શબ્દાલય !!
સર્વાંગ જ્યારે સાહિત્યને પ્રાગઔતિહાસીક કાળમાં ગોંધી રાખવા માંગતા કેટલા મુઠ્ઠીભર છાપકારો અને લખવૈયાઓ સામે બાંય ચડાવીને, તેમના મોં પર છૂટી ગાળ ફેંકી, પાંચ વર્ષ પહેલાની સાહિત્યકારોની સામાન્યસભામાંથી પગ પછાડતા નીકળી ગયો હતો, ત્યારથી જ તેના મનમાં આ જગ્યાનો પ્લાન ઉઘડીને નક્કર સ્વરૂપ લેવા કણસી રહેલો.
લેટેસ્ટ ટેક્નોલોજીથી સજ્જ ‘શબ્દાલય’ મેગેઝિનનું હેડક્વાર્ટર જ કહેવાય એવું બિલ્ડિંગ ફ્રેશ આઇડિયા અને કન્ટેન્ટ પીરસવા માગતા લેખકો માટે સ્વાગતબદ્ધ હતું. ‘શબ્દાલય’ની સફળતા એ વાતથી સ્પષ્ટ થતી હતી કે, તે દુનિયાની લગભગ દરેક પ્રમુખ ભાષાઓમાં અનુવાદ પામી પ્રકાશિત થતું હતું અને તે પણ એકસામટું. સર્વાંગે કાયમથી જે સ્વપ્ન જોયું હતું તે ઘનાકાર લેવા લાગ્યું હતું. તે ગુજરાતી ભાષાને વિશ્વસ્તર પર એક સન્માનભરી ઉંચાઈ સુધી લઈ જવામાં સફળ રહ્યો હતો.
દેશ-પ્રદેશમાં સ્થિત ‘શબ્દાલય’ની બધી જ ઑફિસ એક મેન સર્વરથી જોડાયેલી હતી. જે કન્ટેન્ટ હેડક્વાર્ટરમાંથી મંજૂર થતું એ બધું તત્કાલ દરેક મેન ઑફિસમાં ભાષાંતરિત થવા માટે પહોંચી જતું. ભાષાઓ જાણનારને ‘શબ્દાલય’ ખુલ્લા હૃદયે આવકારતું. આ બાહોશ અનુવાદકોની ફોજ તેમની જનનીભાષામાં કૃતિઓને ઢાળતી અને આ રીતે ‘શબ્દાલય’ની દરેક ભાષાની પ્રત એક જ સમયે વાંચનારાઓ માટે ઉપલબ્ધ થઈ જતી.
દરેક ભાષાના સર્જકો ‘શબ્દાલય’ને તેમના સર્જનો મોકલતા. ભાષા-તફાવતથી ઉપર ઊઠીને દરેકની તટસ્થ મૂલવણી કરવી સૌથી મોટો પડકાર હતો. કૃતિઓ અને લેખ સ્વિકારવા માટે સર્વાંગે તેની પ્રોગ્રામિંગની આવડત કામે લગાડીને. તેણે ખાસ પ્રકારનો સોફ્ટવેર બનાવ્યો હતો જેમાં લખાણનાં ડિજિટલ સ્વરૂપની ફાઇલનું આપોઆપ વિશ્લેષણ થઈ જતું.
