આજથી ચૈત્ર નવરાત્રિની શરૂઆત થઇ ચુકી છે, નવરાત્રિ ભારતના સૌથી મોટા તહેવારોમાંનું એક છે. હિન્દુ ધર્મ અનુસાર ચૈત્ર નવરાત્રિને નવા વર્ષ તરીકે ગણવામાં આવે છે. તે ઉત્સાહ અને શ્રધ્ધા સાથે મનાવવામાં આવે છે. નવરાત્રિના નવ દિવસ માઁ દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ વર્ષે, ચૈત્ર નવરાત્રી ૬ એપ્રિલથી શરૂ થઇ ૧૩ એપ્રિલ સુધી ચાલશે.
નવરાત્રિની સાથે ઘણા રિતીરિવાજ જોડાયેલા છે, પરંતુ નવરાત્રિના દરેક દિવસે જુદા અને ખાસ રંગના કપડા પહેરવા એ એક અનોખો રિવાજ છે. માન્યતા પ્રમાણે નવરાત્રિના ૯ દિવસ માઁ દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ સ્વરૂપો પ્રમાણે રંગોને પહેરવા પવિત્ર માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે દિવસ પ્રમાણે કપડા પહેરવામાં આવે તો પણ શુભ માનવામાં આવે છે.
આ નવરાત્રિએ આ રંગોના કપડાં પહેરો :
- પ્રથમ દિવસ – આ દિવસે માતા શૈલપુત્રીની પૂજા થાય છે. આ દિવસે સિલેટિયા રંગના કપડાં પહેરવા જોઈએ. આ રંગ ગૌરવનું પ્રતીક છે. આ રંગ ભગવાન સાથે જોડે છે અને દેવી માતાનું રક્ષણ કરે છે.
- બીજો દિવસ – આ દિવસે માતા બ્રહ્માચારિણીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે, આપણે નારંગી રંગના કપડાં પહેરવા જોઈએ. આ રંગ નામ, પૈસા અને ખ્યાતિનું પ્રતીક છે. આ રંગ વ્યક્તિના વાતાવરણને પ્રફુલ્લિત બનાવે છે.
- ત્રીજો દિવસ – આ દિવસે ચંદ્રઘંટામાતાની પૂજા થાય છે. આ દિવસે શ્વેત (સફેદ) રંગના કપડાં પહેરવા જોઈએ. આ રંગ શાંતિ, ભક્તિ, વિશ્વાસ અને સ્થિરતાનું પ્રતીક છે. આ રંગ એવું દર્શાવે છે કે માઁ દેવી ભક્તોને કોઈપણ પ્રકારના સંકટથી બચાવે છે.
- ચોથો દિવસ – આ દિવસે માતા કુષ્માંડાની પૂજા થાય છે. આ દિવસે લાલ રંગ પહેરવો જોઇએ. આ રંગ તાકાત, ઉત્સાહ અને જોશનું પ્રતીક છે. આ રંગ દેવીનો સૌથી પ્રિય રંગ છે. આ દિવસે ભક્તોએ માતાના ચરણમાં લાલ ફૂલો પણ ચઢાવવા જોઇએ.
- પાંચમો દિવસ – આ દિવસે સ્કંધમાતાની પૂજા થાય છે. આ દિવસે વાદળી રંગ પહેરવો જોઈએ. આ રંગ વિશાળતા અને ભક્તિનું પ્રતીક છે. આ રંગ આધ્યાત્મિક જાગરૂકતા પ્રાપ્ત કરવામાં મદદ કરે છે.
- છઠ્ઠો દિવસ – આ દિવસે માઁ કાત્યાયનીની પૂજા થાય છે. આ દિવસે ગુલાબી રંગના કપડાં પહેરવા જોઈએ. આ રંગ આશા અને નવી શુભ શરૂઆતનું પ્રતીક કરે છે. જે લોકો આ દિવસે ગુલાબી રંગ પહેરે છે, દેવી તેમના પર પ્રસન્ન થાય છે અને તેમના પાપોનો નાશ કરે છે.
- સાતમો દિવસ – આ દિવસે માતા કાલરાત્રિની પૂજા થાય છે. આ દિવસે વાદળી રંગના કપડાં પહેરવા જોઈએ. આ રંગ ઊર્જા અને શાંતિનું પ્રતિક છે. જે લોકો આ રંગના કપડાં પહેરે છે, માતા તેમને ખુશી અને સુખશાંતિ આપે છે.
- આઠમો દિવસ – આ દિવસે માતા મહાગૌરીની પૂજા થાય છે. આ દિવસે પીળા રંગના કપડાં પહેરવા જોઈએ. આ રંગ સમૃદ્ધિનું પ્રતીક છે અને જીવનમાં હકારાત્મકતા અને આત્મવિશ્વાસ લઇને આવે છે. આ રંગો સકારાત્મક દ્રષ્ટિકોણ અપનાવવામાં મદદરૂપ થાય છે.
- નવમો દિવસ – આ દિવસે માતા સિદ્ધિદાત્રીની પૂજા થાય છે. આ દિવસે લીલા રંગના કપડાં પહેરવા જોઈએ. આ રંગ સમૃદ્ધિ, પ્રેમ અને સંપત્તિનું પ્રતીક છે. આ રંગ સંબંધ સુધારવામાં મદદરૂપ થાય છે.