લોકોમાં વાચન પ્રવૃત્તિ દિવસે ને દિવસે ઘટી રહી છે ત્યારે સામાજિકોને ટેક્નોલોજીના યુગમાં સરળતાથી બુક મળી રહે અને લેખકો સરળતાથી બુક પબ્લિશ કરી શકે આમ સાહિત્ય સાધનાનું આદાન પ્રદાન થતું રહે તેવા શુભાશયથી ભાષા-વિજ્ઞાન વિભાગ (Department of linguistic) ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ તારીખ 23 માર્ચ 2019 શનિવારે એક ખાસ “ઈ-બુક પબ્લિશિંગ” વિષય ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
સમગ્ર સેમિનારના દ્રષ્ટા અને આદ્યપ્રણેતા વિભાગના અધ્યક્ષા પ્રો. ડૉ. નિલોત્પલાબેન ગાંધીએ ઉત્તરદાયિત્વ નિભાવ્યું હતું. સેમિનારમાં ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રી શ્રી પરીક્ષિત જોશીએ ઈ બુકની જરૂરિયાત કેમ ઉભી થઇ છે અને એનું ભવિષ્ય કેવું છે એ વિષયે ઉદ્ઘાટન સત્રના મુખ્ય વક્તા તરીકે પોતાની વાત મૂકી હતી. સેમિનારમાં કમ્પ્યૂટર સાયન્સ વિભાગના એસોસિએટ પ્રોફેસર ડૉ. હાર્દિકભાઈ જોષી તથા હલન્ત બુક પબ્લિશિંગ મુંબઈના ડાયરેકટર શ્રી શ્રીધર મદુરાઇનું તકનીકી માર્ગદર્શન સહુ સહભાગીઓને પ્રાપ્ત થયું હતું.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રાકૃત વિભાગાધ્યક્ષ પ્રો. ડૉ. સલોની જોશીએ કર્યું હતું. કાર્યક્રમના મુખ્ય વ્યવસ્થાપક તરીકે હિન્દી વિભાગના અધ્યાપક પ્રો. ડૉ. રાજેન્દ્ર પરમારે જવાબદારી સંભાળી હતી. કાર્યક્રમના સંયોજક તરીકે ગુજરાત યુનિવર્સિટીના સંસ્કૃત-વિભાગ પ્રો. ડૉ. અતુલ ઉનાગરે અને સહ સંયોજક તરીકે કમ્પ્યુટર વિજ્ઞાન વિભાગના પ્રો. ડૉ. હાર્દિક જોષીએ ઉત્તરદાયિત્વ નિભાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં 48 સહભાગીઓ લાભાન્વિત થયાં.