અમદાવાદ : શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલ હોટલ રોક રીજન્સીમાં વાહન પાર્ક કરવા બાબતે કોચિંગ કલાસીસના સંચાલક અને મેનેજર આમનેસામને આવી જતાં મામલો બીચક્યો હતો. કોચિંગ કલાસીસના સંચાલક હોટલમાં સેમિનાર એટેન્ડ કરવા માટે ગયા હતા, જ્યાં કાર પાર્કિગ બાબતે મેનેજર અને સિક્યોરિટીએ સંચાલકને બીભત્સ ગાળો બોલી મૂઢમાર માર માર્યો હતો. જેને પગલે સંચાલકે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં મારામારીની ફરિયાદ નોંધાવી છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના નારણપુરા વિસ્તારના શંખનાદ એપાર્ટમેન્ટમાં રહેતા અને બાવળામાં કોચિંગ કલાસીસ ચલાવતા જસ્ટિન પરેરાએ હોટલ રોક રીજન્સીના મેનેજર અને સિક્યોરિટી વિરુદ્ધમાં નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં મારામારીની ફરિયાદ નોંધાવી છે.
જસ્ટિનભાઈ દ્વારા ફરિયાદમાં કરાયેલા આક્ષેપ પ્રમાણે, ગઈકાલે બપોરે હોટલ રોક રીજન્સીમાં સ્કોલરશિપ સાથે વિદેશમાં અભ્યાસનો સેમિનાર એટેન્ડ કરવા ગયા હતા તે દરમિયાન જસ્ટિનભાઈ તેમની કાર હોટલના કમ્પાઉન્ડમાં પાર્ક કરવા જતા હતા તે દરમિયાન સિક્યોરિટીએ અહીંયાં તેમને પાર્ક કરવાની ના પાડી હતી તેમ કહ્યું હતું.
જસ્ટિનભાઈએ સિક્યોરિટીને કહ્યું કે જગ્યા છે તો કેમ નથી મૂકવા દેતા? તે સમયે સિક્યોરિટી અને જસ્ટિનભાઇ વચ્ચે કાર પાર્ક કરવા બાબતે સામાન્ય ઝઘડો થયો હતો, જેમાં સિક્યોરિટી સંચાલક પર ઉશ્કેરાઈ ગયો હતો અને કહેવા લાગ્યો કે અહીંયાં કોની ગાડી પાર્ક કરવા દેવી તે અમે નક્કી કરીશું. આમ કહીને તે સંચાલકને ગાળો બોલવા લાગ્યો હતો. સંચાલકે સિક્યોરિટી-મેનેજર સામે પ્રતિકાર કરતાં મામલો વધુ બીચક્યો હતો. સિક્યોરિટી-મેનેજરે સંચાલકને મોઢાના ભાગે મુક્કા મારી દીધા હતા, જેમાં સંચાલકને સામાન્ય ઇજા પહોંચી હતી. સંચાલકે સેમિનાર પૂરો થયા બાદ હોટલ રોક રીજન્સીના મેનેજર અને સિક્યોરિટી વિરુદ્ધમાં નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હાલ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.