હરદ્વાર ગૌસ્વામી કહે છે એમ :
“એક ઘા ને કટકા ત્રણ,
સમજવું હોય તો ગુજરાતી ભણ”
આપણી માતૃભાષાની મીઠાશનો મહિમા એ જ જાણી શકે જે ભાષાને ગળાડૂબ પ્રેમ કરી શકે. માતૃભાષાને ગળાડૂબ ચાહવાની વાત કંઈ સહેલી નથી. અનેક આક્ષેપો ને સવાલો રાહ જોતાં બેઠા છે. દરેક પડકારને મક્કમતાથી ઝીલવા માટે પણ માતૃભાષાનું મજબૂત પીઠબળ જોઈશે. ફૂલદાનીમાં મૂકેલું ફૂલ સારું ને સુંદર લાગી શકે. પણ ફૂલછોડ પરના ફૂલ જેવી કુમાશભરી મહેક ક્યાંથી આવશે ? એમ, ઈસ્ત્રી કરેલી અંગ્રેજી ભાષા ચપોચપ બોલતાં શીખી જઈએ, એ સારું ય છે. પણ માના ‘પાલવ’નું અંગ્રેજી ક્યાંથી લાવવું ? અંગ્રેજીમાં Wind કે બહુ બહુ તો Air કહેશો પણ ખુશબોભર્યો ‘અનિલ’ ક્યાં મળશે ? શીતળ સ્પર્શ આપતો ‘સમીર’ ગુજરાતીની આગવી થાપણ છે. પૃથ્વી માટે વપરાતા બધા જ સમાનાર્થીનો પોતાનો આગવો અર્થ છે. આવું વૈવિધ્ય અને આવો વૈભવ માતૃભાષા ગુજરાતી સિવાય ન સંભવે. એવા અનેક શબ્દો જે રોજબરોજ બોલાતા હોય છે જેનો અંગ્રેજી તો શું દુનિયાની કોઈ ભાષામાં અનુવાદ ન મળી શકે. જેમ કે, ‘ધુબાકો’, ‘સબાકો’, ‘સબળકો’, ‘સૈડકો’, ‘ભૈડકો’, ‘ઝૈડકો’…
-આવા તો સેંકડો શબ્દો મારા ને તમારા અતલાંતમાં પડ્યા છે જેનો ક્યાંય અનુવાદ મળી શકે એમ નથી. આવી દોમદોમ સાહ્યબીથી ભરી ભરી ગુજરાતી ભાષાને ચાહીએ, એને આરાધીએ, એની સાધના કરીએ. અને એનું ઋણ અદા કરીએ. અંગ્રેજીનાં વધતા જતા પ્રભાવને નાથવો હશે તો શિક્ષકોએ કમર કસવી પડશે અને સમાજે એની પડખે ઉભા રહેવું પડશે. અંગ્રેજીનો વિરોધ નથી, દુનિયાની કોઈ ભાષાનો વિરોધ ન હોઈ શકે. પરંતુ, આપણી ભાષાના ગૌરવને ખંડિત કરીને સમાજમાં પ્રવેશતી જતી અંગ્રેજીયત સામે વાંધો છે. એટલે આ આહવાન કરવું પડે છે. આશા રાખીએ સમગ્ર ગુજરાતી સમુદાય આ આહવાનને એક અવાજે ઝીલી લેશે. અને મા ગુર્જરીની મીઠાશને હણાવા નહીં દે.
-ચિંતન મહેતા