અમદાવાદ : રાજ્યભરમાં આંબા ઉપર અત્યારે આમ્રમંજરીનું સામ્રાજ્ય છવાયું છે ત્યારે અમદાવાદનાં બજારમાં હાલમાં વિવિધ જાતની કેરીનું આગમન થઈ ગયું છે. દક્ષિણ ગુજરાતની કેરીની આવક બજારમાં જોવા મળતાં કેરીના સ્વાદરસિયાઓ ખુશ છે. હાલમાં બજારમાં મળતી કેરીનો ભાવ રૂ ૩પ૦ થી ૪૦૦ પ્રતિકિલો હોવા છતાં તેનું વેચાણ થઈ રહ્યું છે. જો કે, ભરઉનાળો જામશે અને કેરીના આવક બજારમાં પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ બનશે એટલે, ભાવો નોર્મલ બનશે. દક્ષિણ ભારતની લાલબાગ કેરી તો મહારાષ્ટ્રની રત્નાગીરી પણ બજારમાં આવી ચૂકી છે. ગુજરાતમાં પાકતી કેરીની ખાખડી પણ અત્યારે રૂ. ૧પ૦ પ્રતિકિલોના ભાવે વેચાણ થઈ રહી છે. અમદાવાદનાં બજારમાં એક મહિના પછી બદામ કેરી સહિત અનેક પ્રકારની કેરી સીઝન પ્રમાણે જાવા મળતી થશે. અમદાવાદીઓની માનીતી કેસર કેરીનો સ્વાદ માણવા માટે હજુ બે મહિના રાહ જોવી પડશે.
આ વર્ષે વધુ પડતી ઠંડી અને વાતાવરના વારંવારના પલટાના કારણે એકંદરે કેરીનો પાક ૨૫ ટકા જેટલો ઓછો રહેવાનો અંદાજ છે. પહેલી મે પછી અમદાવાદમાં રોજની ત્રણ લાખ કિલો કેસર કેરી બજારમાં આવવાની ગણતરી છે, જે તા.૧૫ મેએ લગભગ પાંચ લાખ કિલોને આંબવાની શકયતા છે. ધી અમદાવાદ ફ્રૂટ મર્ચન્ટ્સ એસોસિયેશનના ચેરમેન લક્ષ્મણભાઇ રોહરાએ જણાવ્યું હતું કે, અત્યારે અમદાવાદમાં બહારનાં રાજ્યની કેરીની ધીમી આવક શરૂ થઈ છે, પરંતુ આ કેરી અધકચરી હોવાથી તે ખાવામાં મજા આવતી નથી. ટૂંક સમયમાં કેરાલાની આફૂસ, સુંદરી અને પાયરી ત્રણેય કેરીઓ બજારમાં મળતી થશે.
તેમણે ઉમેર્યું કે, કેસર કેરીની સિઝન પહેલી મેથી રેગ્યુલર શરૂ થઇ જશે અને રોજ અમદાવાદમાં ૩૦થી ૪૦ હજાર પેટીઓ ઊતરવાની શરૂ થશે. આ કેરી મોટા ભાગે વલસાડ, તાલાલાથી આવશે. તા.૧૫ મેથી કચ્છ-ભૂજની કેસર કેરીની રોજ ૫૦ હજાર પેટીઓથી વધુ માલની આવક જોવા મળશે. આ વર્ષે કેરી માટે પ્રમાણમાં ઓછો ખર્ચ કરવો પડશે, કેમ કે હોલસેલ બજારમાં તેની અંદાજિત કિંમત રૂ. ૩૦થી ૪૦ અને છૂટક બજારમાં રૂ. ૫૦ સુધીની રહેશે. ત્યાર પછી તા.૧૦ જૂન બાદ ઉત્તર પ્રદેશથી કેરીની આવક થશે. કેરી અને તેના રસના શોખીન રસિયાઓ માટે હવે ઉનાળાની મોસમ જામવાની તૈયારીમાં હોઇ તેઓ કેરીની લુત્ફ ઉઠાવવા તલપાપડ બન્યા છે.