તને સ્પર્શવાનું એવું મન થયા કરે છે કે તને મારામાં જ સમાવી લઉ. યૌવનના પ્રથમ પગથિયે પ્રવેશેલી નવયૌવના જીવનના જે આહલાદક દરિયામાં ડૂબકી મારે છે તેનું વર્ણન ક્યાં શબ્દોમાં થઈ શકે. ખીલતી ગુલાબની કળીનું મનમોહક દશ્ય આંખોને કેટલી સાંત્વના અર્પે છે. પ્રેમના આ સ્પર્શને કોઈ એક દિવસે ઉજવવો યોગ્ય નથી. પ્રકૃતિની અનમોલ ભેટ છે પ્રેમ, સૃષ્ટિનો આધાર છે પ્રેમ, કણ-કણ માં વ્યાપ્ત છે પ્રેમ, મનનું ગાન છે પ્રેમ, આંખોનું દશ્ય છે પ્રેમ, કલરવ એટલે પ્રેમ, પંખીનો માળો એટલે પ્રેમ, સર્વસ્વ બસ પ્રેમ જ આકાર લઈ રહ્યો છે.
બગીચામાં બેંચ પર બેઠા દાદા દાદીને કહે છે – “આઈ લવ યુ” અને દાદી શરમાતા માથું નમાવી દે. જાણે કે દાદી એક જ ક્ષણમાં ૨૧ વર્ષના નવયૌવના થઈ ગયા હોય.
રિસાઇને ઘરકામ કરી રહેલી પત્ની સાંજ પડતા પતિ આવે અને હાથમાં ગુલાબના ગુલદસ્તા સાથે જ કહે “આઈ લવ યુ” તો જાણે પત્ની એક ક્ષણમાં રાણી બની જાય.
કૉલેજના ત્રણ વર્ષ સુધી જે શબ્દો સાંભળવા કાન તરસી રહ્યા હોય અને અચાનક તે લાલ ગુલાબ સાથે કહે “આઈ લવ યુ” તો જાણે પ્રેમિકાનું હૈયું થનગનવા લાગે.
રમકડાઓ બહેન પાસેથી લઈ સંતાડી દે અને રડાવે તે ભાઈ અચાનક રક્ષાબંધનમાં ચોકલેટનું પેકેટ આપે તો જાણે બહેન સાતમા આકાશમાં ઉડવા લાગે.
૨૨ વર્ષની દીકરીને કામકાજ માં હોશિયાર બનાવવા તેને વારંવાર ટોકતી મા વિદાય વખતે કહે “આઈ લવ યુ” તો જાણે તેના આંસુ હળવી મુસ્કાન સાથે છલકવા લાગે.
પિતાની પ્રિન્સેસ સાસરે જાય અને ફોન આવતાની સાથે પપ્પાને કહે “આઈ લવ યુ” તો જાણે પિતાનું મન નાચવા લાગે.
વેલેંટાઇ ડે કોઈ પ્રેમી-પ્રેમિકા માટે જ મનાવાતો દિવસ નથી પરંતુ તેની સાચી વ્યાખ્યા છે દરેક સંબંધને જેને તમે પોતાના ગણો છે તેની પ્રત્યે લાગણીઓ વ્યક્ત કરવા માટે ઉજવાતો દિવસ છે. પતિ-પત્ની, પ્રેમી-પ્રેમિકા, ભાઈ-બહેન, માતા-પિતા, પિતા-દીકરી, માતા-પુત્ર બધા જ પ્રેમના જ તાંતણે બંધાયેલા છે. માટે હસતાં ગુલાબ ની જેમ આ દિવસ મનાવવો જોઈએ. તો ચાલો આપણે પણ ઉજવીએ આ દિવસ પોતાના સ્વજનો સાથે.
દરેક સંબંધમાં પ્રેમ જ પાયો હોય છે. દરેક હસતાં ગુલાબ ની કળીઓ કદાચ એકબીજાને “આઈ લવ યુ” જ કહેતી હશે. એટલે જ તો તેની પાંખડીઓમા કાંટાઓ હોય છે. અને દરેક સંબંધમા પણ ઝગડા રૂપી કાંટા છે, જે ક્યારેક વાગે છે. પરંતુ તેનાથી જ પ્રેમ વધે છે. આ પ્રેમની કબૂલાત જ ગુલાબ છે. તે પણ હસતું ગુલાબ છે. જિંદગી નો પ્રથમ પ્રેમ જ સૃષ્ટિના આરંભ થી જન્મેલો છે. એટલે કવિ આદિલ મન્સૂરી કહે છે….
“જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.”
જીંદગીનો સૌથી મધુર સ્પર્શ જેને ગુલાબની પાંદડીમાં નિર્લિપ પણે અનુભવી શકાય તે જ તો પ્રેમ છે. સવારની મીઠી ઠંડી હવામાં જે મનને સ્પર્શી જાય તે જ તો પ્રેમ છે. ઘોર તાપમાં છાયડો બની સાથે ચાલે તે જ તો પ્રેમ છે. આંખોને બંધ કરતાં પાસે આવીને ચાલ્યો જાય તે અહેસાસ કરાવે તે જ તો પ્રેમ છે.
Guest Author
માધવી આશરા