ગાંધીનગર : ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઇને ભાજપે પોતાના સૌથી મોટા ગઢમાં મોટાભાગની સીટો જીતવા કમરકસી લીધી છે. આક્રમક ચૂંટણી પ્રચારની શરૂઆત થઇ ચુકી છે. ભાજપ પ્રમખ અમિત શાહે રોડ શો અને જાહેરસભા કરીને શક્તિ પ્રદર્શન કર્યા બાદ ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ પણ દેખાઈ રહ્યો છે. સર્વેમાં પણ ગુજરાતમાં ભાજપની સ્થિતિ મજબૂત જણાવવામાં આવી રહી છે. ભાવનગર લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો આ બેઠક પર ભાજપનું પ્રભુત્વ રહ્યું છે. છેલ્લી ૨૦૧૪ની ચૂંટણીમાં ભાજપે ૨૯૪૧૭૯ મતોથી જીત મેળવી હતી. બીજી બાજુ તમામ સાતેય મત ક્ષેત્રમાં ભાજપે સરસાઈ મેળવી હતી. ૨૦૧૪માં ભાજપના ઉમેદવાર ડોક્ટર ભારતીબેને કોંગ્રેસના ઉમેદવાર પ્રવિણભાઈ રાઠોડ ઉપર જીત મેળવી હતી. છેલ્લી ચૂંટણીમાં ભાવનગર લોકસભા ચૂંટણીમાં ૧૬ ઉમેદવાર મેદાનમાં રહ્યા હતા. નોટામાં ૯૫૯૦ જેટલા મત પડ્યા હતા.
૧૯૯૧થી ભાજપ સતત સાત વાર આ બેઠક પરથી જીત મેળવવામાં સફળ રહેતા તેની સ્થિતિ મજબૂત દેખાઈ રહી છે. પહેલા આ બેઠક ઉપર ક્ષત્રીય ઉમેદવાર ચૂંટાતા હતા. આ બેઠક કોળી પ્રભાવિત થઇ છે. ૨૦૧૭માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં આ લોકસભા હેઠળ આવતી સાત બેઠકો પૈકી પાંચ બેઠકોમાં ભાજપ અને બે બેઠકો ઉપર કોંગ્રેસે જીત મેળવી હતી. ભાજપ ૮૪૫૧૨ મતથી આગળ હોવાની સ્થિતિ રહેલી છે. લોકસભા ચૂંટણીમાં ભાજપે અવિરત શાનદાર દેખાવ કર્યો છે. ગુજરાતમાં લોકસભાની તમામ ૨૬ બેઠકો માટે એક જ તબક્કામાં ૨૩મી એપ્રિલના દિવસે મતદાન યોજાનાર છે.
ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસને આ વખતે કેટલી બેઠકો મળે છે તેના ઉપર તમામનું ધ્યાન રહેશે. અલબત્ત, મોદી-શાહના વતન રાજ્ય હોવાથી સૌથી હોટ ફેવરીટ સ્પર્ધા ગુજરત રાજ્યમાં જ રહી શકે છે. ગુજરાતમાં દેખાવના પુનરાવર્તનની શક્યતાને પણ કેટલાક લોકો નકારી રહ્યા નથી. ગુજરાતમાં હજુ સુધીના સર્વે અને પોલના તારણો ભાજપની સરસાઈ દર્શાવે છે. જો કે, કોંગ્રેસ માટે પણ સારા સમાચાર એ છે કે, તેની પણ કેટલીક બેઠકો પર લીડ રહેશે. સમીકરણો ઉપર ધ્યાન આપવામાં આવે તો ભાવનગરની બેઠક સારા અંતરથી ભારતીય જનતા પાર્ટી જીતવા માટેની સ્થિતિ ધરાવે છે. છેલ્લી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પણ મેદાનમાં ઉતરીને કેટલાક મતો મેળવ્યા હતા