રેવતીને આશ્ર્ચર્ય થતું હતું કે તે બધુ જ સારી રીતે વિચારી શકતી હોવા છતાં, સમજી શકતી હોવા છતાં તેના વિશે જ્યારે અગત્યનો નિર્ણય લેવાનો હોય તો કોઇ તેનો અભિપ્રાય પણ પૂછતું ન હતું. રેવતીને બાવીસમું વરસ બેસી ગયું હતું. તેનાં મા બાપ અને તેના મોટાભાઇઓ તેને માટે છોકરાઓ જોતા હતા પણ રેવતીને કશીજ વાત કર્યા વિના કે છોકરો બતાવ્યા વિના જ વાત અટકાવી દેતા હતા. રેવતીના મનમાં શું છે ? આવું જાણવાની તેમને જાણે કે જરૂરત જ નહ્તી. રેવતી બધું સાંભળ્યા કરતી. જોયા કરતી બધુ ને મનમાં કંઇક અંશે અટવાયા કરતી. એને થતું કે બંને ભાઇઓ તેમની ઇચ્છા મુજબની છોકરી જોઇને , પસંદ કરીને પરણ્યા છે. તો પછી મને છોકરો જોવાનો અધિકાર કેમ નહિ ? મા બાપ કદાચ જુનવાણી વિચારનાં હોઇ શકે પણ ભાઇઓ તો નવા જમાનાના છે ને ?? એ કેમ મારા માટે કંઇ જ વિચારતા નથી ??
” જો કે એ બધા એના માટે જે છોકરો જોશે તે સારો જ જોશે. એ કંઇ ગમે ત્યાં મને પરણાવી દે તેવા નથી, છતાં ય મને લગ્ન પહેલાં છોકરો જોવાની કે તેની સાથે વાત ચીત કરવાની તક શા માટે નહિ ??” આવું તે મનોમન વિચારતી.
એક છોકરો તેમણે જોયો. બધાંને ગમ્યો. નોકરી કરતો હતો. એ છોકરો રેવતીને જોવા આવવાનો હતો. મા બાપ અને ભાઇઓએ રેવતીને સૂચના આપી દીધી હતી કે તેણે વધારે પૂછપરછ કરવાની નથી. જે પૂછે તેનો જ ઉત્તર દેવાનો. રેવતીએ આ સૂચનાથી ખૂબ જ આશ્ર્ચર્ય અનુભવ્યું.. આ સૂચના મુજબ અમલ કરવાથી તો કદાચ એવું ય બને કે આવનાર છોકરો તેને વધુ પડતી ગંભીર અને સમજણ વિનાની પણ માની લે કેમ કે ભણેલો ગણેલો અને સારી નોકરી કરતો છોકરો તેની જીવન સંગિનિ બનનાર છોકરી શરૂઆતમાં જ આમ ગુમસુમ અને બાઘાની જેમ બેસી રહેતી જાણે તો શક્ય છે કે એ એને નાપસંદ પણ કરી દે..!!!! એટલે રેવતીએ તેના મનની વાત તેની ભાભીઓને કરી. ભાભીઓ રેવતી સાથે સંમત જ હતી પણ એમના પતિદેવો અને સાસુ સસરાના ડરથી ખુલ્લં ખુલ્લા કશું બોલી શકતી ન હતી. પણ રેવતીએ જ જ્યારે સ્પષ્ટ વાત કરી ત્યારે તેમનામાં પણ હિંમત આવી. હા જ તો એક નજીવા કારણસર છોકરો ના પાડી દે તો ? અત્યાર સુધી તો રેવતીના ભાઇઓ જ બધા છોકરાઓને ના પાડી દેતા હતા એટલે વાંધો ન હતો પણ સામેથી છોકરો જ રેવતીને નાપાસ કરી દે ને બહાર છોકરી “બબૂચક” છે તેવી છાપ ફેલાઇ જાય તો મુશ્કેલી થાય. રેવતી અને તેની બંને ભાભીઓએ તેની બાને આ વાત કરી એટલી જ વિનંતી કરી કે મુલાકાત વખતે રેવતીને પણ છોકરાને પ્રશ્નો પૂછવાની છૂટ આપે જેથી સામેના છોકરાને પણ લાગે કે રેવતી પણ હોંશિયાર છે !! આ બધી વાત તેનાં બાએ તેના ભાઇઓ અને બાપુજીને કરી તો એ તાડૂકી ઉઠ્યા,
” બેસ બેસ છાની માની , મોટી પ્રશ્નો પૂછવાવાળી જોઇ ના હોય તો… અમે કહીએ એટલું જ કરવાનું છે, સામા પ્રશ્નો પૂછીને છોકરાની પરીક્ષા નથી લેવાની ,પરીક્ષા તો તારે આપવાની છે… જરા પણ ડોઢ ડા’પણ ના જોઇએ…”
બસ થઇ રહ્યું. રેવતીની ઇચ્છા પર પાણી ફરી વળ્યું.છતાં એણે મન મનાવ્યું. નિયત દિવસે છોકરો આવ્યો. બાજુના રૂમમાં રેવતી અને એ બેઠાં. ભાભીએ બારણું સહેજ આડુ કર્યુ. રેવતી તો થોડીવાર બેસી રહી. છોકરો તો કશું પૂછતો જ ન હતો. રેવતીને થયુ, આમ ને અમ ક્યાં સુધી બેસી રહેવાનું ?? છેવટે એણે જ બધું શરું કર્યુ. છોકરાનું નામ, ઉંમર, નોકરી વિશે,અભ્યાસ,શોખ વગેરે જાણી લીધું. તેવી જ રીતે છોકરાએ પણ રેવતી વિશે જાણ્યું. પછી તો બંને જણ હળવાં ફુલ બની ગયાં . જાણે ખરેખર પતિ પત્ની બની જવાનાં હોય ને નિરાંતે વાતો કરતાં હોય તે રીતે વાતો કરવા લાગ્યાં… સાવ સહજ !!! કશો જ ભાર નહિ, વળી હળવું હાસ્ય પણ.. ને આ બધુ બાજુના ખંડમાં બેઠેલાં રેવતીનાં મા બાપ અને ભાઇઓને અકળાવતું હતું.
” છોકરીને ના પાડી તો ય છૂટથી વાતે મંડી છે તે હવે તો કદાચ મૂકો વાત પડતી…”
એવો ભય પણ તેમનામાં આવી ગયો. છોકરો વિદાય થયો અઠવાડિયામાં તેના પિતાજી ટપાલથી જવાબ આપશે તેમ કહી એ ચાલ્યો ગયો. રેવતીનાં બા બાપુ અને ભાઇઓએ તો રેવતીની ધૂળ કાઢી નાખી. રેવતી મૂંગી મૂંગી સાંભળતી જ રહી. અઠવાડિયાનો વાયદો બતાવ્યો એટલે પરિણામ શૂન્ય..જ… !! એવી એમની કદાચ ધારણા હતી..
પરંતુ બધાના આશ્ર્ચર્ય વચ્ચે અઠવાડિયાના અંતે તે છોકરાના પિતાજીનો પત્ર આવ્યો. તેમાં લખ્યું હતું,
” રેવતી મારા પુત્રને ગમી છે અમને આ સંબંધ કબૂલ છે “.
સૌ ખુશ થયાં. રેવતીના પિતા અને ભાઇઓએ તેમની ભૂલ કબૂલી અને રેવતીને અભિનંદન આપ્યા.
- અનંત પટેલ