નવી દિલ્હી : આજે શતાયુ મતદાર સન્માન સમારોહ દરમ્યાન લાકડી, વ્હીલચેર કે તેમના પરિવારજનો-સ્વજનોના સહારે હાજર રહેલા શતાયુ મતદારોને જોઇ જિલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડે સહિત સૌકોઇ મહાનુભાવો એક તબક્કે લાગણીસભર બન્યા હતા. વ્હીલચેરમાં બેઠેલા એક મહિલા શતાયુ મતદારને તો, ખુદ કલેકટર ડો.વિક્રાંત પાંડે તેમની વ્હીલચેર જાતે ચલાવી તેમને સમારંભ હોલમાં લાવ્યા હતા. સમારોહના પ્રારંભમાં કલેકટર સહિતના તમામ મહાનુભાવોએ શતાયુ મતદારોને વંદન કર્યા હતા. એટલું જ નહી, તેમનું સન્માન કરવા આ વયોવૃદ્ધ, અશકત અને લાચાર શતાયુ મતદારોને સ્ટેજ પર બોલાવવાના બદલે કલેકટર ડો.વિક્રાંત પાંડે સહિતના મહાનુભાવો જાતે જ સ્ટેજ પરથી નીચે ઉતરી શતાયુ મતદારોની જગ્યાએ જઇ તેમને શાલ ઓઢાડી, પ્રમાણપત્ર એનાયત કરી તેમનું ભારે ભાવ અને આદર સાથે સ્વાગત કર્યું હતું.
પ્રત્યેક નાગરિકે અચૂક મતદાન કરવું જોઇએ : શતાયુ મતદારો
એએમએ હોલ ખાતે ઉપસ્થિત રહેલા શતાયુ વયોવૃધ્ધ મતદારોનો જુસ્સો અનોખો અને જાવા જેવો હતો. મતદાન કરવું જ જોઇએ તેવી દ્દઢતા વ્યક્ત કરતા ઘાટલોડિયાના ઉમિયા બા કહે છે કે, ગમે તે થાય પણ મતદાન તો કરીશું. ૧૦૪ વર્ષના હીરૂબેન દેસાઇએ જણાવ્યું હતું કે, પ્રત્યેક નાગરિકે મતદાન અચૂક કરવું જોઇએ. લોકશાહીમાં મતદાન એ સૌથી મોટુ શ† અને અધિકાર છે. અન્ય એક શતાયુ મતદાર જઠાર રામદાસે જણાવ્યું કે, અમે અત્યાર સુધીની તમામ ચૂંટણીઓમાં મતદાન કર્યું છે અને હજી પણ કરીશું.. યુવાનોએ બીજુ બધુ બાજુ પર મુકીને પણ મતદાન કરવું જ જોઇએ. વિરમગામથી આવેલા શતાયુ મતદાર એક બા એ તો વ્હીલચેરમાં બેસવાની દિકરાની વિનંતીને ઠુકરાવીને કહી દીધું કે, મારો હાથ મેલી દે, હુ હજી હેંડી(ચાલી) શકું છું. મારે આ ઠેલણ ખુરશી (વ્હીલચેર)ની જરૂર નથી. આવો છે આ શતાયુ મતદારોનો મિજાજ…સલામ છે આ મિજાજને…