દ્રશ્ય ૧ઃ
એક પરિવાર જેમાં સાતેક વર્ષનું બાળક અને એના માતા પિતા એક કૌટુંમ્બિક સગાંને ઘરે મહેમાન છે. યજમાન પરિવારે ત્રણ બીલાડીઓ પાળી છે. બાળકને બીલાડી સાથે રમવામાં અત્યંત રસ પડે છે અને એ એમની પાછળ ભાગે છે. બાળકની મમ્મીને બીલાડી જેવા જાનવર ‘ડર્ટી’ લાગે છે. એ બાળકને ટપારે છે. એમની વચ્ચેનો સંવાદ જુઓ.
“બેટા, કેટને ટચ ન કરાય.. એ તારો હાથ બાઈટ કરીને ડેમેજ કરી દેશે. બહુ ડર્ટી છે. અહિ આવ નહી તો ડેડુને કહી દઈશ.” હવે ડેડુ મમ્મીનું મન રાખવા ” નો બેટા. ડોન્ટ ટચ” કહીને ફરી વાતે યજમાન જોડે વાતોએ વળગે છે.
આ બધાની વચ્ચે યજમાન ગૃહિણી વિચારમાં પડી કે હાથ ડેમેજ કેમ થાય? એને તો એટલું ખબર કે ડેમેજ ફક્ત ‘વસ્તુ’ થાય.
દ્રશ્ય ૨ઃ
બે યુવાન મમ્મીઓ પોતાના નાના બાળકોને શાળામાંથી લેવા આવી છે. ઘરકામમાં અપાયેલા કોઈ પ્રોજેક્ટ વિશે વાત થઈ રહી છે.
મમ્મી ૧ઃ માય ગોડ. નાનાં કિડ્સને કેટલું હાર્ડ હોમવર્ક આપી દે છે!
મમ્મી ૨ઃ ટ્રુ. મેં ગૂગલ પર બધાં જ પેજ રીડ કર્યાં. ત્યાં કશું પણ ફાઈન્ડ કરવું અઘરું અને ટાઈમ કન્ઝ્યુમિંગ છે.
મમ્મી ૧ઃ આજકાલની સ્કૂલો કિડ્સ પર બહુ જ બર્ડન નાખે છે.
ત્યાં જ શાળા છૂટવાનો ઘંટ વાગે છે. બાળકો દોડતા આવે છે.
બાળક ૧ઃ “મમ્મા.. આજના ઈશાનને મેરા ટીફીન ઈટ લિયા.”
બાળક ૨ઃ ” નો મમ્મા.. યશ લાય બોલ રહા હૈ..”
આ સંવાદોથી આપ સૌને જાણ થઈ જ ગઈ હશે કે વાત શેની થઈ રહી છે. જી હા.. આ ભાષાનાં ‘નુડલ્સનાં ગુંચળા’ બની રહ્યા છે એની જ. ખીચડી શબ્દ જાણી જોઈને ટાળ્યો છે. મિત્રો, આ આપણે ક્યાં જઈ રહ્યા છીએ? શું મેળવી રહ્યા છીએ? શું મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ? ક્યાંક ‘સો કૉલ્ડ’ આધુનિક અને મોર્ડન દેખાવાના ચક્કરમાં કંઈક ગુમાવી તો નથી રહ્યા? આ રીતે તો બાળકો ન ગુજરાતી સારું શીખશે કે ન અંગ્રેજી.
માતૃભાષાની મહત્તા માટે જાણીતા સાહિત્યકાર શ્રી ગુણવંતભાઈ શાહે ખૂબ જ સાચું તેમજ મજાનું સ્લોગન આપ્યું છે, ‘માતાના ધાવણ પછીના ક્રમે માતૃભાષા આવે છે.’ કેટલી સાચી વાત! માતાને છોડીને આજે આપણે માસી પાછળ દોટ મૂકી છે. જે ચોક્કસપણે આપણી ભૂલ છે. આવી બે ત્રણ ભાષાના ખીચડી જેવી ભાષા મોટેરાંનાં જ મુખે સંભળાય તો આવનારી પેઢીને દોષ કેમ દઈ શકાય. એમ પણ આજે કુટુંબો વિભક્ત થતાં જાય છે. હમ દો હમારે દો, યા એક નો સમય ચાલી રહ્યો છે. ઘરનાં વડીલોની છત્રછાયા આમેય આજકાલની પેઢીને ઓછી જ મળે છે. એટલે માતૃભાષાથી એક ડગલું વધુ દૂરી.
