મિત્રો ગઈ યુગપત્રીમાં આપણે જોયું કે સફળ માણસોમાં એક ખાસ ગુણ હોય છે એ છે જીદ. એ લોકો જીદ કરીને પોતાની અને બીજાની દુનિયા બદલી નાખે છે. હવે જોઈએ આગળ,
જ્યારે આપણું કામ પુર્ણ થવામાં હોય,જ્યારે આપણી મંઝીલ નજીક હોય,આપણને એમ લાગે કે બસ હવે થોડા પ્રયત્નો પછી આપણું સપનું સાકાર થવા જઈ રહ્યું છે. ત્યારે અચાનક આપણાં રસ્તામાં મુસીબતો આવી જાય છે. અને આપણી પાસે બે રસ્તા વધે છે. એક તો એ મુસીબતો સામે હાર સ્વીકારી અને નાસીપાસ થવું અને બીજું કે એ મુસીબતોને સહન કરી,એની સામે બાથ ભીડી હાર માન્યા વગર મુસીબતને હરાવીને આગળ વધવું. મોટાભાગના માણસો મુસીબત આવે એટલે લગભગ પહેલો રસ્તો અપનાવે છે. કારણકે આપણને બધાને એક ટેવ પડી ગઈ છે કે આપણે આપણા સેફ ઝોનમાંથી બહાર નીકળી નથી શકતા.આપણાં બનાવેલા કુંડાળામાં આપણે બહુ આરામદાયક ફિલ કરીએ છીએ અને પરિણામે આપણે પરિવર્તનનું pain (પેઈન) સહન નથી કરી શકતા માટે આપણે હાર સ્વીકારીને પાછા આપણાં પીંજરામાં આવી જઈએ છીએ.
જ્યારે સફળ લોકો આનાથી કઈક અલગ વિચારે છે. એમની માનસિકતા કઈક એવી હોય છે કે જો પથ્થરને પગથિયું બનવું હોય તો ઓછા ઘા સહન કરવા પડે પણ જો એને મુર્તિ બનવુ હોય તો છીણીના અઢળક ઘા સહન કરવા પડશે. એ આહતનો આનંદ લેતા શીખવું પડશે.હવે સવાલ થાય કે પીડાને આનંદમાં ક્યારે ફેરવી શકાય.!? તો કે જ્યારે આપણને આપણી મંજિલનો નશો ચડે.! જ્યારે આપણને આપણા સપનાનો નશો ચડે ત્યારે ત્યારે કોઈપણ દર્દનો અનુભવ થતો નથી ને આનંદ અનુભવાય છે.કારણકે એને ખબર છે કે પીડા સહન કરવાથી કંઈ ગુમાવવાનું નથી.જ્યારે જ્યારે આફતના ઘા પડે છે ત્યારે ત્યારે આપણામાંથી કંઈક નકામું દૂર થાય છે અને આપણુ નુર પ્રગટ થાય છે અને આપણે જિંદગીના જામને એક એક ઘુંટડો ભરીને પીએ છીએ.એક એક શ્વાસમાં આપણે જિંદગીનો આનંદ માણીએ છીએ. માટે એવું લખાય કે,
होने होने दे नशा खोने खोने को है क्या..
एक सांस मे पी जा ज़रा ज़िन्दगी चढ़ा
અને જ્યારે જિંદગીનો નશો એની ચરમ સીમાએ પહોંચી જાય ત્યારે આપણને પરમ જ્ઞાન પ્રાપ્ત થાય છે કે આ જીવનનો એક તહેવાર છે.આ જીવન તો એક ઉત્સવ છે જેવી રીતે ઉત્સવ ઉજવવા માટે તૈયારી કરવી પડે છે એમ જીવનને શણગારવા માટે પણ મહેનત કરવી પડે છે.જેવી રીતે ઉત્સવમાં ક્યારેક ક્યારેક અડચણ આવે છે,ઉત્સવની તૈયારીમાં આપણને થોડોક થાક લાગે છે એમ જીવનમાં પણ ક્યારેક ક્યારેક દુઃખ પડે છે.પણ ઉત્સવના આનંદમાં એ થાક વિસરાઈ જાય છે એવી રીતે આપણે જીવનમાં દુઃખને અવગણવા જોઈએ.સુખની અનુભુતી કરવી જોઈએ.અને જીવનના અંતિમ શ્વાસ સુધી એનો આનંદ માણવો જોઈએ.અને મુસીબતની દિલ ખોલીને કહેવું જોઈએ કે તારામાં ત્રેવડ હોય ત્યાં સુધી મને હેરાન કરી બતાવ પણ હું તારી સામે તો નહીં જ ઝુકુ. હું તો મારા રસ્તા પર અડગ છું. હું તો મારી મંજિલ મેળવીને જ રહીશ. માટે એવું લખાય કે,
है यह तोह एक जश्न तू थिरकने दे कदम
अभी सांसो मे है दम अभी चलने दे सितम
વધુ આવતા શુક્રવારે…..
કોલમિસ્ટ :- યુગ અગ્રાવત