સોફ્ટવેરનાં નક્કી કરેલા ધારા-ધોરણો મુજબની જ કૃતિઓ ચળાઈને બહાર આવતી જેને પછી સર્વાંગ જાતે વાંચીને મંજૂર કરતો. આ સોફ્ટવેર એક પ્રાથમિક કક્ષાની ‘આર્ટિફિશલ ઇન્ટેલિજન્સ’ હતું. સર્વાંગ આ પ્રકારનાં સોફ્ટવેર પાછળ યુવાનીના તાજા દિવસોથી મથી રહ્યો હતો જે ભાષાની સુક્ષ્મતા અને સુંદરતાને સમજી શકે, જે ચીજવસ્તુઓનાં મેન્યુઅલ અને સાહિત્યનાં પુસ્તક વચ્ચે ફરક પારખી શકે. આ પડકાર જેવો તેવો ન હતો, પણ સર્વાંગ ભાષા અને કમ્પ્યૂટર કોડિંગ બંનેમાં ઊંડે સુધી ખૂંપેલો જીવ હતો. વર્ષોની મહેનત રંગ લાવી અને તે સોફ્ટવેર બનાવવામાં સફળ રહ્યો. મેગેઝિનની સફળતાનો દારોમદાર આ સોફ્ટવેરના વિચાર પર હતો. તેણે આખરે ‘શબ્દાલય’ની સ્થાપના કરી અને કલ્પનાતીત સંકલ્પના વાસ્તવિકતામાં બદલી નાખી.
જો કે સર્વાંગ આ સફળતાની ખુશી વિશ્વ સમક્ષ પ્રગટ કરી ન શક્યો કારણ કે તેને આના કારણે થનારા વિરોધનું અનુમાન તો હતું જ. સર્વાંગ માટે મુખ્ય સફળતા તો એ ક્ષણમાં જ હતી જ્યારે જગતની બીજી ભાષાઓ વચ્ચે તેની જનનીભાષા ગુજરાતી એક અદનું ગૌરવ હાંસલ કરી લેવાની હતી. આજે તેની એ અપેક્ષા પણ ફળીભૂત થઈ ચૂકી હતી. મૂળ રીતે ગુજરાતી ભાષાનું ‘શબ્દાલય’ આજે બીજી ભાષાઓનો હાથ પકડી એમની હરોળમાં ઊભું રહેતું હતું.
તેને પોતાના પ્રોગ્રામ પર અખંડ ભરોસો હતો. અસંખ્યવાર ક્રમબદ્ધ પરીક્ષણો કરીને તેણે પ્રોગ્રામની ગુણવત્તા પર સિક્કો મારેલો. આ અતિ સ્માર્ટ સોફ્ટવેરની માહિતી ફક્ત સર્વાંગ અને તેની ખાસ આય.ટી. સ્પેશ્યાલિસ્ટ ટીમને જ હતી. રૂઢિવાદી ખયાલોની દુશ્મન ટોળકીને ક્યાંકથી આ વાતની ગંધ આવી ગયેલી. તે પછી મશીન વડે સાહિત્યનાં અવમૂલનને તુચ્છ હરકત ગણાવી તેમણે ઘણી હો-હલ્લા કરેલી, પણ ‘શબ્દાલય’ની વિશ્વસ્તરની વિખ્યાતીમાં ઉની આંચ પણ ન આવી. ‘શબ્દાલય’એ એની એ જ ગુણવત્તા હજું પણ જાળવી રાખી હોવાથી વિરોધ થોડી જ વારમાં શમીને વિસ્મૃત થઈ ગયો.
આ બધા પરીશ્રમ અને તપસ્યા પાછળ સર્વાગની ઊંડી પીડા કારણભૂત હતી. રોજબરોજ ગુજરાતી સાહિત્ય અને ભાષાની પડતી જોઈને તેની આંતરડી ઝાળ-ઝાળ થઈ જતી. બની બેઠેલા સાહિત્યકારો અને લખવૈયાઓનાં લખાણ તે વાંચતો ત્યારે ઘરેડબંધ અને ચીલાચાલુ શૈલી જોઈને તેને ઉબકા આવી જતા. તે રોષ ઢાલવતો રહેતો કે પાછલા દશકોમાં ગુજરાતી ભાષા તસુભાર પણ વિકસી ન હતી. એક જ લઢણ અને એક જ પ્રકારની ચવાયેલ શબ્દ-પસંદગીથી એને સૂગ ચડતી. સર્વાંગને એક શબ્દથી તો ખાસ નફરત હતી, ‘અચાનક’!
