અમદાવાદ : પાછલા કેટલાક વર્ષોમાં દુનિયાભરમાં બ્રેઇન સ્ટ્રોકના કિસ્સાઓમાં ચિંતાજનક હદે વધારો થયો છે. ભારતમાં સ્પર્ધાત્મક યુગમાં માનસિક તાણ, આધુનિકતાની ભાગદોડ ભરી જીંદગી, ધુમ્રપાન-ગુટખા, બેઠાડુ-કસરત વિનાનું જીવન અને જંકફુડ-ફાસ્ટ ફુડ સહિત અનિયમિત જીંદગીને લઇ સ્ટ્રોકના કિસ્સાઓ વધતા જાય છે. વિશ્વમાં હૃદયરોગ પછી સ્ટ્રોક એ બીજા નંબરની ઘાતક બિમારી છે કે જેના મારફતે સૌથી વધુ વ્યકિતઓના મૃત્યુ નીપજે છે. ભારતની વાત કરીએ તો, દેશમાં પ્રતિ દિન સ્ટ્રોકના ૪૫૦૦ દર્દીઓ નોંધાય છે તો, દર ૪૫ સેકન્ડે એક વ્યકિત સ્ટ્રોકનો શિકાર બને છે અને દર ૪થી મિનિટે સ્ટ્રોકથી એક વ્યકિતનું મૃત્યુ થાય છે.
આ સંજાગોમાં સમાજમાં સ્ટ્રોકની બિમારીને લઇ જાગૃતતા, સાવધાની અને તાત્કાલિક સારવાર બહુ અનિવાર્ય બની ગઇ છે એમ અત્રે જર્મનીના ખ્યાતનામ જાહાનીઝ વેસલીંગ કલીનીકલ સેન્ટર ખાતેના ન્યુરોલોજી અને ન્યુરોજેરિયાટ્રિક્સ વિભાગના ચેરમેન પ્રો. ડો.પીટર શેલિંજર, ઇન્ડિયન સ્ટ્રોક એસોસીએશનના પ્રેસીડેન્ટ ડો.વિનીત સુરી અને ઝાયડસ હોસ્પિટલના ન્યુરોલોજી અને સ્ટ્રોક સ્પેશ્યાલિસ્ટ વિભાગના હેડ અને બી.જે.મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલના માનદ્ આસીસ્ટન્ટ પ્રોફેસર ડો.અરવિંદ શર્માએ જણાવ્યું હતું. અમદાવાદમાં સૌપ્રથમવાર યોજાયેલી ઇન્ડિયન નેશનલ સ્ટ્રોક કોન્ફરન્સમાં દેશભરમાંથી ૧૨૫ થી વધુ ન્યુરોલોજી અને સ્ટ્રોક્સના રાષ્ટ્રીય તજજ્ઞો અને નિષ્ણાતો જયારે વિદેશમાંથી ૩૦થી વધુ ફેકલ્ટી, નિષ્ણાતોએ ભાગ લીધો હતો.
આ પ્રસંગે પ્રો. ડો.પીટર શેલિંજર, ઇન્ડિયન સ્ટ્રોક એસોસીએશનના પ્રેસીડેન્ટ ડો.વિનીત સુરી અને ઝાયડસ હોસ્પિટલના ન્યુરોલોજી અને સ્ટ્રોક સ્પેશ્યાલિસ્ટ વિભાગના હેડ અને બી.જે.મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલના આસીસ્ટન્ટ પ્રોફેસર ડો.અરવિંદ શર્માએ બહુ મહત્વની જાણકારી અને ઉપયોગી માર્ગદર્શન આપતાં ણાવ્યું હતું કે, વિશ્વમાં દર છ સેકન્ડે એક વ્યકિત સ્ટ્રોકસના કારણે મૃત્યુ પામે છે. વિશ્વમાં સૌથી વધુ સ્ટ્રોક્સ એટલે કે, ૭૦ ટકા જેટલા કેસો મીડલ ઇન્કમ કન્ટ્રીઝ(મધ્યમ આવક ધરાવતા દેશો)માં નોંધાય છે અને આ જ પ્રકારે સ્ટ્રોકસના કારણે સૌથી વધુ એટલે કે, ૮૭ ટકા મૃત્યુ પણ મીડલ ઇન્કમ કન્ટ્રીઝ(મધ્યમ આવક ધરાવતા દેશો)માં નોંધાય છે. તેમણે ઉમેર્યું કે, સ્ટ્રોકસ આવે કે પ્રથમ અઢી કલાક દર્દી માટે ગોલ્ડન અવર ગણાય છે અને શરૂઆતના સાડા ચાર કલાકમાં દર્દીઓને સારવાર મળી જાય તો તેને બચાવી શકાય છે. દર્દીને કાયમી વિકલાંગતા કે અન્ય ગંભીર તકલીફોમાંથી ઉગારી શકાય છે. સ્ટ્રોક્સની અસરની ખબર પડે ત્યારે ફેમિલી ડોકટર કે ફિઝિશીયન પાસે જવાને બદલે સ્ટ્રોક્સના તજજ્ઞ પાસે જઇ સારવાર કરાવવા વધુ કારગત સાબિત થઇ શકે છે.