અમદાવાદ : પાકિસ્તાન પર ભારતીય વાયુસેનાની સફળ સર્જિકલ સ્ટ્રાઇક અને હવાઇ હુમલા બાદ હવે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના ૧૬૦૦ કિલોમીટરના દરિયાકિનારા પર હાઇ એલર્ટ જાહેર કરી દેવાયું છે. અસંખ્ય નિર્જન ટાપુઓ અને આંતરિયાળ કિનારાઓ પર પોલીસની બાજ નજર છે. દરિયાકિનારા પર સુરક્ષા વ્યવસ્થા વધારી રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલીંગ શરૂ કરી દેવાયું છે. સ્થાનિક પોલીસે કોઇ પણ શંકાસ્પદ ચીજવસ્તુ કે વ્યક્તિ દેખાય તો તાકીદે પોલીસને જાણ કરવા માટે સુચનાઓ આપી છે. ખાસ કરીને દ્વારકા અને જામનગર દરિયા કિનારાને લઇ જામનગરમાં વિમાનો પણ સ્ટેન્ડ ટુ રખાયા હોવાની વાત સામે આવી રહી છે તો, યુદ્ધ ઉપયોગી વિમાનો જામનગર એરફોર્સ પાસે હોઇ તે ગમે તે સ્થિતિને પહોંચી વળવા સજ્જ રખાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
સૌરાષ્ટ્રના દરિયાના કિનારે આવેલા પ્રથમ જ્યોતિ‹લગ સોમનાથ અને રિલાયન્સ રિફાઇનરી પર આંતકીઓની નજર હોવાનું પ્રકાશમાં આવ્યું છે. જેને પગલે આ બન્ને મહત્વપૂર્ણ સ્થળોની સુરક્ષા વધારાઈ છે. સોમનાથ મહાદેવ મંદિર ખાતે એન.એસ.જી.ની ટીમ તૈનાત કરાઈ છે. પાકિસ્તાનથી ગુજરાતમાં ઘૂસવા માટે સૌથી સરળ રસ્તો સૌરાષ્ટ્રનો દરિયા કિનારો હોવાથી ગુપ્તચર રિપોર્ટ મુજબ આ જગ્યાની ચિંતા વધુ છે. પોરબંદરનો દરિયા કિનારો આતંકીઓ માટે ગેટવે ઓફ ગુજરાત છે. જેથી અમુક નિર્જન ટાપુ પર સાઇડ પેટ્રોલિંગ વધારી દેવાયું છે. મોટા ભાગની ફિશિંગ બોટનું પણ ચેકિંગ થઇ રહ્યું છે. મરિન કમાન્ડો હાઇ એલર્ટ પર છે. તેની સાથે સાથે નેવી અને એરએન્ક લેવલના વિમાનો કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર છે. આ સિવાય આઇએમબીએલ નજીક માછીમારોને માછીમારી ન કરવા સૂચના અપાઇ છે.
સોમનાથ મંદિર અને આજુબાજુના વિસ્તારોમાં રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલીંગ વધારી દેવાયું છે. નેવી, સ્થાનિક પોલીસ સંકલન મજબૂત કરી સુરક્ષામાં વધારો કરી તમામ સોર્સ એક્ટીવેટ કરી દેવાયા છે. બીજીબાજુ, દ્વારકા મંદિર પાકિસ્તાનની સરહદ નજીક હોવાથી દ્વારકાને હાઇ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. જેને પગલે ઓખા મરિન પોલીસ, કોસ્ટગાર્ડ, કસ્ટમ તંત્ર સાબદુ થયું છે અને રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. હાઇવે પર વાહનો અને અજાણ્યા શખ્સોની પૂછપરછ કરાઈ રહી છે. લોકોને પણ કોઇ અજાણ્યા વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ જણાય તો તુરંત પોલીસને જાણ કરવા જણાવાયું છે. આ સિવાય પોત પોતાના મત્સ્ય કેન્દ્ર પરથી થતી મૂવમેન્ટ, ડોક્યુમેન્ટ તથા ખલાસીઓને ચેક કર્યા બાદ જ જવા દેવા સૂચના અપાઈ છે.
દરેક બોટ માલિકને કોઈ પણ અજાણી બોટ કે અજાણ્યા શખ્સો દેખાય તો તુરંત જાણ કરવા આદેશ આપ્યો છે તેમજ અજાણી વ્યક્તિને મદદ ન કરવા અને બોટમાં ન બેસાડવા માટે સૂચના આપી છે. સૌરાષ્ટ્રની સાથે સાથે કચ્છ સરહદે પણ સુરક્ષા વધારી દેવાઈ છે. જેને પગલે છેલ્લા પાંચ દિવસથી ડિફેન્સના કાર્યક્રમમાં રાજકોટ આવેલા બીએસએફના જવાનોને શસ્ત્રો સાથે તાત્કાલિક સરહદે બોલાવી લેવાયા છે. મોરબીના નવલખી બંદરે પણ પોલીસની સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઇ ગઇ છે. પોલીસ બોટમાં સતત પેટ્રોલિંગ કરી રહી છે. મોરબીના નવલખી બંદરેથી આતંકીઓ ઘૂસે નહીં તે માટે નાઇટ પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું છે. હાઇવે પર પોલીસ તમામ વાહનોનું ભારે અસરકારકતા સાથે ચેકિંગ કરે છે.