જરૂર વગર રસભંગ કરવા અને ખોટો રોમાંચ ઊભો કરવા લખવૈયાઓએ આ શબ્દ વાપરી વાપરીને તેને બજારું સ્ત્રી જેમ ચૂંથી નાખ્યો હતો. જ્યાં પણ તે હવે જરૂર વગર ‘અચાનક’ શબ્દ જોતો, તેની ક્રોધજ્વાળાઓ મનમાં ફૂંફાડા મારવા લાગતી. તે ગળું ફાડીને થાકી ગયો હતો કે ભાષા પાસે ‘સહસા’ અને ‘એકાએક’ જેવા બીજા શબ્દો પણ છે. ‘અચાનક’ શબ્દ ન વાપરો તો પણ વાંચક બુદ્ધિશાળી છે જ, તેને રોમાંચનું તત્વ પકડતા આવડે છે. પણ કોઈએ ત્યારે સર્વાંગનું સાંભળ્યું જ નહી.
સર્વાંગ આજે જરા ઉતાવળમાં હતો અને આવનાર વાર્ષિક અંક માટે ગુજરાતી સહીત દરેક ભાષાની કૃતિઓ ‘શબ્દાલય’માં આવીને જમા થઈ હતી. ગુજરાતી સિવાયની ભાષાનું સર્જન જે-તે સ્થાનિક ઑફિસથી અનુવાદ પામીને સર્વાંગ સુધી પહોંચતું એટલે તે ન આવડતા ભાષાની કૃતિઓનું મૂલ્યાંકન કરી શકે. હાથેથી લખાઈને મોકલાતી કૃતિઓ માટે પણ બાધ ન હતો. તેમની ઓટો-સ્કેનની પ્રક્રિયા ચાલી રહ્યી હતી. બધું જ કામ રોજિંદી ઘરેડમાં થતું હતું. વાર્ષિક અંક ઘણો મહત્વનો હતો એટલે ‘શબ્દાલય’નાં હેડક્વાર્ટર થોડો વધારે ઘમઘમાટ હતો. તેમ છતા સર્વાંગની ઉતાવળનું કારણ કંઈક બીજું જ હતું.
સર્વાંગ સીધો તેની ચેમ્બરમાં જવાને બદલે સ્વૃતાર્થની લેંગ્વેજ-લેબ તરફ ગભરાહટ અને રોમાંચ સાથે ધસી ગયો. આટલા વર્ષોમાં ક્યારેય પણ સ્વૃતાર્થે સર્વાંગને આવી વિનંતી કરેલી નહીં. “ના, સર કોઈ ટેક્નિકલ રીઝન નથી. લાગે છે કે સોફ્ટવેરનની મેમરીમાં કેટલાક સાહિત્યિક મતભેદો જન્મ્યા હશે! તમે એકવાર આવીને રૂબરૂ જોઈ જાઓ તો સારું.”
સ્વૃતાર્થે જોયું હતું કે પ્રોગ્રામે હમણા જ આવેલી એક વાર્તાને ચાર વાર ઓટો-સ્કેન કરી હતી. આજ સુધી પ્રોગ્રામે વધુને વધુ બે વાર જ કોઈ કૃતિને રીડ કરી હતી અને એવું જવલ્લે જ બનતું. એવી કૃતિ છપાયા પછી ઘણા સન્માનોને લાયક પણ બનેલી. આજની કૃતિની વાત અલગ હતી. તે કોઈ આધેડ વયના લેખકની વાર્તા હતી. ચાર વાર વંચાયા પછી પણ કૃતિ રિજેક્ટ લિસ્ટમાં ચાલી ગયેલી.