જાપાન, ચાઈના, જર્મની જેવા અનેક દેશો પોતાની માતૃભાષાને જ વળગી રહ્યાં છે. એમને અંગ્રેજી ન આવડવાની ન તો જરાય શરમ છે ન ખેદ. દેશવિદેશ સાથે વ્યવહારૂ કામ ચલાવવા ત્યાં દુભાષિયાઓની સેવા લેવાય છે. પરંતુ આજની તારીખમાં ઘણા ગુજરાતીઓ જ એવા છે કે ગુજરાતી હોવા છતાં ગુજરાતી બોલતા શરમાય છે. અંગ્રેજી પણ જરૂરી છે. મોરારિ બાપુ પણ કહે છે કે અંગ્રેજી કર્મની ભાષા છે, એટલે તમે એ પ્રકારનું કામ કે નોકરી કરતા હોવ તો અંગ્રેજી આવડવી જ જોઈએ. પણ બાપુ ગુજરાતી ભાષામાં જે કથા કહે છે તે શું અંગ્રેજીમાં સાંભળવાથી એમાં ભાવ આવશે ખરો?
ગર્ભાવસ્થા દરમ્યાન બાળકનું સંપૂર્ણ શારીરિક બંધારણ ઘડાતું હોય છે ને માનસિક બંધારણ પણ ઘડાતું હોય છે. તેના આ માનસિક બંધારણ ઉપર મોટે ભાગે તેની માતાના વર્તન, વ્યવહાર, જીવનશૈલી અને આસપાસના વાતાવરણનો ઘણો પ્રભાવ હોય છે. બાળક ગર્ભમાં હોય ત્યારથી જ તેનું મન અને મગજ કાર્યરત થઈ જાય છે. પૂરાણોમાં પણ આના દાખલાઓ છે જેમકે અભિમન્યુ. અભિમન્યુ માતાનાં ગર્ભમાં જ સાત કોઠા વીંધવાનું શીખ્યો હતો. બાળક જન્મે, બે વર્ષનું થાય ત્યાં સુધીમાં બાળકનું મગજ કાને પડતી ભાષાને ગ્રહણ કરવામાં અત્યંત કુશળ બની જાય છે. તે સાંભળી સાંભળીને જ માતૃભાષા શીખી જાય છે. સાચું કહો તો ગર્ભમાંથી જ બાળક માતાની ભાષા શીખવા લાગે છે, તેથી તે માતૃભાષા કહેવાય છે. બાળક પાંચ વર્ષનું થાય ત્યાં સુધીમાં તો માતૃભાષાના બે હજાર જેટલા શબ્દો તેના અર્થ અને ભાવ સાથે શીખીને તેને અનુભવમાં પણ લઈ લે છે. હવે તમે જો બાળક સાથે શરૂઆતથી આવી અશુદ્ધ એટલે કે બે ચાર ભાષાની ખીચડી જેવી ભાષામાં વાત કરશો તો એ વિચારો કે એને ગ્રહણ કરવામાં કેટલી મુશ્કેલી પડતી હશે! બે ત્રણ ભાષાના એ મિક્સચરને છુટ્ટું પાડવામાં, એનું વિષ્લેષણ કરવામાં જ એની અડધી માનસિક શક્તિ ખર્ચાઈ જશે. માતૃભાષામાં બાળક જ્ઞાનને, આસપાસનાં વાતાવરણને ઝડપથી અને સહજતાથી ઝીલે છે. જે ભાષામાં બાળક ઊછરે તે જ ભાષામાં ગ્રહણશક્તિ, સમજશક્તિ અને વિચારશક્તિ પૂરબહાર ખીલે છે. આ વાત હવે તો વૈજ્ઞાનિક રીતે પણ સાબિત થઈ ચૂકી છે. ચાલો, આ જ વાતને બીજી રીતે સમજીએ તો મગજ એક કમ્પ્યુટર છે. આ કમ્પ્યુટરની સહુથી વધુ બંધ બેસે તેવી ભાષા માતૃભાષા છે. માતૃભાષાના માધ્યમમાં ભણનારની માનસિક પડકારો ઝીલવાની ક્ષમતા એટલે કે સ્ટ્ર્રેસ કેપેસિટી વધારે હોય છે. આ બાબત તેને જીંદગીમાં આગળ આવતાં બધા જ પડકારો ઝીલવા માટે સક્ષમ બનાવે છે.
