અમદાવાદ : ગુજરાત વિધાનસભાં વિપક્ષ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીના ગઢ અમરેલીમાં ફરી એકવાર ગાબડું પડ્યું છે. સાવરકુંડલા તાલુકાના બે જિલ્લા પંચાયતના સભ્ય સહિત ૧૫૦ કોંગ્રેસના કાર્યકરોએ એકસાથે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેતા સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. સહકારી નેતા દિપક માલાણીને કોંગ્રેસ સસ્પેન્ડ કરતા કાર્યકરોએ નારાજગી દર્શાવતા રાજીનામા આપી દીધા હતા. લોકસભાની ચૂંટણી પહેલાં જ કોંગ્રેસમાં એક પછી એક આગેવાનો, નેતાઓ અને કાર્યકરો રાજીનામાં ધરી દેવાનો સિલસિલો જારી રહેતાં કોંગ્રેસની છાવણીમાં ભારે ચકચાર મચી ગઇ છે.
સ્થાનિક સહકારી નેતા દિપક માલાણીને કોંગ્રેસ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવતાં સ્થાનિક કક્ષાએ આ નિર્ણયનો ઉગ્ર અને જારદાર વિરોધ થયો હતો. અમરેલી જિલ્લા પંચાયતની વિજપડી અને આંબરડી બેઠકના સદસ્ય માલાભાઇ અને રમીલાબેન માલાણીએ પણ રાજીનામું આપી દીધું હતું. સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાતના વિસ્તારમાં કોંગ્રેસને ફટકો પડ્યો છે. ૨૦૧૯ની ચૂંટણી ટાણે જ કોંગ્રેસના કાર્યકરોએ રાજીનામા આપતા રાજકારણ ગરમાયું છે.
આ માટે જૂના કોંગ્રેસના કાર્યકરો વચ્ચે બેઠક મળી હતી તેમાં આ નિર્ણય લેવાયો હતો. આજે નારાજ કોંગી કાર્યકરોની મહત્વની બેઠક મળી તેમાં કોંગ્રેસ પક્ષના મનસ્વી રીતે સસ્પેન્શનના નિર્ણય સામે ભારે નારાજગી સામે આવી હતી. કોંગ્રેસના સ્થાનિક આગેવાનો અને કાર્યકરોએ ઉગ્ર રોષ વ્યકત કરી પક્ષની આ પ્રકારની નીતિરીતિ સામે વાંધો ઉઠાવ્યો હતો અને સામૂહિક રાજીનામાનો નિર્ણય લીધો હતો.