પ્રોગ્રામનાં વિચિત્ર વર્તનને કારણે સ્વૃતાર્થ તેના કોડિંગમાં કશી ગરબડ ન થઈ હોવાનું તપાસી ગયેલો. શંકાથી શરૂ થયેલી આ વિટંબણા હવે તેને પણ ઉત્તેજીત કરી રહ્યી હતી. સર્વાંગ આવે એ પહેલા તેણે વાર્તા બે વાર વાંચી નાખી હતી. તે સાહિત્યનો અભ્યાસુ ન હતો પણ આ વાતાવરણમાં રહીને થોડી સૂઝ તેને કેળવી હતી. તેને પણ લાગતું હતું કે કૃતિમાં દમ તો છે. છતા તે સમજી ન શક્યો કે પ્રોગ્રામને વાંધો ક્યા પડતો હતો? સામાન્ય રીતે પ્રોગ્રામ ત્યારે જ કોઈ કૃતિ બે વાર વાંચે જ્યારે કૃતિમાં એવા તત્વ ધ્યાનમાં આવે જે તેની હયાત મેમરીમાં સંગ્રહીત સાહિત્યનાં જ્ઞાનને પડકારે. પ્રોગ્રામ આવાં સર્જનને નવી રીતે મૂલવવા પ્રયત્ન કરે અને તેની વિલક્ષણતાઓ આત્મસાત કરી પોતાનાં કોડિંગને જાતે જ અપ્ગ્રેડ કરી નાખે.
સર્વાંગે લેંગ્વેજ-લેબમાં આવતાવેંત વોઇસ કમાન્ડ છોડ્યો અને એ વાર્તાનાં ડિજીટલ સ્વરૂપને મોટા ડિસ્પ્લે પર પ્રોજેક્ટ કરવાનો આદેશ છોડ્યો. તે પડદા સામે ઊભો રહી હલ્યાં-ચાલ્યાં વગર જ યોગીસમી સ્થિરતાથી વાર્તાને આસ્વાદ્યવા લાગ્યો.
અઢાર મિનિટે તેણે વાર્તા પૂરી કરી અને તેને પગનો થાક વિસરાઈ ગયો. સર્વાંગે ઘણી ઉત્કૃષ્ટ રચનાઓ વાંચી હતી. આ વાર્તા તેમાની એક તો ન હતી, પણ આવનાર વાર્ષિક અંક માટે શ્રેષ્ઠ પુરવાર થઈ શકે એમ તો જરૂર હતી. સર્વાંગની આંખોમાં અજબ કૌતુહલ છવાઈ ગયું. પ્રોગ્રામે ચાર-ચાર વાર વાંચ્યા છતા વાર્તા કેમ રિજેક્ટ કરી હશે? સર્વાંગને પોતાના સર્જન પર પહેલીવાર શંકા બેસવા લાગી. મશીન આખરે મશીન છે, તે ક્યારેક ભૂલ કરી પણ બેસે. તેનો પ્રોગ્રામ સર્વશ્રેષ્ઠ તો ન જ હતો, એટલે જ તો કોઈ પણ કૃતિ ફાઇનલ કરતા પહેલા સર્વાંગ તેને પોતાનાં રેટીના નીચેથી પસાર કરતો હતો.
“સ્વૃતાર્થ, માનવમન જેટલું ગહન છે એટલું જ ગહન હવે આ કૃત્રિમ બુદ્ધિની કોડિંગ પણ બનતું જાય છે. કાશ આ પ્રોગ્રામ મારી સાથે રૂબરૂમાં આંખથી આંખ મેળવી વાત કરી શકતો હોત!”
“તો પછી આ વાર્તા મુદ્દે તમારા બંનેના સાહિત્યિક મતભેદો પર ચર્ચા જામી પડત સર.” સ્વૃતાર્થે સર્વાંગના ચહેરા પર સંતોષ વાંચી લીધો હતો અને તે પામી ગયેલો કે વાર્તા મુદ્દે તે પ્રોગ્રામના નિર્ણયથી ઉલટો ચાલવાનો હતો.
