” કોઇ એવું નથી જેના જીવનમાં હોય ના ખામી !
કોઇ એવા નથી રસ્તા કે જ્યાં ખાડા નથી હોતા ”
— શ્રી દીપક બારડોલીકર
આ શેરમાં તદ્દન સરળ શૈલીમાં જીવનમાં આવતાં સંકટની વાત કરી છે. ઘણીવાર કવિનીભાષામા સમજવાની અઘરી પડે છે, પણ અહીં તો કવિએ ખૂબ જસાદાઇથી જીવનની એક વાસ્તવિકતા તરફ ધ્યાન દોર્યું છે. માણસને કશીક સફળતા નથી મળતી કે પોતાની ધારણા મુજબનું કશું બનતું જ નથી ત્યારે તે નાસીપાસ થાય છે અને જાણે પોતાનું જીવન આવી બધી ખામીઓથી જ ભરેલું જ છે ને આવી ખામીઓ કે નબળાઇઓ તેના જીવનમાં કાયમને માટે રહેવાની છે તેવી માન્યતા ઘર કરી જાય છે.
પણ આવા લોકોને કવિ કહે છે કે, તમે ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે કે દરેકના જીવનમાં કંઇ ને કંઇ ખામી કે ઉણપ રહેલી જ હોય છે જ. માત્ર તમારા એકલાનું જીવન જ ખામીઓ ભરેલું છે તેવું માની લેવાની કંઇ જ જરૂર નથી. દરેક વ્યક્તિના જીવનમાં કંઇક તો ત્રુટિ હોય જ છે. આ બાબતને વધારે સ્પષ્ટ કરવા કવિ કહે છે કે, કોઇ એવો રસ્તો તમે જોયો છે ખરો કે જેમાં ખાડો ન આવે ! જેમ રસ્તે જતાં જતાં આપણે આવનારા ખાડાને ટાળીને ચાલીએ છીએ તેમ જીવનમં પણ જે ખામીઓ અથવા ખાડારૂપી વિઘ્નો આવે છે તેનો સામનો કરતાં કરતાં આપણે આગળ વધવું જોઇએ.
રસ્તે ચાલતી વખતે ખાડો આવે તો આપણે ખાડામાં પડતા નથી કે ખાડાના ભયથી ચાલવાનું બંધ કરી દેતા નથી તેવી જ રીતે જીવનમાં પણ જે જે સમસ્યા આવે તેનો મક્કમ બની બુધ્ધિપૂર્વક સામનો કરીએ કે તેને સિફતથી ટળી દઇને આગળ વધીએ તેવી કવિએ આપણને શીખ આપવાની કોશિશ કરી છે. જે આપણે લક્ષમાં રાખીને જીવનમાં વિઘ્નો એક હકીકતરૂપે આવે છે તેને વસ્તવિક રીતે સ્વીકારીને ચાલવા માટે કવિ સૌને અનુરોધ કરે છે.
- અનંત પટેલ