અહિં પ્રખર ગુજરાતી સાહિત્યકાર ફાધર વાલેસનો ઉલ્લેખ પણ અત્યંત જરૂરી બની જાય છે. તેઓ કહે છે કે બીજાનું જરૂર અપનાવો પણ પોતાનું શા માટે છોડી દો છો? ગુજરાતીઓને સમજવા ફાધર વાલેસ ગુજરાતી શીખ્યા અને ગુજરાતીમાં ઘણાં પુસ્તકો પણ લખ્યા.
અંગ્રેજી બોલવાથી કે કહેવાથી અંગ્રેજ નથી બની જવાતું. અંગ્રેજ તો આખર તમને ઈન્ડિયન જ કહેશે. ઘણાં સર્વેક્ષણો અને અભ્યાસોએ પુરવાર કર્યું છે કે, માતૃભાષા છોડીને અંગ્રેજી ભાષાના માધ્યમથી શિક્ષણ લેનાર બાળકનો બૌદ્ધિક વિકાસ રૂંધાય છે. છતાં, પોતાના બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનો આગ્રહ રાખનારા માતા-પિતા પોતાની ઊંચી બૌદ્ધિક ક્ષમતાનો ઉપયોગ કેમ નથી કરતા એ વાત સમજાતી નથી. વિચાર, સ્વપ્ન, લાગણી, રુદન અને ક્રોધ જેવા આવેગો જે માતૃભાષામાં જ સહજતાથી રજુ થાય છે. તમને ઠેસ લાગશે ત્યારે તમારા મોઢેથી ‘ઓ મા…’ જ નીકળવાનું. કશુંક ભયજનક કે અચંબિત થઈ જવાય એવું જોશો તો ‘ઓ બાપરે..’ જ નીકળવાનું.
ઉપરના સંવાદ પર એક નજર ફરી નાખશો તો જણાશે કે આ રીતે આપણે જ આપણી માતૃભાષાને નબળી પાડી રહ્યા છીએ. માતૃભાષા જો નબળી પડતી હોય તો તેનો પહેલો જવાબદાર ગુજરાતીજન પોતે છે. શું આપણી કોઈ નૈતિક જવાબદારી નથી? માતૃભાષા આપણો શણગાર છે. “જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં વસે ગુજરાત” કહીને ગર્વ લેનારો ગુજરાતી આગળ જતાં રહેશે કે કેમ એનો ભય છે. આપણી ગુજરાતીમાં સ્વપ્ન જોશો તો એ પૂરા કરવા બમણું જોમ ચડશે. માતૃભાષામાં મોકળા મને હસો, ખુશી બેવડાઈ જશે. માતૃભાષામાં રડી જોજો, દર્દ તકલીફ હળવી લાગશે. આ રીતે એનું માન વધારો, પોતાનું માન વધારો. દેશ આઝાદ થયે અર્ધા ઉપર દાયકો ગયો પણ અંગ્રેજોની ભાષાને હજીય જળોની જેમ વળગી રહેલ ગુલામ મનોદશાને ત્યાગો તો જ સાચી આઝાદી મેળવી એમ કહેવાશે. જે દિવસે આપણે આપણી ભાષા માટે ગૌરવ અનુભવશું તે દિવસે ભાષા જીવશે, જીવાડવી નહીં પડે.
અસ્તુ.
તા.ક. વૉટ્સએપ તેમજ ફેસબુક જેવી સોશીયલ નેટવર્કિંગ સાઈટ પર ફરતાં ગુજરાતીઓ અને ગુજરાતી ભાષાની ખીલ્લી ઉડાવતાં મેસેજો અમે કોઈનેય ફોરવર્ડ નહિ કરીએ એવું નક્કી કરી ચૂક્યા છીએ. આ વિષચક્ર ક્યાંક તો અટકે, અટકવું જોઈએ. શું આપ આ બાબતે અમને સાથ આપશો?
- રાજુલ ભાનુશાલી