સર્વાંગ આ વાર્તાને મંજૂર કરવાનો હતો. લેખક તેના માટે અજાણ્યો હતો પણ સર્વાગને લખનાર કરતા તેણે શું લખ્યું છે એની સાથે વધારે નિસ્બત હતી. તેને આનંદ હતો કે વાર્ષિક અંકની શ્રેષ્ઠ વાર્તા તેને મળી ગયેલી. આ કૃતિને ફાઇનલ લિસ્ટમાં સમાવવાની સૂચના આપી, તેણે મનમાં જરૂરી કદમ લેવાની ગણતરીઓ સાથે પોતાની ચેમ્બર તરફ પગ માંડ્યા. તે વિચારતો હતો કે થોડી વધારે મહેનત કરી તે પ્રોગ્રામને બીજી સામાન્ય આર્ટિફિશલ ઇન્ટેલિજન્સ જેવી બનાવી શકે છે જે તેની સાથે મુક્ત સંવાદ કરી શકાય. તે ભૂતકાળમાં આમ કરતા અટક્યો હતો કેમ કે આર્ટિફિશલ ઇન્ટેલિજન્સને પૂર્ણ રીતે માણસની બુદ્ધિનો આકાર આપવામાં ઘણું જોખમ હતું. બોલાયેલા શબ્દો ઘણા ખતરનાક હતા અને એટલે જ તેણે પ્રોગ્રામને વાચા આપી ન હતી. આ ફક્ત એવી પ્રણાલી હતી જે બોલ્યા-ચાલ્યા વગર પોતાની શ્રેષ્ઠ આવડતથી કહ્યું કામ કરી આપતી.
રાત્રે બે-વાગ્યા સુધી સર્વાંગે આગામી અંકની દરેક વાર્તા, લેખ, કવિતા અને જાત-ભાતનાં કન્ટેન્ટને પોતાની ચોકન્નાં નજર હેઠળથી પસાર કરી જંપ લીધો. તેણે જીજ્ઞાસાવશ ફરી એક વાર પેલી ખાસ વાર્તા વાંચી જોઈ. તેને કંઈ ખામી નજરે ન ચડી. ભાષાશુદ્ધિ અને સાથે ગુણવત્તા પણ સાફ દેખાતી હતી. સર્વાંગે થાકીને બધું જ ફાઇનલ કન્ટેન્ટ સર્વર પર મૂકવા માટે સ્વૃતાર્થને પાસ કરી દીધું.
સર્વાંગ હજુ ‘શબ્દાલય’નાં વિશાળ ચોગાનમાં પાર્કિંગ સુધી પહોંચ્યો જ હતો એવામાં ‘શબ્દાલય’નું હેડક્વાર્ટર સાયરનનાં આક્રંદ અને રેડ ઍલર્ટના સંકોતો સાથે ચમકવા લાગ્યું. સર્વાંગને તેના સપનાની ઇમારત પર અણુવિસ્ફોટ થયો હોય એવો ધ્રાસ્કો પડ્યો. પહેલી ક્ષણે તેના ઢીંચણ પાણી થઈ ગયા, બીજી ક્ષણે તેણે તમામ શક્તિ ભેગી કરી, મુઠ્ઠીઓ ભીડીને કશું પણ વિચાર્યા વગર બિલ્ડિંગ તરફ દોડ મૂકી.
‘શબ્દાલય’નાં મેન સર્વર પર આક્રમણ થયું હતું. સર્વર રૂમમાં આય.ટી. સ્પેશ્યાલિસ્ટ ટીમનાં સભ્યો હડબડીમાં આવી ગયેલા. સર્વાંગ સીધો લેગ્વેંજ-લેબના દરવાજે અફળાઈને અંદર ધસી આવ્યો. સ્વૃતાર્થના ચહેરા પર ભયાવહ રેખાઓ જોઈને સર્વાંગના પગના સ્નાયુઓ ફરી હલબલી ગયા. આક્રમણ એટલું ઝડપી હતું કે સ્વૃતાર્થ કશું સમજી શક્યો નહીં. ટીમનાં સભ્યો તેનો સંપર્ક કરવા લાગ્યા હતા.
