વિજય સાંજે સાત સાડા સાતે નોકરીએથી આવે. સવારે નવ વાગે તો એ ઘેરથી નીકળી ગયો હોય. ચારેક વાગ્યાથી એના પેટમાં બિલાડાં બોલવા માંડયાં હોય ને સાંજે સાડા સાત વાગે તે ઘેર આવે ત્યારે તેની પત્ની સુધા અડોશ પડોશની બહેનો જોડે વાતો જ કરતી હોય. વિજય ભૂખ અને થાકથી ધૂવાં પૂવાં થયો હોય પણ તેની પત્ની સુધા એની કંઇ નોંધ જ ન લે. એ તો જેમ કરતી હોય એમ જ કરે. વિજયના ઘેર આવ્યા પછી ય કલાક બાદ એને જમવા મળે. વિજયને રોજ એની સાથે જમવા બાબતે માથા ઝીંક કરવી પડે, સુધા થોડીવાર સાંભળી રહે પછી એ ય સામે દલીલ કરવા લાગે.
— “ આજે શાંતાબેન આવ્યાં હતાં તે બે કલાક એમની સાથે ગયા.”
— “ આજે પિંકીને તાવ આવ્યો હતો,દવાખાને દોઢ કલાક બગડ્યો. “
— “ આજે તો શાક માર્કેટમાં સારું શાક જ નહોતું મળતું, તે થયું કે તમને પૂછીને જમવાનું બનાવીશ “
શાંતાબેન બપોરે બે કલાક બેસી ગયા હોય,બેબીને પાંચે ક વાગે દવા લાવી દીધી હોય કે શાક માર્કેટમાં સારું શાક ન મળતું હોય એમાં વિજયને માટે જમવાનું બનાવવામાં કઇ રીતે મોડું થાય એ વિજયને સમજાતું નહિ. વિજયને સુધાનું આવું જડ વલણ જરા ય સમજાતું નહિ. ક્યારેક એ પ્રેમથી સુધાને સમજાવે તો સુધાએ સમયે તો એની વાત માની જાય પણ બીજા દિવસે વિજય નોકરીએથી પાછો આવે ત્યારે એની મહેનત વ્યર્થ હોય… શું કરવું એ વિજયને સમજાતું નહિ. લગ્નનાં શરૂઆતનાં વર્ષોમાં સુધા ખૂબ નિયમિત રીતેકામ કરતી પણ જેમ જેમ વર્ષો વીતતાં ગયાં એમ એનામાં આળસ પ્રવેશતી ગઇ. પરણીને સાસરે આવતી વહુ અને સરકારી નોકરીમાં દાખલ થતો નવો કર્મચારી બંને ખૂબ જ સામ્ય ધરાવે છે, બંને શરૂમાં ખૂબ કામ કરે પણ પછી એમનો ઉત્સાહ મંદ પડી જાય છે…
વિજય સુધાને ગમે એટલું કહે તો પણ એ પથ્થર ઉપર પાણી બરાબર હતું.ભૂખથી બચવા વિજયે લંચ બોક્સ લઇ જવાનું શરૂ કર્યું તો સુધા રાત્રે નવ વાગ્યા સુધી ય રસોઇ ન બનાવે !!! વિજય સુધાને ચાહતો હતો પરંતુ સુધાની આ એક આળસુ વૃત્તિ તેને ખૂબ કઠતી હતી.વિજયના સુધાને સમજાવવાના બધા પ્રયત્નો વ્યર્થ ગયા.
એક દિવસ સાંજે સાડા સાતે વિજયે ઘેર આવી કહ્યું,
“ સુધા, આજે જમવામાં ઉતાવળ ન કરીશ, મને ભૂખ જ નથી..”
“ કેમ ? રોજ તો આવતા વેંત ખઉંખઉં કરો છો ને આજે કેમ ભૂખ નથી ?? “
“ ઓફિસમાં મારી બાજુમાં એક નવી ટાઇપિસ્ટ આવી છે તે સાંજે ચારે ક વાગે મને આગ્રહ કરીને એણે નાસ્તો કરાવ્યો છે, એટલે તું તારે નિરાંતે જમવાનું બનાવજે..”
