અમદાવાદ : અમદાવાદ સહિત રાજ્યના ઘણા ભાગોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે સાથે હવામાનમાં જોરદાર પલટો પણ આવ્યો છે. રાજ્યના ઘણા ભાગોમાં માવઠાના કારણે ખેડૂત સમુદાયમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. હવામાનમાં એકાએક પલટો આવતા તાપમાનમાં પણ જોરદાર ઘટાડો થયો છે. અરબી સમુદ્રમાં લો-પ્રેશરની સિસ્ટમ સર્જાતાં અમદાવાદ શહેર સહિત રાજયભરમાં અચાનક હવામાન પલટાયું છે. અમદાવાદમાં સવારથી વાદળછાયા વાતાવરણ સાથે પવન ફૂંકાતા લોકોએ આકરી ગરમીમાં રાહત મેળવી હતી.
રાજ્યમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે આજે દક્ષિણ ગુજરાતના વલસાડ, ડાંગ-વઘઇ, ચીખલી, સાપુતારા, નવસારી, વાંસદા, વાપી,વ્યારા તેમજ મધ્ય ગુજરાતમાં સાગબારા, છોટા ઉદેપુર,દાહોદ અને સેલવાસમા પણ હળવા ઝાપટાં પડયાં હતાં. હળવા વરસાદ અને માવઠાથી ગરમીમાં લોકોને આંશિક રાહત મળી હતી પરંતુ તેના કારણે ખેડૂતોના ઉભા પાક ખાસ કરીને કેરી સહિતના પાકોને નુકસાનની ભીતિને લઇ ખેડૂતઆલમ ચિંતાતુર થયેલો જણાયો હતો. હવામાનખાતા દ્વારા આવતીકાલે અમદાવાદ શહેર સહિત રાજયના કેટલાક વિસ્તારોમાં વરસાદ અને માવઠાની આગાહી કરવામાં આવી છે. હજુ પણ ૪૮ કલાક વાદળછાયુ વાતાવરણ બની રહે તેવી શકયતા પણ વ્યકત કરાઇ છે.
અમદાવાદ શહેર સહિત રાજયભરમાં ભરઉનાળે અચાનક હવામાનમાં આવેલા પલ્ટા અને વાદળછાયા વાતાવરણ સાથે વરસાદ પડવા જેવું વાતાવરણ સર્જાવાના કારણે લોકોમાં ભારે આશ્ચર્ય ફેલાયું હતું. જેને લઇ હવામાન વિભાગની કચેરી દ્વારા આગામી ૪૮ કલાક સુધી રાજ્યના સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરાઇ છે. અમદાવાદમાં આજે અરબી સમુદ્રમાં ઉદ્દભવેલી લો-પ્રેશર સિસ્ટમના કારણે હવામાનમાં આંશિક ઠંડક પ્રસરી ગઇ હતી. સવારના આઠ વાગ્યાથી સૂર્યનારાયણનો આકરો તાપ અનુભવતા નાગરિકોએ વાદળછાયા વાતાવરણના કારણે રાહત અનુભવી હતી. જોકે આજે સવારે શહેરનું લઘુતમ તાપમાન ર૬.૭ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું કે જે સામાન્ય તાપમાન કરતા ત્રણ ડિગ્રી વધુ હતું.
આજે પણ આંશિક વાદળછાયા વાતાવરણ સાથે શહેરના મહત્તમ તાપમાનમાં ત્રણેક ડિગ્રીનો ઘટાડો થઇને ૩૮.૦ ડિગ્રી રહે તેવી સંભાવના દર્શાવાઇ છે. જ્યારે હવામાન વિભાગ દ્વારા અમદાવાદ સહિતના રાજયના વિવિધ વિસ્તારોમાં ખાસ કરીને સૌરાષ્ટ્રનાં અમરેલી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા જિલ્લા, કચ્છ અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, મધ્ય ગુજરાતના વડોદરા અને દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં આગામી ૪૮ કલાક દરમ્યાન હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડે તેવી આગાહી કરાઇ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી પણ હવામાન વિભાગ દ્વારા અપાઇ છે. અમદાવાદમાં આજે પારો ગગડીને ૩૮.૫ રહ્યો હતો.