ગુજરાત પાસે નિસર્ગદત્ત એટલું બધું વૈવિધ્ય છે કે, નૈસર્ગિક સૌન્દર્યને ચાહનારા લોકો માટે ગુજરાત આગવું સ્થળ બની રહ્યું છે. ગુજરાત પ્રવાસન નિગમ અને ટાઇમ્સ ઓફ ઇન્ડિયા દ્વારા વાઇલ્ડ લાઇફ અને બર્ડ વોચર્સને અનુલક્ષીને યોજાયેલા ‘ટાઇમ્સ પેશન ટ્રેઇલ્સ’ને પ્રસ્થાન કરાવતા મુખ્યમંત્રી રૂપાણીએ ગુજરાતને બેસ્ટ ડેસ્ટીનેશન ઓફ ટુરીઝમ તરીકે ગણાવી ઉમેર્યું હતું કે, ગુજરાત નૈસર્ગિક સંપત્તિની દ્રષ્ટિએ ધનિક છે. અહીં ૧૬૦૦ કિ.મી.નો દરિયા કિનારો, વન સંપદા, વન્ય જીવસૃષ્ટિથી લઇને અનેક વૈવિધ્ય છે. અહીં એક તરફ કચ્છનું સફેદ રણ છે તો બીજી તરફ સાપુતારા ગિરીમથક છે. અહીં ધરમપુરથી ધોળાવીરા અને દિવથી ડાંગ સુધી નૈસર્ગિક સૌન્દર્ય અને પ્રવાસન વૈવિધ્ય છે. મુખ્યમંત્રીએ ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’ અખબારના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમ સંદર્ભે જણાવ્યું હતું કે, અખબાર જ્યારે સમાજ જીવનના વૈવિધ્યને અને નૈસર્ગિક સૌન્દર્યને વિશ્વ ફલક ઉપર મૂકે ત્યારે સોનામાં સુગંધ ભળે.
રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન વાઇલ્ડ લાઇફ અને બર્ડ વોચીંગના ચાહકો માટે થોળ બર્ડ સેન્ચુરી, ઘુડખર સેન્ચુરી દસાડા, બર્ડ સેન્ચુરી નળસરોવર, કાળિયાર અભયારણ્ય વેળાવદર અને ગીર વાઇલ્ડ લાઇફ સેન્ચુરીની સફરને મુખ્યમંત્રીશ્રીએ લીલીઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવ્યું હતું. મુખ્યમંત્રીએ પ્રવાસન વિભાગના આવા વૈવિધ્યસભર પ્રયાસને કારણે ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને નવું બળ મળશે તેમ પણ જણાવ્યું હતું. એક ભારત, શ્રેષ્ઠ ભારત તેમજ વિવિધતામાં એકતાની ભારતીય સંસ્કૃતિ આવા કાર્યક્રમોથી વધુ સુદ્રઢ બનશે તેમ જણાવી આ પેશન ટ્રેલ માટે શુભેચ્છા પાઠવી હતી.
આ પ્રસંગે મુખ્ય સચિવ જે.એન.સીંઘે ઉપસ્થિત સૌ નિસર્ગના ચાહકોનો આભાર માન્ય હતો અને ગુજરાતના વૈવિધ્યને માણવાના આ અવસરને અવિસ્મરણીય અનુભવ સ્વરૂપે વર્ણવ્યો હતો. આ કાર્યક્રમમાં પ્રવાસન વિભાગના અગ્ર સચિવ એસ.જે.હૈદર, ટાઇમ્સ ઓફ ઇન્ડિયા બ્રાન્ડના ડિરેકટર સંજીવ ભાર્ગવ, મુખ્યમંત્રીના સચિવ મનોજ દાસ, સચિવ અશ્વિનીકુમાર ઉપસ્થિત રહ્યા હતા. જાણીતા વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર સનત શોધને વિશેષ માહિતી આપી હતી.