સુધા વિજયના શબ્દો સાંભળી સ્તબ્ધ થઇ ગઇ.. કાંઇપણ બોલ્યા વિના એ રસોડામાં ચાલી ગઇ. સવારે વિજય ઓફિસે ગયા પછી તેનાં ગઇકાલનાં કપડાં સુધાએ ધોવા માટે લીધાં, તેમાં ખિસ્સામાંથી અનાયાસે જ તેના હાથમાં એક ચિઠ્ઠી આવી ગઇ તેમાં લખ્યું હતુ,
“ વહાલી,
તારા વિના હવે જીવી શકાય તેમ નથી, તું તો જાણે છે કે મારા ઘરમાં મારી પત્નીનો કેટલો બધો ત્રાસ છે ? તેં મારા જીવનમાં પ્રવેશ કર્યો છે ત્યારથી મારા જીવનમાં વસંત ખીલવા લાગી છે. હવે મને મારી પત્નીની પરવા નથી, એ ભલે એની આળસમાં પડી રહેતી, જે સ્ત્રીને પતિની લાગણીની પડી ના હોય એ સ્ત્રી પતિ પાસેથી બીજી કઇ અપેક્ષા રાખી શકે ?? જો તું સંમત હોય તો હું મારી પત્નીને છૂટા છેડા આપી તને સદાયને માટે અપનાવવા માટે તૈયાર છું કેમ કે તું જ મારા હ્રદયને સાચી રીતે ઓળખી શકી છે, કાલે બપોરે ”સન એન્ડ સન” હોટલના દરવાજે તારી રાહ જોઇશ, તારો જ વિજય.. “
સુધાને લાગ્યું જાણે ધરતી ફાટી રહી છે, ચિઠ્ઠી વાંચતાં તેને જાણે અંધારાં આવી ગયાં, તેને પ્રશ્નો થયા,
– “ મેં આશું કર્યુ?? “
– “ મારી આવડી મોટી ભૂલ થઇ ગઇ ?”
– “ શું વિજય મને ખરેખર છોડી દેશે ??“
તેની આંખમાં આંસુ આવી ગયાં . કલાક સુધી તે વિચારોમાં બેસી રહી.
સાંજે સાડા સાતે વિજય ઘેર આવ્યો ત્યારે સુધાને બહાર મહિલા મંડળની મીટીંગમાં ન જોઇ. તેને આશ્ચર્ય થયું. તે ઘરમાં આવતાં જ બોલ્યો..
“ અરે સુધા મારા પેન્ટમાં ગઇકાલે એક ચિઠ્ઠી રહી ગઇ હતી તે તારા હાથમાં તો નથી આવીને ?? “
સુધા કંઇ ન બોલી. વિજય ગાલમાં હસ્યો. બાથરૂમમાં જઇ ફ્રેશ થઇ બહાર આવ્યો ત્યારે સુધાએ થાળી પીરસેલી હતી ને તે ગુમસુમ બેઠી હતી.
“ અરે જમવાની આટલી બધી શું ઉતાવળ ? “ બોલતાં તે જમવા બેઠો.
“ કેમ આજે એકદમ મૂડલેસ દેખાય છે ? “
ત્યાં તો સુધાનાં ડૂસકાં તેને સંભળાયાં. તે સાચે જ રડવા લાગી હતી. વિજય ઉભો થઇ તેની પાસે ગયો. સુધા તેને વળગી પડી.
“ મને માફ કરી દો તમે કહેશો એ બધુ જ હું કરીશ પણ તમે …. “
અરે ગાંડી હું તને કશું કરવાનો નથી, આતો તને પાઠ ભણાવવા મેં નાટક કર્યું હતું. કોઇ પુરુષ પોતાની પ્રેમિકા પરની ચિઠ્ઠી પત્નીના વાંચવાસારુ ઘેર ભૂલી જાય ખરો ?? “
તો ય સુધા તો રડતી જ રહી. વિજયે એને સમજાવી. વિજયનું કહ્યું તે માનતી ન હતી એટલે વિજયે આવો કીમિયો કર્યો હતો. થોડીવારે સુધા સ્વસ્થ થઇ. બંનેએ એક જ થાળીમાં જમી લીધું. સુધા તે દિવસથી બદલાઈ ગઇ… વિજયને કાયમની શાંતિ થઇ ગઇ. વિજય અને સુધાના જીવનમાં વસંત સદાને માટે મ્હેંકવા લાગી….
- અનંત પટેલ