” ડાળ, પંખી, ગીત ને વહેતી હવા,
વૃક્ષ પર કેવી ગઝલ સરજાય છે !! “
– ગણપત પટેલ ” સૌમ્ય “
કવિએ પ્રકૃત્તિ પ્રત્યેનો તેમનો પ્રેમ અને લગાવ આ શેરમાં વ્યક્ત કર્યો છે. કવિ માત્રને કુદરતના બધાં જ તત્વ સાથે અખૂટ પ્રેમ હોય જ છે, લગાવ હોય છે. વૃક્ષ, પર્ણ, પુષ્પ, ફળ, નદી, ઝરણું, પર્વત, કેડી, ખડક, ઘાસ, કોકિલા, મયૂર, બપૈયા, કલરવ, મહેંક આ બધાં જ તત્વ-સ્થળો-પદાર્થો જે અત્યંત લાગણીશીલ વ્યક્તિ છે કે કવિ હ્રદય ધરાવે છે તેને ગમતાં જ હોય છે, ઘણાં વહાલાં લાગતાં હોય છે. આશિકને જેમ તેની માશૂકા વહાલી લાગે છે તેમ કવિ હ્રદયને પણ આ તત્વો એટલાં જ વહાલાં લાગે છે. ઘણા બધા કવિઓએ કુદરતનાં આ તત્વોને અતિશય લાડ લડાવ્યાં છે. મહાકવિ કાલિદાસ અને બીજા કવિઓ દ્વારા રચિત અનેક રચનાઓમાં કુદરતનું મેઘનું વીજળીનું અને તેના ઝબકારનું બહુ સુંદર વર્ણન કરાયેલ છે.
કુદરતનાં તમામ તત્વ સાથે સૌન્દર્ય જોડાયેલું છે. જ્યાં સૌન્દર્ય હોય છે ત્યાં તેની સાથે કોમળતા પણ જોડાયેલી હોય જ છે. લાગણી અને વહાલ ની જેમ આ બધું પરસ્પર જોડાયેલું જ છે. આ શેરમાં કવિએ એક વૃક્ષને ગઝલની કલ્પનામાં આવરી લીધું છે. લીલું છમ્મ વૃક્ષ, લીલી છમ્મ ડાળીઓ, ડાળીઓ પર બેઠેલાં રંગ બેરંગી પારેવડાં, પારેવડાંનો કલરવ અને સમગ્ર વૃક્ષ પરથી ધીરે ધીરે વહેતો મીઠો મધુરો પવન, અને આવા સમયે દૂર દૂરથી કોઇની વાંસળીના હવામાં રેલાતા મધુરા સૂર, વળી તે જ સમયે ભાતીગળ ઓઢણું ઓઢીને પોતાના સાજણને ભાથું આપવા નીકળેલી ગામડાની ગોરીનાં ઝાંઝરનો ઝણકાર …. આવું બધું કવિના આ શેરનું મંથન કરીએ ત્યારે ચોક્કસપણે અનુભવી શકાય છે.અને તેની અનુભૂતિની સાથે આપણું મન ઘણું જ પ્રફુલ્લિત થઇ જાય છે. કવિ ખરેખર અભિનંદનના અધિકારી છે. આવો આપણે સહુ વૃક્ષ પર કવિએ સર્જેલી ગઝલનો આસ્વાદ કરીએ.
- અનંત પટેલ