અમદાવાદ : ભગવાન બારડને ધારાસભ્ય પદેથી સસ્પેન્ડ કર્યા બાદ તાલાલા બેઠક પર પેટાચૂંટણી જાહેર કરવાને લઈ ગુજરાત હાઈકોર્ટે અગાઉની સુનાવણીમાં પૃચ્છા કરી હતી કે, જા ધારાસભ્ય ભગવાનભાઇ બારડની સજા સામે સેશન્સ કોર્ટનો સ્ટે હતો તો પછી ચૂંટણી પંચે તાલાલા બેઠકની પેટા ચૂંટણી જાહેર કરવામાં કેમ આટલી ઉતાવળ કરી ? ચૂંટણીપંચનો નિર્ણય સ્પીકરના પત્રને આધારે છે કે કેમ? તેની પણ સ્પષ્ટતા કરવા હાઈકોર્ટે નિર્દેશ કર્યો હતો. જેના અનુસંધાનમાં આજે ચૂંટણી પંચે હાઇકોર્ટ સમક્ષ જવાબ રજૂ કર્યો ટ્ઠહતો અને બચાવ કર્યો હતો કે, વિધાનસભાના સ્પીકર કોઈ નિર્ણય કરે છે ત્યારે તેના નિર્ણયનો રિવ્યૂ કરવાનું કામ ચૂંટણી પંચનું નથી. જા કે, ચૂંટણી પંચના જવાબથી હાઇકોર્ટને સંતુષ્ટિ થઇ ન હતી.
હવે કેસની વધુ સુનાવણી આ મામલે ચૂંટણી પંચે એવી પણ દલીલ કરી હતી કે લોકસભા ચૂંટણી સાથે જ પેટા ચૂંટણી થઈ જાય તે માટે બંને ચૂંટણીનું જાહેરનામું સાથે જ બહાર પાડવામાં આવ્યું હતું. ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી હતી કે,તાલાલા બેઠકની પેટા ચૂંટણી તા.૧૦ માર્ચે જ જાહેર કરી દેવાઇ હતી કારણ કે, તા.૧૦મી માર્ચ પહેલાં જ પેટા ચૂંટણી જાહેર કરવાનો નિર્ણય લેવાયો હતો. ચૂંટણી પંચે હાઇકોર્ટમાં જવાબ રજુ કરતા કહ્યું હતું કે, ચૂંટણી પંચ એ વિધાનસભાના સ્પીકરની અપિલેટ ઓથોરિટી નથી. આથી સ્પીકરના નિર્ણયનો રિવ્યૂ કરવાનું કામ પંચનું નથી. સ્પીકર એક વખત પોતાનો નિર્ણય જાહેર કરે અને કોઈ બેઠક ખાલી હોય તો એમાં ચૂંટણી પંચ સમીક્ષા નથી કરતું. જા કે, ગુજરાત હાઇકોર્ટ ચૂંટણી પંચના આ જવાબથી સંતુષ્ટ થઈ ન હતી.
ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચે બારડના સસ્પેન્શનના ૧૦ દિવસમાં તાલાલા વિધાનસભા બેઠકની પેટાચૂંટણીની જાહેરાત કરી હતી. વેરાવળ સેશન્સ કોર્ટમાં તેમણે પોતાની સજાને પડકારી હોવાની હકીકત જાણવા છતાં પણ ચૂંટણી પંચે આ નિર્ણય કર્યો હતો. કોર્ટે તા.૨૦મી માર્ચે નોટિસ આપવા છતાં પણ ચૂંટણી પંચે કોઈ જવાબ આપવાની તસ્દી લીધી ન હતી. બીજી તરફ સરકારે રજૂઆત કરી હતી કે, કાયદાકીય પ્રક્રિયા પ્રમાણે બારડને સસ્પેન્ડ કરવા માટેના પૂરતા અને યોગ્ય પગલાં લેવાયાં હતાં. તા.૧૫ માર્ચના રોજ હાઈકોર્ટે વેરાવળ સેશન્સ કોર્ટે સજાના અમલ પર મુકેલા સ્ટેને રદ કર્યો હતો. તેમજ કેસને ફરી ચલાવવા માટે આદેશ આપ્યો હતો.
આ પહેલાં ભગવાન બારડે સુત્રાપાડા કોર્ટે ફટકારેલી ૨ વર્ષ ૯ માસની સજા સામે વેરાવળ સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી. ત્યાર બાદ સેશન્સ કોર્ટે સુત્રાપાડા કોર્ટે ફટકારેલી સજાના અમલ પર સ્ટે આપ્યો હતો. ૧૯૯૫ના ખનીજ ચોરીના કેસમાં સુત્રાપાડા કોર્ટે ભગવાન બારડને બે વર્ષ ૯ માસની સજા ફટકારી હતી. લગભગ ૨૫ વર્ષ પહેલા સુત્રાપાડાની ગૌચર જમીન મામલે બારડ સામે ૨.૮૩ કરોડની ખનીજ ચોરીનો ગુનો નોંધાયો હતો. જેમાં તેમને તા.૧લી માર્ચ,૨૦૧૯ના રોજ ઉપરોકત સજા ફરમાવાઇ હતી.