સરકાર સાથે સમાધાન થતાં શિક્ષકોની હડતાળ સમેટાઇ

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

અમદાવાદ : સળંગ નોકરી સહિતની માંગણીઓને લઇ રાજ્યના સવા બે લાખથી વધુ સરકારી શાળાના શિક્ષકો આજે સામુહિક રજા પર ઉતરી ગાંધીનગરમાં વિધાનસભાનો ઘેરાવ કરવા પહોંચ્યા હતા, એક તરફ પોલીસ ગાંધીનગરમાં નિર્દોષ શિક્ષકો પર લાઠીઓ વીંઝી રહી હતી અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, ત્યારે બીજીબાજુ, રાજય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સહિતના હોદ્દેદારો સાથે રાજયના શિક્ષણમંત્રી સહિતના સરકારના પ્રતિનિધિઓ સાથે મહત્વની બેઠક યોજાઇ હતી, જેમાં સરકાર તરફથી આ સમગ્ર મામલે ત્રણ સભ્યોની કમીટી બનાવી શિક્ષકોના પડતર પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવાની હૈયાધારણ અપાતાં શિક્ષક સંઘના હોદ્દેદારોએ આંદોલન સમેટી લેવાની જાહેરાત કરી હતી.

જા કે, બીજીબાજુ, પોલીસ અત્યાચાર અને લાઠીચાર્જનો ભોગ બનેલા શિક્ષકોએ સંઘના હોદ્દેદારોની હડતાળ સમેટવાની અપીલને ફગાવી હતી અને જણાવ્યું હતું કે, તેઓ આંદોલન ચાલુ રાખશે. પોલીસ અત્યાચારનો ભોગ બનેલા શિક્ષકોએ જણાવ્યું હતું કે, અમારા સંઘના પ્રમુખ અને હોદ્દેદારો ફુટી ગયા છે અને અમારી જાણ બહાર કે અમને વિશ્વાસમાં લીધા વિના સરકાર સાથે કેવી રીતે સમાધાન કરી શકાય. અમને આ સમાધાન મંજૂર નથી. અમે રાજયના દૂર-દૂરના અને આંતરિયાળ વિસ્તારમાંથી એલાનના કારણે અહીં ગાંધીનગરમાં આવ્યા હતા અને હવે છેલ્લી ઘડીયે અમારી સાથે વિશ્વાસઘાત થયાની લાગણીથી અમે આઘાતા પામ્યા છીએ.

પોતાની માંગણીઓને લઇ રાજ્યભરમાંથી આવેલા હજારો શિક્ષકોએ આજે ગાંધીનગરને જાણે બાનમાં લીધું હતું. ખાસ કરીને વિધાનસભા ગેટ પર શિક્ષકોએ હાય રે રૂપાણી હાય-હાયના નારા લગાવ્યા હતા. બપોર સુધી ચાલેલા આંદોલનનો બપોરે અંત આવ્યો હતો. એટલું જ નહી, વિધાનસભા સત્ર પૂર્ણ થાય પછી ફરીથી શિક્ષકોના મુદ્દે મળવાની સરકાર તરફથી હૈયાધારણ પણ ચુડાસમાએ આપી હતી. દરમિયાન મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યમાં એસ.ટી કર્મચારીઓ અને પ્રાથમિક શિક્ષકોના હાલ ચાલી રહેલા આંદોલન અને હડતાળ અંગે તેમના પ્રશ્નોની ચર્ચા વિચારણા અને નિરાકરણ માટે ૩ મંત્રીઓની કમિટીની રચના કરી છે.

Share This Article