મુંબઈ : શેરબજારમાં આજે પણ મંદીનું મોજુ રહ્યું હતું. કારોબારના અંતે સેંસેક્સ વધુ ૧૪૬ પોઇન્ટ ઘટીને ૩૫૩૫૩ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૩૬ પોઇન્ટ ઘટીને ૧૦૬૦૫ની નીચી સપાટીએ રહ્યો હતો. નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં બે ટકાનો ઘટાડો રહ્યો હતો. ટીસીએસ અને વિપ્રોના શેરમાં તીવ્ર ઘટાડો રહ્યો હતો. નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સમાં ૦.૩ ટકાનો ઘટાડો રહ્યો હતો. બ્રોડર માર્કેટમાં એસએન્ડપી બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૭૨ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૩૮૬૮ રહી હતી જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૪૦ પોઇન્ટનો સુધારો રહેતા તેની સપાટી ૧૩૧૫૯ રહી હતી. ફેબ્રુઆરી મહિનાના પ્રથમ પખવાડિયામાં વિદેશી પોર્ટફોલિયો મૂડીરોકાણકારોએ સ્થાનિક શેરબજારમાં ૫૩૦૦ કરોડ રૂપિયાનુ મૂડીરોકાણ કર્યું છે.
૨૦૧૯-૨૦ના વચગાળાના બજેટને લઇને વિદેશી મૂડીરોકાણકારો આશાવાદી દેખાઈ રહ્યા છે. આ પહેલા જાન્યુઆરી મહિનામાં એફપીઆઈ દ્વારા ભારતીય બજારોમાંથી ૫૨૬૪ કરોડ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા. ડિપોઝિટરીના આંકડા મુજબ પહેલીથી ૧૫મી ફેબ્રુઆરી વચ્ચેના ગાળામાં ભારતીય શેરબજારમાં એફપીઆઈ દ્વારા ૫૩૨૨ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હતું. આ ગાળા દરમિયાન બોન્ડ માર્કેટમાંથી ૨૪૮ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવાયા હતા. ગયા સપ્તાહમાં શેરબજારમાં કાશ્મીરમાં પુલવામા હુમલાને લઇને ચર્ચાઓ રહી હતી. બીએસઈ બેંચમાર્ક ઇન્ડેક્સ ૭૩૭ પોઇન્ટ ઘટીને ૩૫૮૦૮ની નીચી સપાટીએ રહ્યો હતો. ૧૫મી ફેબ્રુઆરીના દિવસે પુરા થયેલા સપ્તાહ દરમિયાન સેંસેક્સ ઘટીને નીચી સપાટીએ રહ્યો હતો. નિફ્ટી ઇન્ડેક્સ ૨૧૯ પોઇન્ટ ઘટીને ૧૦૭૨૪ની નીચી સપાટીએ રહ્યો હતો. માર્કેટમાં આગામી સામાન્ય ચૂંટણી પહેલા ઉથલપાથળ રહેવાના સંકેત દેખાઈ રહ્યા છે.
બીએનપી પરિબાષના લોકોનું કહેવું છે કે, હાલમાં મૂડીરોકાણકાઓ સાવધાનીપૂર્વકનું વલણ અપનાવીને આગળ વધી શકે છે. અન્ય વૈશ્વિક પરિબળો પમ જવાબદાર દેખાઈ રહ્યા છે. થોડાક મહિનામાં લોકસભાની ચૂંટણી યોજાનાર છે. આ પરિબળ સૌથી મહત્વની રહેશે. રોકાણકારો હાલમાં ક્વાલીટી શેર ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. મૂળભૂતરીતે મજબૂત રહેલા શેરોમાં નાણા ઉમેરવાને લઇને કારોબારી ચિંતિત નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પુલવામા હુમલા માટે જવાબદાર લોકો સામે પગલા લેવાની વાત કર્યા બાદ આને લઇને બજારમાં ચર્ચા છે. બજારમાં સોમવારના દિવસે વેચવાલી વચ્ચે મંદીનું મોજુ ફરી વળ્યું હતું અને કારોબારના અંતે સેન્સેક્સ ૩૧૧ પોઈન્ટ ઘટીને ૩૫૪૯૮ની નીચી સપાટીએ રહ્યો હતો. નિફ્ટી ઈન્ડેક્સ ૮૩ પોઈન્ટ ઘટી ૧૦૬૪૧ની સપાટીએ રહ્યો હતો.