસમાં વધારો વાર્ષિકરીતે ૯ ટકાથી વધુ રહ્યો છે. નિકાસ છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ રહેતા સરકારની પણ મોટી સિદ્ધિ તરીકે જોવામાં આવે છે. નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯માં નિકાસનો આંકડો ૩૩૧ અબજ ડોલર સુધી પહોંચી ગયો છે. ૨૦૧૩-૧૪ના રેકોર્ડને તોડી દીધો છે તે વખતે નિકાસનો આંકડો ૩૧૪.૪ અબજ ડોલર રહ્યો હતો.
બીજી બાજુ માર્ચ મહિનામાં નિકાસમાં ૧૧ ટકાનો વધારો રહ્યો છે. જે ઓક્ટોબર ૨૦૧૮ બાદ નિકાસમાં સૌથી મોટો માસિક વધારો છે એ વખતે નિકાસ ૧૭.૮૬ ટકા વધી ગઈ હતી. ફાર્મા, રસાયણ અને એન્જિનિયરિંગના ક્ષેત્રમાં ઉંચો વધારો થવાના પરિણામ સ્વરુપે નિકાસમાં ઉલ્લેખનીય વધારો થયો છે.
બીજી બાજુ વાણિજ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, વૈશ્વિક મંદીના રુપમાં આવેલા મોટા કડાકા વચ્ચે વેપારિક નિકાસ ૨૦૧૮-૧૯માં ૩૩૧ અબજ ડોલર સુધી પહોંચી છે જે ખુબ સારા સંકેત આપે છે. ૨૦૧૩-૧૪ના ગાળામાં નિકાસનો આંકડો ૩૧૪.૪ અબજ ડોલર હતો. હાલમાં આ આંકડો તેનાથી આગળ પહોંચી ગયો છે. વૈશ્વિક વેપાર ઘટીને ૧૦.૮૯ અબજ ડોલર થઇ ગયો છે જે માર્ચ ૨૦૧૮માં ૧૩.૫૧ અબજ ડોલરનો રહ્યો હતો. સોનાની આયાત માર્ચમાં ૩૧.૨૨ ટકા વધીને ૩.૨૭ અબજ ડોલર સુધી પહોંચી ગઇ છે. ક્રૂડની આયાત ૫.૫૫ ટકા વધીને ૧૧.૭૫ અબજ ડોલર રહી છે. સમગ્ર નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯માં આયાત ૮.૯૯ ટકા વધીને ૫૦૭.૪૪ અબજ ડોલર રહી છે. નાણાંકીય વર્ષ દરમિયાન વેપાર ખાધ ૧૭૬.૪૨ અબજ ડોલર રહી છે જે ૨૦૧૭-૧૮માં ૧૬૨ અબજ ડોલર હતી.