મહેબુબનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેલંગાણામાં કોંગ્રેસ ઉપર પ્રહારો કર્યા હતા. મહેબુબનગરમાં રેલીને સંબોધતા મોદીએ કહ્યું હતું કે, આજે સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે, લોકોની સેવા કરનાર લોકો કઈ રીતે કોંગ્રેસને છોડીને જઈ રહ્યા છે. કૌભાંડોમાં ફસાયેલી કોંગ્રેસ દેશના જવાનો ઉપર પ્રશ્નો ઉઠાવે છે. પાકિસ્તાનમાં કરવામાં આવેલા હુમલાઓ અંગે પુરાવા માંગે છે. તેમણે કહ્યું હતું કે, વિધાનસભા ચૂંટણીમાં લોકોએ જનાદેશ આપવામાં આવ્યો હતો પરંતુ અહીંની સરકારે ચૂંટણી માટે ઉતાવળ દર્શાવી હતી. કારણ કે, જ્યોતિષની સલાહ ઉપર સરકાર કામ કરી રહી હતી.
જ્યોતિષિઓના કારણે રાજ્યમાં વિકાસની કામગીરી ઠપ થઇ ગઇ છે. મોદીએ ઉમેર્યું હતું કે, ભારત માતાનું અપમાન કરનાર અને બંધારણને અદ્ધરતાલ મુકી દેનાર મુસ્લિમ અનામતની વાત કરનાર લોકો હવે એક પછી એક જટિલ સ્થિતિ ઉભી કરી રહ્યા છે. તેલંગાણાના લોકોની સેવા કરવામાં આવી રહી નથી. કેસીઆર વંશવાદની રાજનીતિ અને બીજાને ખુશ કરવાની રાજનીતિ ઉપર આગળ વધી રહ્યા છે. ટીઆરએસ અને એમઆઈએમ ગઠબંધન તેલંગાણાના ફાયદા માટે નહીં બલ્કે તેમના પરિવારના ફાયદા માટે છે. કેન્દ્રની એનડીએ સરકાર તેલંગાણાના ખેડૂતો માટે, તેલંગાણાના યુવાનો માટે અને અહીંના વિકાસ માટે મદદમાં સતત આગળ રહી છે.
નવા એમ્સ, સૈનિક સ્કુલો બનાવવામાં આવી છે. આનાથી પણ વિશેષ કામ થઇ શક્યુ હોત પરંતુ સરકારને વિકાસ કામોમાં રસ નથી.