અમદાવાદ : આથી માતાજીની પવિત્ર ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થયો હતો, જેને લઇ માંઇભકતોમાં ભારે ખુશી અને ભકિતનો માહોલ છવાયો હતો. ખાસ કરીને જગપ્રસિધ્ધ શકિતપીઠ અંબાજી ખાતે તો ચૈત્રી નવરાત્રિને લઇ દેશ-વિદેશમાંથી લાખો શ્રધ્ધાળુ ભકતો મા જગદંબેના દર્શનાર્થે કિડિયારાની જેમ ઉભરાયા હતા અને માતાજીના આશીર્વાદ મેળવવા ભારે પડાપડી કરી હતી અંબાજીમાં ચૈત્રી નવરાત્રિને લઇ ભારે ભકિત, ઉત્સાહ અને આરાધનાનો માહોલ છવાયો હતો.
આ જ પ્રકારે રાજયના બહુચરાજી, પાવગઢ મહાકાળી માં, ચોટીલા ચામુંડા માતાજી અને કચ્છના આશાપુરા માતાજી સહિતના સુપ્રસિધ્ધ માંઇમંદિરોમાં પણ ઘટ સ્થાપન સહિત ચૈત્રી નવરાત્રિની ભારે ભકિતભાવ અને ધાર્મિક આસ્થા સાથે ઉજવણી કરવામાં આવી હતી. તો, આજે મરાઠીઓના પવિત્ર ગુડી પડવો અને સિંધી સમાજના ચેટીચંડ પર્વની ભારે ઉત્સાહ અને ભકિતભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. સિંધી સમાજ દ્વારા આજે બપોરે ૨-૩૦ વાગ્યાથી નરોડા પાટિયાથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તો, મણિનગરમાં પણ સિંધી માર્કેટથી શોભાયાત્રાનું આયોજન થયું હતું. જેમાં સિંધી સમાજના આગેવાનો અને ભાઇ-બહેનો ભારે ઉત્સાહ અને હર્ષોલ્લાસ સાથે જાડાયા હતા. આજના દિવસે જ બ્રહ્મમાજીએ સૃષ્ટિનો પ્રારંભ કર્યો હોઇ તેમ જ ભગવાન શ્રીકૃષ્ણએ સોમનાથના ભાલકાતીર્થ ખાતેથી ગોલોકધામમાં પ્રસ્થાન કર્યું હોઇ આ પ્રસંગોની પણ આજે ભારે ભકિતભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદમાં ભદ્રકાળી મંદિર, ધનાસુથારની પોળના પ્રાચીન અંબાજી મંદિર, ભૂલાભાઇ પાર્ક સ્થિત બહુચરાજી મંદિર સહિતના મંદિરોમાં પણ માતાજીની ભારે ભકિતભાવ સાથે પૂજા-આરાધના કરવામાં આવી હતી. નવરાત્રિના નવ દિવસ દરમ્યાન માતાજીના વિશેષ સાજ-શણગાર કરવામાં આવશે.
જગપ્રસિધ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે માં અંબેના સાનિધ્યમાં પવિત્ર ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થયો હતો. આ પવિત્ર પ્રસંગ નિમિત્તે મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. ચૈત્રી નવરાત્રિને દરમિયાન દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ અંબાજી દર્શન માટે આવતા હોય છે. ત્યારે સુરક્ષાના ભાગરૂપે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આજથી પ્રારંભ થયેલ ચૈત્ર નવરાત્રિ તા.૧૪ એપ્રિલ સુધી ચાલવાની છે. શા†ોમાં પણ ચૈત્ર નવરાત્રિનો પણ તેનું વિશેષ મહત્વપૂર્ણ વર્ણવવામાં આવ્યું છે. કારણકે ચૈત્ર નવરાત્રિથી નવા વર્ષના પંચાંગની ગણના શરૂ થઇ જાય છે. કહેવાય છે નવરાત્રિના પહેલા દિવસે ઘટ સ્થાપના કરાય છે અને તે બાદ ચૈત્ર નવરાત્રિ ૮ દિવસની છે. કારણકે સપ્તમી અને અષ્ટમી તિથિ એક સાથે છે.
નવરાત્રિના દિવસને ખૂબ શુભ માનવામાં આવે છે આ દિવસોમાં કરવામાં આવેલા દરેક કામ સફળ થાય છે. આ કારણથી આ દિવસોમાં ગૃહ પ્રવેશ, માંગલિક કાર્ય અને સોનું ચાંદી ખરીદવું ખૂબ શુભ હોય છે. કહેવાય છે નવરાત્રિના દિવસે માતાને અત્તર અર્પિત કરવા જોઇએ અને માં દુર્ગાને અત્તર અર્પિત કર્યા બાદ તે અત્તરને માનો આશીર્વાદ સમજીને તેનો ઉપયોગ કરવો જોઇએ તેનાથી લાભ થાય છે. નવરાત્રિના દિવસે મા તમાર ઘરે મહેમાન બનીને આવે છે આ કારણથી નવરાત્રિના દિવસે વ્રતમાં તમે તમારા માટે જે બનાવો છો તેનો મા દુર્ગાને પહેલા ભોગ લગાવો અને તે સિવાય ઘરમાં આવનાર મહેમાનો પણ જમાડ્યા વગર જવા ન દો.
જો પરિવારમાં કોઇ સદસ્ય બીમાર છે તો નવરાત્રિમાં શિવલિંગ પર કાળા તલ અને જળ અર્પિત કરવા જોઇએ, તેનાથી પરિવારના લોકોના દરેક કષ્ટ દૂર થઇ જાય છે. ચૈત્રી નવરાત્રિ દરમ્યાન નવ દિવસ માંઇભકતો ભારે તપ, ભકિત અને આરાધના કરી માતાજીને પ્રસન્ન કરી તેમના કૃપા-આશીર્વાદ મેળવતા હોય છે. આજે ચૈત્રી નવરાત્રિના પ્રાંરભે જગપ્રસિધ્ધ અંબાજી, બહુચરાજી, પાવાગઢ, ચોટીલા, ભાવનગર ખોડિયાર માતાજી, કચ્છના આશાપુરા માતાજી સહિતના મંદિરોમાં લાખો શ્રધ્ધાળુ ભકતોનું ઘોડાપૂર ઉમટયુ હતું.