અમદાવાદ : અમદાવાદ શહેરમાં આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અદ્યતન અને નવનિર્મિત નગરી હોસ્પિટલ, ઇ-બસ, ઇ-રીક્ષા, પીરાણા ખાતેના અદ્યતન ખાતર પ્લાન્ટ, મલ્ટિલેવલ પાર્કિગ સહિતના સંખ્યાબંધ પ્રોજેક્ટસના લોકાર્પણ અને ખાતમૂર્હુતના કાર્યક્રમો યોજાયા હતા.
જા કે, મુખ્યપ્રધાન વિજય રૂપાણીની નાદુરસ્ત તબિયતના કારણે આજે સવારે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાના હસ્તે રૂ.૪૯ કરોડના ખર્ચે નવનિર્મિત નગરી હોસ્પિટલ સહિતના વિભિન્ન પ્રોજેકટના લોકાર્પણ અને ભૂમિપૂજન કરાયું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા નવનિર્મિત નગરી હોસ્પિટલનું આજે સવારે ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાના હસ્તે લોકાર્પણ કરાયું હતું. તો શહેરના પાલડી વિસ્તારમાં આવેલા ટાગોરહોલ ખાતે તેમના હસ્તે પ્રહલાદનગર અને સિંધુભવન ઉપરાંત રિવરફ્રન્ટના ફલાવર ગાર્ડન ખાતે એનઆઇડી પાછળ અને ગાંધીબ્રિજ-દધીચિબ્રિજની વચ્ચે શાહપુરની પાછળ બે સ્પોર્ટસ કોમ્પલેકસનું ભૂમિપૂજનની ઇ-તકતી મુકાઇ હતી. આ ઉપરાંત શહેરમાં વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે બીઆરટીએસ બસ સર્વિસમાં બે ઇલેક્ટ્રિક બસ દોડતી કરાઇ છે.
નાગરિકોને ઘરેથી બીઆરટીએસ સ્ટેશન અને બીઆરટીએસ સ્ટેશનથી ઘરે કે નોકરીના સ્થળે જવાની સુવિધા આપવા આજથી પચાસ ઇ-રિક્ષા સેવા પણ શરૂ કરાઇ છે. આજે સવારે કચરાને ખાતરમાં ફેરવવાના પ્લાન્ટને પણ કાર્યરત કરાયો છે. ડ્રેનેજ લાઇનમાંથી નીકળતા સ્લજને ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરની મદદથી ખાતરમાં ફેરવતો આ દેશનો સૌથી પહેલો પ્લાન્ટ છે. પીરાણા ખાતે આ પ્લાન્ટને રૂ.૩૦ કરોડના ખર્ચે ઊભો કરાયો છે. ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાના હસ્તે આ પ્લાન્ટનું વિધિવત ઉદઘાટન કરાયું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ પ્રોજેકટ અને ખાતમૂર્હુત સહિતના ભરચક કાર્યક્રમો આજે દિવસ દરમ્યાન સમાચાર માધ્યમમોમાં પણ કેન્દ્રસ્થાને રહ્યા હતા.