‘શબ્દાલય’ની ફાયરવોલ કાગળ જેમ ફાટી પડી હતી. સ્વૃતાર્થ જેવો હોનહાર આય.ટી. એક્સપર્ટ જો સ્થિતિ સામે લાચાર હોય તો આ હુમલો તેમના નિયંત્રણ બહારનો હોઈ શકવાની સોએ-સો ટકા ખાત્રી હતી. સર્વાંગે ભારદાર થઈ રહેલી આંખોને કષ્ટ કરીને ઉંચકી અને સામેના મોટા પડદા પર દૃષ્ટી ફેરવી.
તેની વર્ષોની મહેનત, તેનો પ્રોગ્રામ આગંતુક હુમલાખોર વાઇરસ સામે ઝીંક ઝીલતો હતો. આતંકી વાઇરસ એક-એક કરીને ‘શબ્દાલય’ના ડેટાબૅઝની દેરેકે-દરેક માહિતી કરપ્ટ કરી કાયમ માટે ડિલિટ કરવા લાગ્યો હતો. તે ફક્ત શુષ્ક માહિતી ન હતી, પ્રોગ્રામની સ્મૃતિ અને સમજ હતી જે આટલા વર્ષનાં વાંચન-અનુભવે પ્રોગ્રામને લાધેલી.
“રોક! કોઈ પણ રીતે આને રોક!” સર્વાંગે ત્રાડ નાખી અને સ્વૃતાર્થ સામે દોડી ગયો. તે સ્વૃતાર્થના ખભા હચમચાવવા લાગ્યો. સ્વૃતાર્થે દુનિયાભરની લાચારી પોતાની આંખોમાં ભરીને નકારમાં ડોક હલાવી.
“છે શું આ? શું છે સ્વૃતાર્થ?” સર્વાંગે તેના ખભા છોડ્યા અને ડિસ્પ્લે પર તેના સ્વપ્નો અને ‘શબ્દાલય’ની સિદ્ધિઓને ખરતા તણખલા જેમ જોઈ રહ્યો. તેણે ફરી સ્વૃતાર્થ તરફ જોયું. “શું છે આ એ તો બોલ?”
સ્વૃતાર્થે ધ્રૂજતા હાથે પડદા પર નવી ડિસ્પ્લે ઓપન કરી. સામે એ જ વાર્તા હતી જે પ્રોગ્રામે ચાર-ચાર વાર વાંચીને પણ નકારી કાઢેલી. સર્વાંગ ફાટી આંખે જોઈ રહ્યો હતો. વાર્તાનું પ્રત્યેક વાક્ય એક શબ્દથી શરું થતું હતું. તે શબ્દ અત્યારે ઘાટા લાલ રંગમાં ડિસ્પ્લે પર તગતગી રહ્યો હતો. કોઈ શાતિર હૅકરની મદદથી દુશ્મન ટોળકીએ મોકલેલી આ વાર્તામાં બિટવિન્સ ધી લાઈન સંતાડેલો શબ્દ હતો, ‘અચાનક’.
સર્વાગનું હૃદય ભારે સંતાપથી ફાટવા લાગ્યું. પ્રોગ્રામે વાર્તામાં કશું શંકાસ્પદ પકડી પાડેલું, પણ સર્વાંગે તેને અભિવ્યક્તિની સ્વતંત્રતા આપી ન હતી. પ્રોગ્રામ દિલગીરી સાથે ધરાશાયી થઈ રહ્યો હતો. સર્વાંગે લાલચોળ થઈ રહેલી આંખોથી ત્રાડ નાખી જે ‘શબ્દાલય’ના ખૂણા-ખૂણામાં ગુંજી ઊઠી. “ભેણ** સાલાઓ…”
Guest Author:
સ્પર્શ હાર્દિક