અમદાવાદ: ગુજરાત લોકસભાની ચૂંટણીને લઇ ભાજપ અને કોંગ્રેસમાં જોરદાર રાજકીય વ્યૂહરચના અને પ્લાનીંગ ગોઠવાઇ રહ્યા છે ત્યારે તેવા સમયે ભાજપની આખાબોલી અને સ્પષ્ટવકતા નેતા રેશમા પટેલના વધુ એક આક્રમક અને તેજાબી નિવેદનને પગલે ગુજરાત રાજકારણમાં ખાસ કરીને ભાજપની છાવણીમાં જબરદસ્ત ખળભળાટ મચી ગયો છે. આજે રાજકોટની મુલાકાત દરમ્યાન ભાજપના નેતા રેશમા પટેલે જણાવ્યું હતું કે, લોકસભા ચૂંટણીમાં અમિત શાહનું ચોકઠું દાવ કરી જાય તેવી પૂરી શકયતા છે. ભાજપમાં આંતરિક અસંતોષ બધામાં છે પરંતુ જાહેરમાં આવવાની કે બોલવાની કોઇ હિંમત કરી શકતુ નથી. પરંતુ ચૂંટણી પહેલાં આ દરેક ચોકઠા કયાંય દાવ કરી જશે અને ગુજરાતની રાજનીતિમાં મોટો ભૂકંપ સર્જાશે તેવી દહેશત પણ રેશમા પટેલે વ્યકત કરી હતી.
ભાજપ નેતા રેશ્મા પટેલ આજે રાજકોટની મુલાકાતે પહોંચ્યા હતા તે દરમ્યાન તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ભાજપ પાર્ટી કૂટનીતિ જે અજમાવી રહી છે અને ચોકઠા ગોઠવ્યા છે તેમાં ક્યાંકને ક્યાંક તે દાવ મારી જશે તે હું દાવા સાથે કહું છું. ગુજરાત આંદોલનની ભૂમિ બની ચૂકી છે, તેમાં બધામાં અસંતોષ છે તેના કારણે આ દરેક ચોકઠા ગોઠવાયા છે અને તોડજોડ કરશે. અમિત શાહ અને તાનાશાહોએ ગોઠવેલું ચોકઠું ક્યાંકને ક્યાંક દાવ કરી જશે. ગુજરાતની રાજનીતિમાં મોટો ભૂકંપ સર્જશે તે હું દાવા સાથે કહું છું.
રેશ્મા પટેલે વધુમાં જણાવ્યું હતું કે, જા પાસના કન્વીનર હાર્દિક પટેલ લોકસભા ચૂંટણી લડે તો મારૂ તેને સમર્થન છે. હાર્દિકે ચૂંટણી લડવી જોઇએ. હું પણ ભાજપ વિરૂદ્ધ પોરબંદરમાં ચૂંટણી લડવાની છું. હાલ જે રાજકીય ગરમાવો ચાલી રહ્યો છે તેના ચોકઠા અમિત શાહ બનાવે છે. દરમ્યાન ધોરાજી-ઉપલેટાના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા પણ ભાજપમાં જોડાવા છે તેવી એક ચર્ચા હતી પરંતુ તેમણે આ વાતને પાયાવિહોણી ગણાવી હતી. જો કે રેશમા પટેલના આજના નિવેદનને લઇ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. ભાજપની છાવણીમાં તેના જોરદાર ઘેરા પ્રત્યાઘાત જોવા મળ્યા હતા.